Samachar Gujarat

News of Monday, 19th June, 2017

સૌરાષ્ટ્રના ખેડૂતો સુરતમાં માલ વેંચી એક જ દિ'માં ઘરે પાછા ફરી શકશેઃ માંડવિયા

સુરતથી સૌરાષ્ટ્રનું ૧૫ કલાકનું અંતર ૫ કલાકમાં (દરિયાઇ માર્ગે) કાપી શકાશે

સૌરાષ્ટ્રના ખેડૂતો સુરતમાં માલ વેંચી એક જ દિ'માં ઘરે પાછા ફરી શકશેઃ માંડવિયા

   સુરત તા. ૧૯ : ક્રૃષક ભારતી કો ઓપ. કં. લિમીટેડ(ક્રિભકો)ની મુલાકાતે આવેલા કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, જેમ દહેજ થી ઘોઘા ફેરી ટુંક સમયમાં શરૂ થનાર છે. તેવી રીતે આગામી સમયમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનશીપ ધોરણે સુરતના હજીરા થી દિવ અને વિકટર સુધી પણ રો-રો ફેરી સર્વિસની સુવિધા શરૂ કરવાનું આયોજન છે. સુરતથી સૌરાષ્ટ્ર ફેરી સર્વિસ શરૂ કરી શકાય તે બાબતે કંપનીઓએ સર્વે હાથ ધર્યો છે.

   ૫૦૦ લોકો બેસી શકે, ૨૦૦ ટુ-વ્હીલર અને ૫૦ ફોર વ્હીલરની ક્ષમતા ધરાવતા શીપનું આવન-જાવન થઈ શકે તેવા પ્રકારની શીપ ચલાવવા માટે પીપીપી ધોરણે પ્રોજેકટ સાકાર કરવામાં આવશે. આ માટેની તમામ પ્રાથમિક સુવિધાઓ સરકાર પુરી પાડશે.

   ટુંક સમયમાં સુરતને સૌરાષ્ટ્ર સાથે દરિયાઈ માર્ગે જોડી રહ્યા છીએ. જમીન માર્ગે સૌરાષ્ટ્રમાં જવા માટે ૧૫ કલાકથી વધુનું અંતર દરીયાઈ માર્ગે માત્ર ૪ થી ૫ કલાકમાં જ કાપીને સમયસર પહોંચી શકાશે. આ સુવિધા ઉભી થવાથી કોસ્ટલ શીપીંગ ટ્રાન્સપોર્ટ વધશે જેના કારણે લોકોના સમય, ખર્ચની બચતની સાથે પર્યાવરણની સુરક્ષા સાથે રસ્તાઓના ટ્રાફિકમાં નોંધપાત્ર ધટાડો થશે.

   દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે ફેરી પ્રારંભ થવાથી આ વિસ્તારમાં ઔદ્યોગિકક્ષેત્રે ક્રાંતિના મંડાણ થશે. સૌરાષ્ટ્રના બંદરેથી સવારે શાકભાજી કે કેરી લઈને નીકળનારો ખેડૂત સુરત ખાતે વેચાણ કરી સાંજે પાછો ઘરે પહોચી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર હોવાની વિગતો મંત્રીશ્રીએ આપી હતી.  આ પ્રસંગે ધારાસભ્યશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા તથા શ્રીમતિ ઝંખનાબેન પટેલ તેમજ કંપનીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 (12:55 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS