Samachar Rajkot

News of Friday, 19th May, 2017

સિરામિક-ઇલે. ગૂડઝ-ખાદ્ય વસ્તુઓ-મેટલના ૭ વેપારીઓ ઉપર વેટના દરોડાઃ રાજકોટ - મોરબીમાં ઓપરેશન

રાજકોટમાં પાંચ સ્થળે ટીમો ત્રાટકીઃ મોરબીમાં બે સ્થળે તપાસઃ મોટી કરચોરી ઝડપાશે... : ડે. કમિશ્નર હિતેષ વર્માએ ફરી ધોકો પછાડયોઃ સોપારીમાં ૮ વેપારીની ૧૮ લાખની કરચોરી મળીઃ અનેક ગેરરીતી...

   રાજકોટ તા. ૧૯: રાજકોટ વેટના અન્વેષણ ડીપાર્ટમેન્ટ એટલે કે દરોડા ટીમે ફરી ધોકો પછાડયો છે, અને આજે રાજકોટ -મોરબીમાં એકી સાથે ૭ વેપારીઓને ઝપટે લેતા સન્નાટો પ્રસરી ગયો છે.

   અન્વેષણના ડે. કમિશ્નરશ્રી હિતેષ વર્મા, ર દિ'ની શાંતિ બાદ ફરી ત્રાટકયા છે, મોરબીમાં સિરામિકના અને ખાદ્ય વસ્તુના બે વેપારીઓને ત્યાં ટીમોએ તપાસ હાથ ધરી છે.

   આ ઉપરાંત રાજકોટમાં ખાદ્ય વસ્તુનું વેચાણ કરતી કંપની-વેપારીઓ ઉપર, ઉપરાંત ઇલે. ગુડઝના વેપારીઓ તથા મેટલના બે વેપારીઓ મળી કુલ પ થી ૬ સ્થળે ટીમો આજ બપોરથી ત્રાટકી હોવાનું ઉચ્ચતમ સાધનોએ ઉમેર્યું હતું, મોડી રાત સુધી તપાસ ચાલવાના અને મોટા પાયે ટેક્ષ ચોરી ઝડપાવાના સંકેતો અપાયા હતા.

   અધીકારી સૂત્રોએ ઉમેર્યું હતું કે બપોરથી તપાસ શરૂ થઇ છે, રાત સુધીમાં રીઝલ્ટ આવ્યા બાદ જેમને ત્યાંથી ટેક્ષચોરી-ગેરરિતી ઝડપાશે તે પેઢી-વેપારીના નામો સહિતની વિગતો જાહેર કરાશે.

   દરમિયાન રાજકોટમાં સોપારીમાં વેપારીઓના જે ૧૪ થી ૧પ ગોડાઉનો સીલ કરાયા હતા, તેની તપાસ પૂર્ણ થતા વધુ ૧૮ લાખની કરચોરી-બહાર આવતા અને તેમાં ૭ થી ૮ જેટલા વેપારીઓ જવાબદાર હોય તે તમામ પાસેથી ટેક્ષની વસૂલાત કરી લેવાઇ હતી, સોપારીમાં આજ સુધીમાં કુલ ર૬ લાખની ટેક્ષ ચોરી મળી આવી છે.

   ડે. કમિશ્નર શ્રી હિતેષ વર્મા દ્વારા સોપારીના ધંધાર્થીઓને ત્યાં સફળ ઓપરેશન પાર પડાયું હતું, સોપારીની તપાસમાં સ્ટોક ડિફરન્સ, ફોર્મ ન ભરાયા હોય, માત્ર ચિઠ્ઠી ઉપર જ વેપાર સહિત અનેક ગેરરીતિ ખુલ્લી હતી, ૧પ ટકાથી વધુ ટેક્ષ સોપારી ઉપર લાગતો હોવાનું સુત્રોએ ઉમેર્યું હતું.

 (03:53 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS