Mukhy Samachar

News of Monday, 19th June, 2017

ટીમ હારતા કાશ્મીરમાં ફટાકડા ફુટયાઃ જશ્નઃ ભારત વિરોધી નારા

અમદાવાદ, કાનપુર, હરીદ્વારમાં ક્રિકેટ ફેન્સનો ગુસ્સો આસમાનેઃ ખેલાડીઓના પોસ્ટરો સળગાવ્યા તથા ટીવી તોડયાઃ સુરક્ષા દળો ઉપર પથ્થરમારો-ફટાકડા ફેકાયાઃ પાકિસ્તાનના ઝંડા લેહરાયા, આતશબાજી થઇ અને ભારત વિરોધી નારેબાજીઃ ઠેર-ઠેર વિજય જુલુસ નીકળ્યા

ટીમ હારતા કાશ્મીરમાં ફટાકડા ફુટયાઃ જશ્નઃ  ભારત વિરોધી નારા

   નવી દિલ્હી તા.૧૯ : ચેમ્પીયન્સ ટ્રોફી ર૦૧૭ના ફાઇનલમાં ભારતને પાકિસ્તાને હરાવી દીધુ તે પછી ભારતીય ફેન્સ શેરીઓમાં ઉતરી પડયા હતા અને પોતાનો ગુસ્સો અને દુઃખ વ્યકત કર્યુ હતુ. કેટલાક લોકો પોતાના ટીવી ફોડી નાખ્યા હતા તો કેટલાકે ભારતીય ખેલાડીઓના પોસ્ટર સળગાવ્યા હતા તો કેટલાક લોકોએ રસ્તાઓ ઉપર ઉતરીને ભારતીય ટીમ વિરૂધ્ધ નારેબાજી કરી હતી. મળતી માહિતી મુજબ કાનપુરમાં કોહલી, અશ્વિન, યુવરાજ ઉપરાંત ટીમના બાકીના અનેક ખેલાડીઓના પોસ્ટરો સળગાવાયા હતા. અમદાવાદમાં ટીવી તોડવામાં આવ્યા, ઉત્તરાખંડમાં પણ લોકોએ ટીવી ફોડયા હતા. મેચ હાર્યા બાદ રાંચીમાં ધોનીના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી ત્યાં પથ્થરબાજીની આશંકા હતી તો બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં જશ્ન મનાવવામાં આવ્યો હતો. શ્રીનગરમાં ફટાકડા ફોડી ખુશી વ્યકત કરાઇ હતી. કાશ્મીરી મહિલાઓ પણ રસ્તા ઉપર ઉતરી પાકિસ્તાનના વિજય પર ગીતો ગાઇ ખુશી મનાવી હતી. કાશ્મીરમાં અનેક સ્થળે યુવકોએ સુરક્ષા દળો ઉપર ફટાકડા અને પથ્થરો ફેંકયા હતા. ઉપદ્રવ કરી રહેલી ભીડને વિખેરવા અશ્રુવાયુ છોડવામાં આવ્યા હતા. તે પછી પણ ઉપદ્રવ નહી અટકતા પેલેટ ગન છોડવામાં આવી હતી. આમા અડધો ડઝન લોકોને ઈજા થવા પામી હતી.

   ભારતીય બેટસમેનોની વિકેટ પડવાની સાથે જ ફટાકડા ફોડવાનો સીલસીલો શરૂ થયો હતો. શ્રીનગરના સેકીદફર ચોકમાં સીઆરપીએફ કેમ્પ તથા પોલીસ સ્ટેશનની અંદર યુવકોએ ફટાકડા ફેંકયા હતા. ફતેહકદલમાં સુરક્ષા દળો ઉપર ફટાકડા ફેંકવામાં આવ્યા હતા. કાશ્મીર યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓ પાકિસ્તાનના વિજયને વધાવ્યો હતો. ખીણના તમામ જિલ્લામાં વિજય ઉપર ફટાકડા ફોડવામાં આવ્યા હતા. જમ્મુ, રાજૌરી, કિસ્તવાડ અને અન્ય વિસ્તારોમાં પણ આતશબાજી થઇ હતી.

   શ્રીનગરમાં યુવાનોએ ફટાકડા ફોડયા, પાકિસ્તાનના ઝંડા લહેરાવ્યા હતા અને ભારત વિરોધી નારા લગાવ્યા હતા. ત્રાલમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરૂષો રસ્તા ઉપર ઉમટી પડયા હતા અને પાકિસ્તાનના વિજયનો જશ્ન મનાવ્યો હતો. ત્રાલના દરેક ગામમાં વિજયના જુલુસ કાઢવામાં આવ્યા હતા. સોપીયા અને કુલ ગામમાં ત્રાસવાદીઓએ હવાઇ ફાયરીંગ કર્યુ હતુ. સોપોર, બારામુલ્લામાં પણ પાકિસ્તાનના વિજયને વધાવવામાં આવ્યો હતો.

   અમદાવાદમાં પાલડી ખાતે કેટલાક યુવકો આવ્યા હતા અને ખેલાડીઓના દેખાવની નારાજગી વ્યકત કરી ટીવી તોડયા હતા. ભારતમાં અનેક જગ્યાએ ક્રિકેટના ફેન્સ નિરાશ અને નારાજ થયા હતા અને ગુસ્સો વ્યકત કર્યો હતો.(૩-ર)

 (09:47 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો