Samachar Rajkot

News of Friday, 19th May, 2017

'સમયચક્ર'... બેટી બચાવો, બેટી પઢાઓ, વ્યસનમુકિતના સંદેશાનો ત્રિવેણી સંગમ

૧૦૦% કરમુકત ગુજરાતી ફિલ્મ ર૬મીથી ગુજરાત સહિત દેશ-વિદેશના ૧પ૦ થી વધુ મલ્ટીપ્લેકસ સિનેમા ઘરોમાં નિહાળી શકાશે : રાજકોટ, ગાંધીધામ, મોરબી, વાંકોનર સહિતના સ્થળોએ થયુ શુટીંગ : લંડનમાં ગીતોનું માસ્ટરીંગ કરાયું'તુ : સારી કથા-વાર્તાઓ, કલાકારો લઇને બનાવેલી ફિલ્મો ૧૦૦% સફળતાનો સ્વાદ ચાખે : જયંતિભાઇ રાજકોટીયા : આકાશ શાહ, અપેક્ષા પટેલ, ચંદન, રાઠોડ, ઘનશ્યામ નાયક, તન્મય વેકરીયા, ચંદ્રાકાંત પંડયા, પ્રતિમા ટી, બીપીન રૂઘાણી, ધર્મેશ વ્યાસ, રાજુ મજેઠીયા, સહિતનાએ કલાના કામણ પાથર્યા...

'સમયચક્ર'... બેટી બચાવો, બેટી પઢાઓ, વ્યસનમુકિતના સંદેશાનો ત્રિવેણી સંગમ

   સમયચક્ર વિશે પત્રકારો સમક્ષ પ્રકાશ પાડતા અમરકુમાર જાડેજા, જેન્તીભાઇ રાજકોટીયા તથા ઉપસ્થિત પ્રતિમા ટી, અપેક્ષા પટેલ, આકાશ શાહ અને ડો. ઉત્પલ સહિતના દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

   રાજકોટ, તા. ૧૯ : વર્તમાન સમયમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ જળમુળથી બદલાઇ રહી છે, હિન્દી ફિલ્મની સાથે સરખાવી શકાય તેવી ગુજરાતી ફિલ્મો બની રહી છે ત્યારે સારી કથાઓ, સારૂ સંગીત અને શ્રેષ્ઠ નિર્માણ લોકો સ્વીકારે છે અને તેથી જ ગુજરાતી ફિલ્મનો સુવર્ણકાળ પુનઃશરૂ થઇ ગયો હોય તેમ જણાય છે, તો ૭૦થી ૯૦ના દાયકામાં સોનબાઇની ચુંદરી, માબાપ, જય સંતોષીમાં, જય ખોડીયારમાં, ભાદરતારા વહેતા પાણી, ભવની ભવાઇ, પતાળી પરમાર, મચ્છુ તારા વહેતા પાણી જેવી હિટ ફિલ્મો ગીત સંવાદ આજે પણ લોકજીભે વસેલા છે. ત્યારે એ વખતના પ્રખ્યાત નિર્માતા નિર્દેશક અમરકુમાર જાડેજા નોખી અનોખી ફિલ્મ 'સમયચક્ર' (ટાઇમ સ્લોટ) લઇને આવી રહ્યા છે.

   મોરબીના જયંતીભાઇ પોપટભાઇ રાજકોટીયા, નિનાદ રાજકોટીયા, ચંદ્રીકાબેન રાજકોટીયા, ધ્રુમીત રાજકોટીયાના પ્રસ્તુત ફિલ્મ આગામી મે માસની ર૬મીએ ગુજરાત મહારાષ્ટ્ર સહિત રાજયના મલ્ટી, સીંગલ સિનેમા ઘરમાં અને વિદેશમાં પણ એક સાથે રીલીઝ થવાની છે.

   'સમયચક્ર'ની પટકથા, સંવાદ પ્રસિદ્ધ લેખક કેશવ રાઠોડ, ગીત ડો. નિરજ મહેતા, સંગીત શૈલેષ ઉત્પલ, છબીકલા મહેશ શર્માની મુખ્ય સહાયક દિગ્દર્શક રમેશ પુરી, સ્ટીલ ફોટોગ્રાફી શરદ પટેલ નૃત્ય બલરાજ મહેશ અને કિરણગીરીનું છે. ફિલ્મની કથા કંઇક એવી છે કે, વિરાણી પરિવારનો પુત્ર વિરેન્દ્ર માતા પિતાનું જીવન સાર્થક કરે છે, પણ પુત્ર (પૌત્ર) મોન્ટુ એક કિન્નરની પુત્રીના પ્રેમમાં પડે છે અને કિન્નર (ચંદન રાઠોડ) કન્યાદાન કરે છે. જયારે ગીતોમાં સ્વર અલ્કા યાજ્ઞિક, ઉદીત નારાયણ, પલક મુછાલ, એશ્વર્યા મજમુદાર, મહમદ ઇરફાન, કિરણદે માસી એન્ડ ગ્રુપ, જસ્પિંદર નારૂલ્લા, પામેલા જૈન, ભાવીન ધાનક, સોૈરભ શ્રીવાસ્તવ, ડો. ડી.જે., સંદીપ જયપુરવાલાએ આપ્યા છે.

   નવાઇની વાત એ છે કે, ફિલ્મના ગીતોનું માસ્ટરીંગ લંડનમાં કરાયું છે. સમયચક્ર કાઠુ કાઢશે તેવા વિશ્વાસ સાથે ફિલ્મના પ્રસ્તુતકર્તા જયંતીભાઇ રાજકોટીયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આજે ફિલ્મના માધ્યમથી લોકોને વધુમાં વધુ અને સારામાં સારી રીતે કોઇ મેસેજ પાસ કરી શકાય છે અને એવા આશયથી જ બેટી બચાવો-બેટી પઢાઓ, વ્યસનમુકિત, દારૂબંધી, સીગારેટ મુકિત, શિક્ષણનો સંદેશ અને તરછોડાયેલા કિન્નર પણ સમાજનો એક ભાગ છે અને  કિન્નર લોકોને આપણે સૌએ સ્વીકારવા જોઇએ. તેની વાત ફિલ્મમાં વણી લેવામાં આવી છે. સાથોસાથ વડિલોને પણ આપણે અને યુવાપેઢીએ સાચવવા જોઇએ અને દરેક ઘરમાં વડિલોની સારસંભાળ લેવાય તો વૃધ્ધાશ્રમોની જરૂર પડે નહિં. આવા શુભ સંદેશાઓ પણ હિન્દી ફિલ્મના સમકક્ષ ગણાવી શકાય તેવી ફિલ્મ ૧૦૦ ટકા કરમુકત છે. ૧૫૦ થી વધુ મલ્ટીપ્લેકસ સિનેમાઘરોમાં ધૂમ મચાવશે.

   વધુમાં તેમણે એમ પણ કહેલ કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને ખોટી રીતે બદનામ કરાય છે. હકીકતમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ સારા, સનિષ્ઠ પવિત્ર માણસો છે અને ત્યારે જ ઇન્ડસ્ટ્રીઝ ટકી શકી છે. આ ક્ષેત્રે પર્દાપણ કરવામાં આવે અને સારામાં સારી કથાઓ, વાર્તાઓ અને કલાકારોને લઇને ફિલ્મ બનાવવામાં આવે તો ૧૦૦ ટકા સફળતા મળે પરંતુ ચિલ્લા-ચાલુ કથાઓ અને કલાકારો તેમજ પૈસા કમાવવા ખાતર જ મુવી બનાવવામાં આવે તો કોઇનો ઇરાદો સફળ થતો નથી. લોકો પણ તેને સ્વીકારતા નથી એ વાત સર્વવિદીત છે.

   જયારે ફિલ્મના નિર્માતા-નિર્દેશક અમરકુમાર જાડેજાએ જણાવ્યું હતું કે, ફિલ્મમાં એક હકિકતમાં બનેલી ઘટનાને સાકારરૂપ અપાયું છે કિન્નર પણ દિકરીને ભણાવી-ગણાવી સાસરે વળાવે છે અને આજના સમાજમાં દિકરીને તરછોડવાના બનાવો અવાર-નવાર સાંભળવા અને જોવા મળે છે ત્યારે કિન્નર સમાજ કે જેને આપણો સમાજ સ્વીકારતો નથી ત્યારે કિન્નર સમાજ તો દિકરીને બચાવવાની, ઉછેરવાની, ભણવવાની અને સમાજમાં મોભાદાર સ્થાન આપવાની વાત કરે છે તેની વાત ફિલ્મમાં કરવામાં આવી છે. કોઇ ચિલ્લા-ચાલુ વિષય નહિ પરંતુ હૃદયસ્પર્શી વાત લઇને આ ફિલ્મ બનાવાઇ છે અને ઉછાછરા સ્વરૂપે નહિં પરંતુ સમગ્ર પરિવારને સાથે બેસીને માણી શકાય તેવી 'સમયચક્ર'  છે.

   વળી એમ પણ જણ્વાયું હતું કે, માત્ર પૈસા કમાવવા ખાતર કે જલ્સા કરવા ખાતર ફિલ્મ બનાવવામાં આવી નથી. વચ્ચેનો સમયગાળો લગભગ દસકો થયો. સારી કથા-પટકથાની ઇન્તજારી હતી અને કિન્નરની હકિકત જાણવા મળતા ફિલ્મ બનાવવામાં આવી છે. ફિલ્મમાં મલ્ટીમેસેજ છે.

   અત્રે નોધનીય છે કે ફિલ્મમાં સૌપ્રથમ વખત હિન્દી ગીત પણ મુકવામાં આવેલ છે, શુટ કરવામાં આવેલ છે અને હિન્દી ફિલ્મની જેમ અત્યાધુનિક કેમેરા અને સાઉન્ડ સીસ્ટમ, મ્યુઝિક સીસ્ટમનથી આ ફિલ્મ બનાવવામાં આવેલ છે.

   સાથેસાથે પ્રથમ વખત સમયચક્રમાં ચમકી રહેલી મૂળ દમણની અભિનેત્રી અપેક્ષા પટેલ કહે છે કે ફિલ્મમાં મલ્ટીમેસેજ છે. બેટી બચાવોની વાતને મહત્વ આપવામાં આવ્યું છે. એક પુત્રી ન જન્મે, ન ઉછરે કે ન ભણાવવામાં આવે તો આગામી સમાજમાં નારીની બહુ મોટી ખોટ પડે તેમજ સારી રીતે તેનો ઉછેર ન થાય તો ભાવિ બાળકો પણ સારી રીતે સંસ્કાર ન પામી શકે તે વાત સમજી શકાય તેમ છે. ટીચર બનવું હતું ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવી ગઇ. રોલમોડેલ દિપીકા પાદુકોણ છે. ફિલ્મોમાં કામ કરવું સહેલું નથી ખૂબ મહેનત માંગી લે છે.

   તેવી જ રીતે હિરો આકાશ શાહે જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં પૈસાદાર પરિવારમાં ઉછરેલા અને સ્વચ્છંદી  બની ગયેલા યુવાની વાત છે. ગુજરાતી કલાકાર હોવાના નાતે જો ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝને હું કાંઇ મદદ કરી શકું તે મારા માટે શ્રેષ્ઠ રહેશે. લોકો પણ ગુજરાતી ફિલ્મને સ્વીકારે, ફિલ્મ જોતા થાય તે જરૂરી છે. અન્ય ભાષાની જેમ કે મરાઠી, તેલુગુ, મલ્યાલમ, બંગાલી, ભોજપુરી જેવી પ્રાદેશિક ભાષાની ફિલ્મો ત્યાંના વિસ્તારમાં ખૂબ ચાલે છે તેનું કારણ ત્યાંના લોકો પોતાની ભાષા સ્વીકારે છે. ત્યારે ગુજરાતી લોકો પણ પોતાની માતૃભાષાને પ્રેમ કરે અને ગુજરાતી ફિલ્મો કે જે સારી બને જ તેને માણે તે જરૂરી છે અને તો જ ઇન્ડસ્ટ્રીઝ, ગુજરાતી કલાકારો ટકી રહેશે.  આજે પરિસ્થિતિ જે નિર્માણ થઇ છે લોકોને મનમાં ગુજરાતી ફિલ્મો નબળી હોવાની છાપ પડી ગઇ છે તે દૂર કરવાની જરૂર છે અને તેના માટે સારા લાકારો, શ્રેષ્ઠ કથાઓ, શ્રેષ્ઠ નિર્માતા-નિર્દેશકો અને પ્રસ્તુતકર્તાઓની જરૂર છે.

   મોરબીના નિનાદ જયંતીભાઇ રાજકોટીયાની 'સમયચક્ર'ફિલ્મમાં આકાશ શાહી હીરો તરીકે , હીરોઇન તરીકે અપેક્ષા પટેલ, મુન્ની માસી, તરીકે ચંદન રાઠોડે અને તારક મહેતા સિરિયલના ઘનશ્યામ નાયક, તન્મય વેકરીયા, ચંદ્રકાંત પંડયા, પ્રતિમા ટી, ધર્મેશ વ્યાસ, રાજુ મજેઠીયા, બીપીન રૂઘાણી, બાળ કલાકારો તરીકે પ્રાંચી રૂઘાણી, વિશા બદ્રકીયા, ધ્રુવ સાણજા, પલક આણંદીયા, યશવી મોરડીયા, જાનવી પડશુબીયા, જેન્સી પડશુબીયા ચમકી રહ્યા છે.

   ફિલ્મનું શુટીંગ રાજકોટ, વસંતવિહાર (ચંદુભાઇ પરસાણા), એચ.પી. મીઠાઇ-રાજકોટ, ગાંધીધામ, મોરબી, વાંકાનેર સમેતના સ્થળે કરાયું છે.

   પત્રકાર પરિષદનું સંચાલન, વ્યવસ્થાપન ફિલ્મના પી.આર.ઓ. ભુપતસિંહ મારવાડીએ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના કલાકારો, મહેમાનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

 (03:56 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS