Mukhy Samachar

News of Monday, 19th June, 2017

અધધ... બે હજાર કરોડનો સટ્ટો રમાયો

ભારતની ટપોટપ વિકેટો પડતા લોકોએ ટીવી બંધ કરી દીધાઃ કેટલાય પંટરોના નાણા ડૂબ્યા : મેચ ફિકસ થઈ ગયાની પણ ભારે ચર્ચા

   રાજકોટ, તા. ૧૯ :  ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ ભારત અને પાકિસ્તાન વચ્ચે હોય આજે બપોરથી રસ્તા સૂમસામ થઈ ગયા હતા. મોટાભાગની દુકાનો બંધ રહી હતી. ઈદનો તહેવાર હોવા છતાં બજારો બંધ હોવાને લીધે ખરીદી કરવા નીકળેલાને પરત જવું પડ્યુ હતું. રવિવારની રજા હોય લોકો ફાઈનલ મેચ જોવા માટે એક જગ્યાએ ભેગા થયા હતા. જો કે ભારતની બે વિકેટો ઝડપી પડી જતાં લોકો નિરાશ થયા હતા. કેટલાક લોકો ટીવી બંધ કરીને બહાર નીકળી ગયા હતા. જયારે નબીરાઓએ ફાર્મ હાઉસ અને બંગલામાં ફાઈનલ મેચ નિહાળવાની સાથે રાખેલ ભોજનનો લોકો સ્વાદ લઈ શકયા નહોતા. કેટલાક નબીરાઓએ જમવાનુ મેનુ છેલ્લી ઘડીએ બદલીને ખીચડી કઢી ખવડાવીને શોક વ્યકત કર્યો હતો.

   બીજી તરફ પોલીસે બંદોબસ્ત શહેરમાં વધારીને સંવેદનશીલ વિસ્તારોમાં પોઈન્ટ ખડકી દીધા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સ્ટેશનોને પેટ્રોલીંગ વધારી દેવા માટે સુચના આપી દીધી હતી. ફાઈનલ મેચમાં ભારતની જીત માટે એડવાન્સમાં લાવેલ દારૂખાનુ ભારત હારી જતા પડી રહ્યુ હતું. ક્રિકેટ રસીયાઓએ જણાવ્યુ હતું કે ફાઈનલ મેચ ફિકસ થઈ ગઈ હતી. પંટરોએ ભારતની જીત માટે લગાવેલા અબજો રૂપિયા ગુમાવ્યા હતા.

   ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચમાં પાકિસ્તાનના બેટ્સમેનો રનો ખડકી દેતા સટ્ટાબજારમાં મોટી ઉથલપાથલ થઈ ગઈ હતી. એક તબક્કે પાકિસ્તાનનો ભાવ માત્ર ૧૬ પૈસા થઈ ગયો હતો. જયારે ભારતની જીતનો ભાવ રૂ. ૧.૯૦ પૈસા થઈ જતાં લોકોએ ભારતની જીત ઉપર લગાવેલા લાખો રૂપિયા ગુમાવ્યા હતા.

   જેના લીધે ગુજરાતના સટ્ટાબજારમાં બે હજાર કરોડની હારજીત થઈ ગઈ હતી. પંટરોના મતે ભારત અને પાકિસ્તાનની મેચ ફિકસ થઈ ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું હતું.

   ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ ભારતે ટોસ જીતીને પાકિસ્તાનની ટીમને બેટીંગ લેવાનું આમંત્રણ આપ્યુ હતું. પાકિસ્તાનના બેટ્સમેનો વિકેટ સાચવીને રનો ખડકવાનું ચાલુ કરતા સટ્ટાબજારમાં પંટરોએ ભારત જીતના લગાવેલા સોદા સરખા કરીને પાકિસ્તાન કપ જીતશેના ભાવ શરૂ થઈ ગયા હતા.

   પાકિસ્તાનના ભાવ એક તબક્કે ૮૨ પૈસા થઈ ગયા હતા. જયારે ભારત જીતના ભાવ રૂ. ૧.૩૦ થી ૧.૩૫ પૈસા થયા હતા. ભારતની શૂન્ય રનમાં વિકેટ પડતા પાકિસ્તાનનો ભાવ પૈસા ૨૨ થી ૨૪ થઈ ગયો હતો. જયારે ભારતનો ભાવ રૂ. ૧.૯૦ થઈ ગયો હતો. આમ પાકિસ્તાનની ટીમ ફાઈનલમાં જીતી જતા પંટરોને કરોડો રૂપિયા ગુમાવ્યા હતા.

   કેટલાક પંટરોએ બોબડી લાઈનના મોબાઈલ પછાડીને રોષ વ્યકત કર્યો હતો. ઉપરાંત કેટલાક પંટરોએ બુકી પાસેથી ખાનગીમાં દારૂ મંગાવીને ગમમાં આવી જઈને દારૂ ઢીચ્યો હતો. બુકીઓના મતે ભારતની જીત પર મોટાભાગના પંટરોએ સટ્ટો રમ્યા હોવાથી તેમને નાણા ગુમાવ્યા છે. આ હારેલા નાણાની હવે ઉઘરાણી કરવા માટે માણસો રાખવા પડશે.(૩૭.૨)

 (10:09 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો