Mukhy Samachar

News of Monday, 19th June, 2017

હાફીઝ સઇદ કેસ : કોર્ટે ચુકાદો ત્રીજી જુલાઈ સુધી મોકૂફ રાખ્યો

ઇદની ઉજવણી હાફીઝ અને તેના સાગરિતોને કસ્ટડીમાં કરવી પડશે : પાકિસ્તાનની લાહોર હાઈકોર્ટે ચુકાદો મોકૂપ રાખ્યો : ડેપ્યુટી એટર્ની જનરલ કોર્ટમાં ઉપસ્થિત ન રહેતા ચુકાદો આખરે ફરી એકવાર ટાળી દેવામાં આવ્યો

   લાહોર, તા. ૧૯ : મુંબઈ ત્રાસવાદી હુમલામાં માસ્ટરમાઇન્ડ અને જમાત ઉદ દાવાના લીડર  હાફીઝ સઇદ અને તેમના ચાર સાગરિતોને કસ્ટડીમાં જ ઇદની ઉજવણી કરવાની ફરજ પડશે. કારણ કે, પાકિસ્તાનની લાહોર હાઈકોર્ટે આજે તેમની અટકાયત કેસમાં ત્રીજી જુલાઈ સુધી ચુકાદો મોકૂફ કરી દીધો હતો. જસ્ટિસ અબ્દુલ સામી ખાનના નેતૃત્વમાં ડિવિઝન બેંચે આ ચુકાદો આપ્યો હતો. કારણ કે, સરકારી લો ઓફિસરે ચુકાદો મોકૂફ રાખવા માટે વિનંતી કરી હતી. ડેપ્યુટી એટર્ની જનરલ આજે કોર્ટમાં ઉપસ્થિત રહ્યા ન હતા. કોર્ટ રુમની બહાર પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે આ મુજબની વાત કરી હતી. સરકારની વિનંતીને સ્વીકારીને બેંચે તેના ચુકાદાની જાહેરાતને ત્રીજી જુલાઈ સુધી મોકૂફ કરી દીધી હતી. હાફીઝ સઇદની નજરકેદ સાથે સંબંધિત મામલામાં સુનાવણી ચાલી રહી છે. આનો મતલબ એ થયો કે હાફીઝ સઇદને કસ્ટડીમાં જ ઇદની ઉજવણી કરવી પડશે. ચુકાદો મોકૂફ રાખવા માટે કોર્ટ અધિકારીઓ અન્ય કોઇ કારણ આપ્યા ન હતા. બેંચ હવે હાફીઝના કેસમાં ચુકાદો ત્રીજી જુલાઈના દિવસે સુનાવણી બાદ જાહેર કરશે. કોર્ટે ૭મી જૂનના દિવસે આ નિર્ણય મોકૂફ રાખ્યો હતો. અગાઉ પંજાબ સરકારના લો ઓફિસરે જવાબ રજૂ કર્યો હતો. સાથે સાથે હાફીઝ સઇદના વકીલ એડવાકેટ એકે ડોગરે તેમની દલીલો પરિપૂર્ણ કરી હતી. કોર્ટે જાહેરાત કરી હતી કે, ૧૯મી જૂનના દિવસે સઇદની અટકાયત સાથે સંબંધિત કેસમાં ચુકાદો જાહેર કરવામાં આવશે પરંતુ આજે ફરી એકવાર ચુકાદો ત્રીજી જુલાઈ સુધી મોકૂફ કરી દેવામાં આવ્યો હતો. હાફીઝ અને તેમના ચાર સાગરિતો દેશની શાંતિ અને સુરક્ષા સામે ખતરો બની ગયા છે તેવી રજૂઆત અગાઉ કરવામાં આવી હતી. જેના આધાર પર આ તમામને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પંજાબ સરકારે એવી રજૂઆત પણ કરી હતી કે, હાફીઝ સહિત અને તેના સાગરિતોના મામલામાં વધુ તપાસ કરવી જોઇએ.પોતાની દલીલમાં ડોગરે કહ્યું હતું કે, સરકાર જ્યુડિશિયલ રિવ્યૂ બોર્ડ સમક્ષ અરજીદારોને રજૂ કરી શકી નથી. તેમણે એમપણ કહ્યું હતું કે, તેમની અટકાયત ગાળાની પૂર્ણાહૂતિ પહેલા બોર્ડ સમક્ષ અરજીદારોને રજૂ કરી શકાયા નથી. તેમણે કહ્યું હતું કે, રિવ્યૂ બોર્ડની પરવાનગી વગર કોઇપણને અટકાયતમાં વધુ સમય સુધી રાખવાની બાબત ગેરકાયદેસર છે. ડોગરે કહ્યું હતું કે, સરકારે ભારત અને અમેરિકાને રાજી રાખવાના ઇરાદાથી અરજીદારોની અટકાયત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ભૂતકાળમાં દેશની અદાલતે હાફીઝ સઇદની ગેરકાયદે અટકાયત કરી હતી. કારણ કે સરકાર તેની સામે કોઇ પુરાવા સાબિત કરી શકી ન હતી. ગયા મહિનામાં હાફીઝ સઇદ રિવ્યૂ બોર્ડ સમક્ષ ઉપસ્થિત રહ્યો હતો. આ શખ્સે એ વખતે કબૂલાત કરી હતી કે, કાશ્મીરીઓ માટે અવાજ ઉઠાવવા બદલરોકવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. આજ કારણસર પાકિસ્તાન સરકાર દ્વારા તેની અટકાયત કરાઈ છે. જો કે, ફેડરલ મંત્રાલય દ્વારા દલીલોેને ફગાવી દેવાઈ હતી અને કહ્યું હતું કે, હાફીઝ સઇદ અને તેના ચાર સાગરિતો જેહાદના નામ ઉપર આતંકવાદી ગતિવિધિ ફેલાવે છે. ૩૦મી એપ્રિલના દિવસે સઈદ અને તેના ચાર સાગરિતોની અટકાયતની અવધિને બીજા ૯૦ દિવસ માટે પંજાબ સરકારે લંબાવી દીધી હતી.

 (07:27 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો