Samachar Gujarat

News of Monday, 19th June, 2017

આપણે જેટલા નિયમમાં રહીશું તેટલુ જિંદગીનું ધ્યેય નજીકમાં આવશે : શા.માધવપ્રિયદાસજી સ્વામી

શિક્ષણ સાથે સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે સેવા ભાવના દ્રઢ થાય એજ શિક્ષણનું સાચું ફળ છે: પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી: દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં ઉજવાયેલ સંત -ઋષિકુમારોનો પ્રવેશોત્સવ

આપણે જેટલા નિયમમાં રહીશું તેટલુ જિંદગીનું ધ્યેય નજીકમાં આવશે : શા.માધવપ્રિયદાસજી સ્વામી

   અમદાવાદ તા.૧૮. જ્યાં વેદથી માંડીને આચાર્ય (એમ..) સુધીના ૨૦૦ જેટલા ઋષિકુમારો અને સંતો નિઃશુલ્ક રીતે અભ્યાસ કરે છે. તેમજ અહી શાસ્ત્રી-આચાર્ય ડીગ્રી કોર્સમાં વ્યાકરણ, ન્યાય, વેદાન્ત, મિમાંસા, ઉપનિષદ, ગીતા, શ્રીમદ્ ભાગવત, સત્સંગીજીવન, શિક્ષાપત્રી, વગેરે શાસ્ત્રોનો અભ્યાસ થઇ રહેલ છે. એવા શ્રી સ્વામિનારાયમણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ છારોડી એસજીવીપી સંચાલિત શ્રી દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં અેસજીવીપી અઘ્યક્ષ શા.માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં સંતો અને ઋષિકુમારોનો પ્રવેશોત્સવ ઉજવાયો હતો.

          કાર્યક્રમની શરુઆતમાં પાઠશાળાના પ્રાધ્યાપક શા. ચિંતનભાઇ જોષીએ પાઠશાળામાં વર્ષપર્યંત થયેલ વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓ અને છેલ્લા ૧૩ વર્ષથી આવતું સંસ્કૃત મહાવિદ્યાલયનું સો ટકા પરિણામનો ઉલ્લેખ કરી સૌને બિરદાવ્યા હતા. તથા નવા પ્રવેશ પામેલ સંતો તથા ઋષિકુમારોને પુરાણી સ્વામીના હસ્તે શૈક્ષણિક કીટ અર્પણ કરી હતી. 

       આ પ્રસંગે શા.માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવેલ કે,આપણે જેટલા નિયમમાં રહીશું તેટલુ જિંદગીનું ધ્યેય નજીકમાં આવશે. પાણી ચારે બાજુ ફેલાય જાય તો કોઇ ઉપયોગનું થતું નથી. પણ જો એ પાણી કેનાલમાં આવે તો હરિયાળી ક્રાન્તિ સર્જે. તેમ આપણી તમામ ઇન્દ્રીયો-શક્તિઓ ધર્મનિયમમાં રહી સત્કર્મમાં વપરાય તો જીવન દીપી ઉઠે. 

        તમે સંતો, કેવળ મંદિરના મહંતો થવા સર્જાયા નથી. તમે તો સમાજના માર્ગદર્શક છો. તમારે હજારો જીવોને સદ્ માર્ગે વાળવાના છે.

        સંસ્થાની ઇતર સેવામાં તો પગારદાર પણ ચાલશે. પણ સંસ્થાના માર્ગદર્શક તો તમારે જ થવુ જોઇશે. તમારા ગુરુજનોએ તમને અહીં મૂક્યા તે તેેમની શ્રેષ્ઠ પસંદગી છે. સ્વામિનારાયણ સંપ્રદાય આપણો જ છે. પણ આપણામાં જડ સાંપ્રદાયિકતા અને સંકુચિતતા ન આવવી જોઇએ. સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનો નવો ચહેરો છે તે બધાએ સમજી લેવું જોઇએ.

         આ પ્રસંગે પાઠશાળામાં સતત ૧૩ વર્ષ થયા ૧૦૦ ટકા પરિણામ આવવા બદલ  તમામ પ્રાઘ્યાપકગણને પૂ.બાલકૃષ્ણદાસજી સ્વામીએ સન્માન કરતા જણાવ્યું હતુ કે શિક્ષણ સાથે સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે સેવા ભાવના દ્રઢ થાય એજ શિક્ષણનું સાચું ફળ છે. આ પ્રસંગે પાર્ષદવર્ય શ્રી શામજી ભગત, કોઠારી ધર્મનંદનદાસજી સ્વામી, મુનિવત્સલદાસજી સ્વામી વગેરે સંતો ઉપસ્થિત રહ્યા હતા.

 (11:42 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS