Mukhy Samachar

News of Monday, 19th June, 2017

રામનાથ કોવિંદ NDAના રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર

ભાજપનો માસ્ટર સ્ટ્રોકઃ દલિત આગેવાન રામનાથ કોવિંદ હાલ બિહારના રાજયપાલ છેઃ દિલ્હી હાઇકોર્ટમાં સરકારના વકીલ રહી ચુકયા છે કોવિંદઃ ભાજપના અધ્યક્ષ અમિતભાઇ શાહે પત્રકાર પરિષદમાં નામની કરી જાહેરાતઃ સર્વસંમતિના પ્રયાસઃ ર૩મીએ ઉમેદવારી પત્ર ભરશે !: કોવિંદ ભાજપ દલિત મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભારતીય કોળી સમાજના અધ્યક્ષ પણ રહી ચુકયા છે

રામનાથ કોવિંદ NDAના રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર

   નવી દિલ્હી તા.૧૯ : દલિત એવા રામનાથ કોવિંદ એનડીએ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે. તેમના નામની જાહેરાત ભાજપના અધ્યક્ષ અમિત શાહે આજે પત્રકારો સમક્ષ કરી હતી. કોવિંદ હાલ બિહારના રાજયપાલ છે. તેઓ કાનપુરના રહીશ છે અને દલિત સમુદાયથી આવે છે. અમિત શાહે કહ્યુ હતુ કે, ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં તેમના નામની પસંદગી કરવામાં આવી હતી.

   ભાજપના અધ્યક્ષ અમિત શાહે આજે ભાજપ સંસદીય બોર્ડની બેઠક બાદ રામનાથ કોવિંદના નામની જાહેરાત કરી હતી અને કહ્યુ હતુ કે અમે અન્ય પક્ષો સાથે સર્વસંમતિ માટે વાતચીત કરીશુ. અમને આશા છે કે કોંગ્રેસ સહિતના પક્ષોએ તેમના નામ સામે કોઇ વાંધો નહી રહે.

   રામનાથ કોવિંદનો જન્મ યુપીના કાનપુર જિલ્લાના ડેરાપુરના એક નાના ગામ પરોખમાં થયો હતો. તેઓએ વકીલ થયા બાદ દિલ્હી હાઇકોર્ટમાં વકીલાત શરૂ કરી હતી. તેઓ ૧૯૭૭ થી ૧૯૭૯ સુધી દિલ્હી હાઇકોર્ટમાં કેન્દ્ર સરકારના વકીલ રહ્યા હતા. ૧૯૯૧માં તેઓ ભાજપમાં આવ્યા હતા. ૧૯૯૪માં યુપીથી રાજયસભા માટે ચૂંટાયા હતા. ર૦૦૦ની સાલમાં ફરી યુપીથી રાજયસભામાં આવ્યા હતા. તેઓ સતત ૧ર વર્ષ સુધી રાજયસભાના સાંસદ રહ્યા હતા. તેમણે ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા તરીકે પણ કામ કર્યુ હતુ. તેઓ ભાજપ દલિત મોરચાના અધ્યક્ષ અને અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ પણ રહી ચુકયા છે. ૮ ઓગષ્ટ ર૦૧પના રોજ તેમની બિહારના રાજયપાલ તરીકે નિમણુંક થઇ હતી.

   આજે ભાજપની બેઠકમાં પીએમ મોદી ઉપરાંત અમિત શાહ, સુષ્મા સ્વરાજ, વેકૈયા નાયડુ, નીતિન ગડકરી સહિતના સભ્યો હાજર રહ્યા હતા. ૨૮મી જુન ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ છે. મોદી ર૪ થી ર૭મી સુધી અમેરિકા જઇ રહ્યા છે તેથી તેમની હાજરીમાં જ ઉમેદવારનું નોમીનેશન ફાઇલ થશે. ભાજપે તેમના તમામ સાંસદો અને ધારાસભ્યોને દિલ્હી બોલાવ્યા છે. રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ચાર નામાંકન દાખલ થશે. તેમા કુલ ૪૮૦ સાંસદો અને ધારાસભ્ય સહી કરશે. આ સહીનું કામકાજ બે દિવસ ચાલશે અને તે પછી ર૩મીએ ઉમેદવારી પત્ર ભરાશે. બીજા પ્રસ્તાવમાં પહેલુ નામ અમિત શાહનું નામ હશે. ત્રીજા અને ચોથા પ્રસ્તાવમાં પહેલુ નામ પ્રકાશસિંહ બાદલ અને ચંદ્રાબાબુ નાયડુ નામ હશે. (૩-૧૭)

 (03:27 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો