Mukhy Samachar

News of Monday, 19th June, 2017

મચ્છરોનાં લાર્વા બદલ રાષ્ટ્રપતિ ભવનને નોટીસ

ભવનમાં અનેક સ્થળે ભરાયેલા પાણીમાં મચ્છરો પેદા થઇ રહ્યા છે

મચ્છરોનાં લાર્વા બદલ રાષ્ટ્રપતિ ભવનને નોટીસ

   નવી દિલ્હી તા. ૧૯ : નવી દિલ્હી નગરપાલિકા પરિષદ (એનડીએમસી)એ રાષ્ટ્રપતિ ભવનના વિશાળ પરિસરમાં અનેક સ્થળે ભરાયેલા પાણીમાં મચ્છરો પેદા થવા અંગે રાષ્ટ્રપતિ ભવનને નોટિસ મોકલી છે. એનડીએમસીએ અત્યાર સુધીમાં વીવીઆઈપી લુટિયન્સ ઝોનમાં ૧૧૦૦થી વધુ નોટિસ અને ૧૩ ચલણ જારી કર્યા છે.

   એનડીએમસીના આરોગ્ય વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું, 'દર વર્ષે અમે ટીમ બનાવીએ છીએ અને મચ્છરોનાં ઉત્પતિસ્થાનો વિશે તપાસ કરીએ છીએ અને તેની મદદથી એનડીએમસી દ્વારા નોટિસ જારી કરવામાં આવે છે. જો બીજી વખત તપાસ કરાયા પછી પણ સ્થિતિમાં સુધારો ન આવે તો ત્યારે ચલણ જારી કરવામાં આવે છે.'

   અધિકારીએ કહ્યું હતું, 'અમે મચ્છરો પેદા થવા અંગે રાષ્ટ્રપતિ ભવનના અનેક કવાર્ટરો અને પરિસરોને નોટિસ જારી કરી છે.' તેમણે કહ્યું હતું કે ગત વર્ષે એનડીએમસીએ રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં ૮૦થી વધુ નોટિસ જારી કરી હતી. જયારે ૨૦૧૫માં અહીં ૧૨૫ નોટિસ જારી કરવામાં આવી હતી. આ વર્ષે કેટલી નોટિસ જારી કરાઈ છે તે હાલ જાણી શકાયું નથી.

   રાષ્ટ્રપતિ ભવન ઉપરાંત અન્ય મહત્ત્વપૂર્ણ ઈમારતોને મોકલાયેલી નોટિસમાં સંરક્ષણ મંત્રાલય, દિલ્હી હાઈકોર્ટ, હરિયાણા ભવન, પર્યાવરણ ભવન, સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ, સફદરજંગ હોસ્પિટલ, એઈમ્સ, દિલ્હી પોલીસ હેડકવાર્ટર, રામ મનોહર લોહિયા (આરએમએલ)ને નોટિસ મોકલવામાં આવી છે. અહીં નગરપાલિકાના હાલના રિપોર્ટ અનુસાર ૧૦ જૂન સુધીમાં ડેન્ગ્યૂના ૭૦ કેસો અને ચિકનગુનિયાના ૧૩૫ કેસો નોંધાયા છે.

 (10:08 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો