Samachar Rajkot

News of Friday, 19th May, 2017

રાજકોટ જીલ્લામાં ૫ હજાર ગ્રામ્ય મજુરો દ્વારા તળાવો, ખેત તલાવડી બનાવવાનું કામ ચાલુઃ સમીક્ષા બેઠક યોજાઈ

રાજકોટ જીલ્લામાં ૫ હજાર ગ્રામ્ય મજુરો દ્વારા તળાવો, ખેત તલાવડી બનાવવાનું કામ ચાલુઃ સમીક્ષા બેઠક યોજાઈ

      રાજકોટ, તા. ૧૯ :. રાજકોટ જિલ્લા અંતર્ગત ચોમાસુ સત્રને ધ્યાને લઈ આગોતરા આયોજન અંગે જળ સંરક્ષણના કામો હાથ ધરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક બેઠક યોજાઈ હતી. જેમાં રાજકોટ જિલ્લાના પ્રભારી શ્રી ધનસુખભાઈ ભંડેરી તથા શ્રી સૈયદની ઉપસ્થિતિમાં જિલ્લા કલેકટરશ્રી વિક્રાંત પાંડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારી શ્રી જી.ટી. પંડયા દ્વારા જિલ્લાના સિંચાઈને લગતા મનરેગા યોજના, ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ, સિંચાઈ વિભાગ પંચાયત, સિંચાઈ વિભાગ (રાજ્ય), જી.જી.આર.સી., જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ, ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત, બાગાયત વિભાગ વગેરે ખાતાઓના વડાઓની સમીક્ષા કરવામાં આવી તેમજ ચોમાસુ નજીકમાં હોય કામો સત્વરે પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી હતી.

      કલેકટરશ્રી દ્વારા તમામ વિભાગોની માહિતી એકત્ર કરવા સૂચના આપવામાં આવી તેમજ પ્રભારી શ્રી ધનસુખભાઈ ભંડેરી તથા શ્રી સૈયદ આ બાબતે કોઈપણ પ્રશ્ન હોય તો ત્વરીત સંપર્ક કરવા અને તેનો નિકાલ લાવવા કોલ આપવામાં આવેલ. તેમજ રાજ્ય કક્ષાએ આ બાબતે પુરતો સહકાર આપવામાં આવશે તેની ખાત્રી આપવામાં આવેલ. બેઠકમાં વિવિધ ખાતાઓના વડા ઉપરાંત સ્વૈચ્છીક સંસ્થાઓ રિલાયન્સ ફાઉન્ડેશન, દિપક ફાઉન્ડેશન તેમજ વોટરશેડ યોજના હેઠળ ભૂતકાળમાં કામગીરી કરતી સંસ્થાઓ સ્વાદ ટ્રસ્ટ, વિવેકાનંદ કેળવણી મંડળ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ગિરીરાજ સેવાશ્રમ ટ્રસ્ટ, બંસીધર ચેરીટેબલ ટ્રસ્ટ વગેરેના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનું સંચાલન જળસ્ત્રાવ એકમનાં પ્રોજેકટ ડાયરેકટરશ્રી એન.એ. સિંધિ તથા ટી.ઈ. શ્રી તેજસ ટાંક દ્વારા કરવામાં આવ્યુ હતું.

      રાજકોટના વિવિધ તાલુકામાં મનરેગા અંતર્ગત મે-૨૦૧૭માં દરરોજ લગભગ ૪૦૦૦થી ૫૦૦૦ જેટલા ગ્રામ્ય મજુરો દ્વારા તળાવો ઉંડા કરવાનુ, પાળા બનાવવાનું, ખેત તલાવડી બનાવવાનું વગેરે કામો ચાલુ હોવાનું જણાવેલ.

      જે અંગે કલેકટરશ્રી દ્વારા તમામ તાલુકાઓમાં ખેત તલાવડી વધારેમાં વધારે બને અને મોટી સંખ્યામાં ખેડૂતોને જળસંચયનો લાભ મળે તે માટે જરૂરી પ્રચાર-પ્રસાર કરવા અને જીજીઆરસી, જીએલડીસી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વગેરે ડીપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી હતી.(૨-૧૦)

       

 (02:28 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS