Mukhy Samachar

News of Monday, 19th June, 2017

જ્જો-વકીલોને ૧૦ કરોડની લાંચ આપી ગાયત્રી પ્રજાપતિ જામીન ઉપર છુટયા

અલ્હાબાદ હાઇકોર્ટની તપાસમાં ધડાકોઃ રેપકાંડમાં જામીન આપવા ખેલાયા અજબગજબના ખેલઃ ન્યાયપાલિકાની વિશ્વસનીયતા સામે સવાલઃ જામીન આપવા માટે જ્જોને બદલાવી નખાયાઃ તપાસ ચાલતી હોવા છતાં જામીન મળી ગયાઃ પ કરોડ વકીલને અને પ કરોડ જ્જને અપાયાનો ધડાકો

જ્જો-વકીલોને ૧૦ કરોડની લાંચ આપી ગાયત્રી પ્રજાપતિ જામીન ઉપર છુટયા

   અલ્હાબાદ તા.૧૯ : ઉત્તરપ્રદેશના પુર્વ મંત્રી ગાયત્રી પ્રજાપતિને રેપના એક મામલામાં મળેલા જામીને વિવાદ ઉભો કર્યો છે. એક તપાસમાં સામે આવ્યુ છે કે, તેમને એક ષડયંત્ર રચીને જામીન આપવામાં આવ્યા છે જેમાં એક વરિષ્ઠ જ્જ પણ સામેલ છે. પ્રજાપતિને જામીન આપવા માટે ૧૦ કરોડ રૂપિયાની લેવડ-દેવડ થઇ હોવાનું બહાર આ્યુ છે. આ ચોંકાવનારો ખુલાસો અલ્હાબાદ હાઇકોર્ટની એક તપાસમાં થયો છે.

   અલ્હાબાદ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ દિલીપ બી. ભોસલેએ પ્રજાપતિને જામીન આપવાના મામલાની તપાસનો આદેશ આપ્યો છે. આ તપાસમાં સંવેદનશીલ મામલાની સુનાવણી કરતી અદાલતોમાં જ્જોની પોસ્ટીંગમાં હાઇલેવલ કરપ્શનની વાત સામે આવી છે. આ પ્રકારની અદાલતો રેપ અને હત્યા જેવા જઘન્ય અપરાધોના મામલે સુનાવણી કરતી હોય છે.

   પોતાના રિપોર્ટમાં જસ્ટીસ ભોસલે કહ્યુ હતુ કે, એડીશ્નલ જિલ્લા અને સેશન્સ જ્જ ઓ.પી.મિશ્રાને ૭ એપ્રિલના રોજ નિવૃતિના ૩ સપ્તાહ પહેલા પોકસો જ્જના સ્વરૂપમાં તૈનાત કરાયા હતા. તેમણે જ ગાયત્રી પ્રજાપતિને રપ એપ્રિલે રેપના મામલામાં જામીન આપ્યા હતા. મિશ્રાની નિયુકિત નિયમોને નેવે મુકી કરી અને પોતાના કામને એક વર્ષથી યોગ્ય રીતે કરતા એક જ્જને હટાવી તેમની નિમણુંક થઇ હતી.

   ઇન્ટેલીજન્સ બ્યુરોએ જ્જની પોકસો પોસ્ટીંગમાં લાંચ-રૂશ્વતની વાત જણાવી છે. રિપોર્ટ અનુસાર ગાયત્રી પ્રજાપતિને ૧૦ કરોડ રૂપિયાના અવેજમાં જામીન આપવામાં આવ્યા હતા. આ રકમથી પ કરોડ રૂપિયા એવા ત્રણ વકીલોને આપવામાં આવ્યા હતા જેમણે વચેટીયાની ભુમિકા ભજવી હતી. બાકીના પ કરોડ રૂપિયા પોકસો જ્જ ઓ.પી.મિશ્રા અને તેમનુ પોસ્ટીંગ સંવેદનશીલ મામલાની સુનાવણી કરતી કોર્ટમાં કરનાર જિલ્લા જ્જ રાજેન્દ્રસિંહને આપવામાં આવ્યા હતા. જિલ્લા જ્જ રાજેન્દ્રસિંહની પુછપરછ થઇ ચુકી છે.

   પોતાના ગુપ્ત રિપોર્ટમાં જસ્ટીસ ભોસલેએ કહ્યુ છે કે ૧૮ જુલાઇ ર૦૧૬ના રોજ પોકસો જ્જ સ્વરૂપે લક્ષ્મીકાંત રાઠોરની તૈનાતી થઇ હતી. તેઓ સારૂ કામ કરતા હતા. તેમને અચાનક હટાવી તેમના સ્થાને ૭ એપ્રિલ ર૦૧૭ના રોજ મિશ્રાની જ્જ તરીકે નિમણુંક થઇ હતી. આ તૈનાતી પાછળ કોઇ યોગ્ય કારણ ન હતુ. મિશ્રાની નિવૃતિ આડે ૩ સપ્તાહ બાકી હતા ત્યારે તેમની નિમણુંક થઇ હતી.

   અખિલેશ સરકારમાં મંત્રી રહેલા ગાયત્રી પ્રજાપતિ વિરૂધ્ધ રેપના એક મામલામાં સુપ્રિમ કોર્ટની ફટકાર બાદ ઉત્તરપ્રદેશ પોલીસે ૧૭ ફેબ્રુઆરીએ એક એફઆઇઆર નોંધી હતી અને ૧પ માર્ચે તેમની ધરપકડ કરી હતી. ર૪ એપ્રિલે તેમણે જ્જ ઓ.પી.મિશ્રાની અદાલતમાં જામીન અરજી કરી અને મામલાની તપાસ ચાલુ હોવા છતાં તેમને જામીન આપી દેવાયા હતા.

   આઇબીએ પોતાના રિપોર્ટમાં ઓ.પી.મિશ્રાની પોકસો કોર્ટમાં પોસ્ટીંગમાં ભ્રષ્ટાચારની વાત જણાવી છે. આ રિપોર્ટ બાદ યુપીમાં ન્યાયપાલિકામાં ટ્રાન્સફર અને પોસ્ટીંગને લઇને સવાલ ઉઠવા શરૂ થઇ ગયા છે. આઇબીના રિપોર્ટ મુજબ ઓ.પી.મિશ્રાની પ્રમાણિકતા શંકાસ્પદ છે અને તેની છબી પણ સારી નથી.

   આ તપાસમાં સામે આવ્યુ છે કે, કઇ રીતે બાર એસો.ના પદાધિકારી ત્રણ વકીલોએ મિશ્રાની પોકસો કોર્ટમાં તૈનાતીની ડીલ ફિકસ કરી. પ્રજાપતિને જામીન આપવાના ૩-૪ સપ્તાહ પહેલા મિશ્રાની ચેમ્બરમાં જિલ્લા જ્જ અને ત્રણેય વકીલો વચ્ચે અનેક બેઠકો થઇ હતી. આખરી બેઠક ર૪ એપ્રિલે મળી અને એ જ દિવસે પ્રજાપતિએ મિશ્રાની કોર્ટમાં જામીનગીરી કરી હતી.

   સુપ્રિમ કોર્ટના કડક આદેશ બાદ યુપી પોલીસે ગાયત્રી અને તેના સાથીઓ વિરૂધ્ધ કલમ-૩૭૬, ૩૭૬-ડી, પ૧૧, પ૦૪, પ૦૬ અને પોકસો હેઠળ કેસ નોંધ્યો હતો. ૩૭૬ હેઠળ રેપનો કેસ નોંધાય છે અને જેમાં આરોપીને ૧૦ વર્ષની કેદ અથવા આજીવન કેદ થાય છે. ૩૭૬-ડી હેઠળ ગેંગરેપનો કેસ નોંધાય છે જેમાં આજીવન કેદની સજા છે.(૩-૪)

 (10:09 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો