Samachar Gujarat

News of Monday, 19th June, 2017

નર્મદાની સિદ્ધિ ભાજપ માટે પ્રચારનો 'પાણીદાર' મુદ્દો

ડેમના દરવાજા બંધ, પ્રચારના દરવાજા ખૂલ્લા : ભાજપના ભાથામાં તિર ઉમેરાયું

નર્મદાની સિદ્ધિ ભાજપ માટે પ્રચારનો 'પાણીદાર' મુદ્દો

   રાજકોટ, તા. ૧૯ :. નર્મદા કંટ્રોલ ઓથોરીટીએ નર્મદા ડેમ પર દરવાજા બંધ કરવાની મંજુરી આપતા ભાજપને ચૂંટણી ટાણે કેન્દ્ર સરકારના ગુણગાન ગાવાનો વધુ એક મોકો મળ્યો છે. ડેમ પર દરવાજા બંધ થવાથી વિકાસના નવા દરવાજા ખુલ્યા છે તેમા કોઈ બેમત નથી પરંતુ ભાજપને આ મુદ્દાનો ચૂંટણી લક્ષી ફાયદો લેવાનો ઈરાદોે છે. તે દિશામાં પ્રચાર પણ શરૂ કરી દીધો છે. આવનારા સમયમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને ગુજરાત બોલાવીને રાજ્યવ્યાપી નર્મદા ઉત્સવ ઉજવવાનું આયોજન છે. ગુજરાત સરકારની જાહેરાતમાં સરદાર પટેલના ફોટા સાથે મોદીની પ્રસંશા કરવામાં આવી છે. તે બાબત હાલના સંજોગોમાં સૂચક ગણાય છે.

   ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના રાજકીય પક્ષો માટે પણ જીવાદોરી બની છે. અત્યાર સુધી નર્મદાના નામે જુદા જુદા પક્ષોએ રાજકારણ ચલાવ્યુ છે. નર્મદાની સફળતામાં તમામ પક્ષોનો સહયોગ છે. નર્મદા ગુજરાતની તસ્વીર અને તકદીર બદલવા સક્ષમ છે.

   આવતા પાંચ મહિનામાં ધારાસભાની ચૂંટણી આવી રહી છે. પાણીનો મુદ્દો ઘર-ઘરને સ્પર્શે છે. નર્મદા યોજનાથી ખેડૂતો અને પીવાના પાણીનો પ્રશ્ન હલ થશે. નર્મદાની સિદ્ધિ રાજ્યના ખેડૂતોને ખુશ કરી શકે છે. ભાજપ પાસે પ્રચારના જે મુદ્દા હતા તેમા દરવાજા બંધ કરવાની સિદ્ધિનો મુદ્દો ઉમેરાયો છે. ભાજપ આ મુદ્દાને પાણીદાર મુદ્દો બનાવવા માગે છે. મોદીએ સરદાર પટેલનું સપનુ પુરૂ કર્યુ તેવુ ભાજપના નેતાઓનું કહેવુ છે. આ જ મુદ્દા પર ભાજપ ચૂંટણી પ્રચારમાં આગળ વધવા માગે છે. ડેમની ઉંચાઈનું કામ પુરૂ થઈ ગયુ છે. જળસંગ્રહ શકિત ૭૪ ટકા વધશે. નર્મદાના પાણી ખેતરો સુધી પહોંચે કે ન પહોંચે પરંતુ પ્રચારના પુર ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી વળશે.

 (03:49 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS