Samachar Rajkot

News of Friday, 19th May, 2017

શિક્ષણ - આરોગ્યને સુલભ બનાવી દિવ્ય ગુજરાતનું નિર્માણ કરેલ છે : વિજયભાઈ પોથી પૂજનનું પૂણ્ય મેળવતા વિજયભાઈ - અંજલીબેન

શ્રી પંચનાથ મંદિર દ્વારા બની રહેલ હોસ્પિટલની યોજનાને શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી

શિક્ષણ - આરોગ્યને સુલભ બનાવી દિવ્ય ગુજરાતનું નિર્માણ કરેલ છે : વિજયભાઈ પોથી પૂજનનું પૂણ્ય મેળવતા વિજયભાઈ - અંજલીબેન

   પંચનાથ હોસ્પિટલના લાભાર્થે રેસકોર્ષ ખાતે શ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસાસને ચાલી રહેલ ભાગવત કથામાં આજે સવારે રાજયના વિકાસશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા શ્રીમતી અંજલીબેન રૂપાણીએ પોથીપૂજન અને કથા શ્રવણનો દિવ્ય લાભ લીધેલ હતો. આ દરમિયાન પંચનાથ હોસ્પિટલ ટ્રસ્ટના સર્વશ્રી દેવાંગભાઈ માંકડ સહિતના આગેવાનોએ મુખ્યમંત્રીશ્રીને હોસ્પિટલની પ્રતિકૃતિ ભેટ આપી હતી. આ તકે મુખ્યમંત્રી શ્રી દ્વારા હોસ્પિટલ માટે સહયોગનો ચેક આપ્યો હતો. કથા શ્રવણ કરવા મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રી સાથે સર્વશ્રી નીતિનભાઈ ભારદ્વાજ, મોહનભાઈ કુંડારીયા, ધનસુખભાઈ ભંડેરી, કમલેશભાઈ મીરાણી, માધવભાઈ દવે સહિતના જોડાયેલ. (તસ્વીર : અશોક બગથરીયા)

   રાજકોટ, તા. ૧૯ : રાજકોટમાં પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટના ઉપક્રમે ચાલી રહેલ પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત કથાના બીજા દિવસે રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઉપસ્થિત રહી શ્રી પંચનાથ ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામી રહેલ હોસ્પિટલના પ્રકલ્પ શુભેચ્છા પાઠવી હતી અને સમગ્ર ગુજરાતને શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે આગળ વધારવા, લોકોને સુખાકારી આપવા સરકાર પ્રતિબધ છે તેમ જણાવ્યું.

   વ્યાસપીઠ પર પૂ. ભાઈશ્રીને મુખ્ય માળા અર્પણ કરી વંદન કર્યા બાદ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે પૂ. રમેશભાઈના મુખે ભાગવત કથા સાંભળવી એ એક લ્હાવો છે. હું આવી તક શોધતો જ હોઉં છું. આજે રાજકોટમાં આ અવસર સાંપડ્યો છે. આજે હું પણ આપની સાથે એક રાજકોટવાસી તરીકે આ કથામાં થોડો સમય હાજરી આપી રહ્યો છું.

   મુખ્યમંત્રીએ પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા હાથ ધરાયેલ હોસ્પિટલના પ્રોજેકટનો ઉલ્લેખ કરીને કહ્યું આ કથાનો ઉદ્દેશ્ય પણ માનવ કલ્યાણનો છે. આરોગ્યનો છે. જન આરોગ્ય માટે કામ થઈ રહ્યું છે. ૧૨૫ બેડની હોસ્પિટલ કોઈ ટ્રસ્ટ બનાવે એ આવકાર પાત્ર પણ છે. આરોગ્ય અને શિક્ષણક્ષેત્રે રાજય સરકારે કરેલા પગલાઓ વિશે વાત કરી અને લોકોના આરોગ્ય સંદર્ભે સતત ચિંતિંત હોવાનું જણાવેલ.

   અત્યારે ૧૨૫ જન ઔષધી મેડીકલ સ્ટોર શરૂ કરેલ છે. મધ્યમ કે સામાન્ય વર્ગને દવા સસ્તી મળે અને એની ગુણવતા પણ જળવાઈ રહે એ હેતુથી આ સ્ટોર શરૂ કરાયા છે. પૈસાના અભાવે કોઈની સારવાર અટકે એવું ન બનવું જોઈએ. આવક મર્યાદા નક્કી કરી સરકારે લોકોને અમૃતમ અને વાત્યસલ્ય કાર્ડ પણ આપ્યા છે. જેના દ્વારા કોઈપણ ઓપરેશન માટે રૂ. ૨ લાખ સુધીની સહાય લોકોને સરકાર કરે છે.

   સમાજના તમામ વર્ગના લોકોને શિક્ષણ ગુણવતા યુવકત મળી રહે એ હેતુથી ફી વધારવાનો કાયદો પણ લાવનારૂ ગુજરાત પ્રથમ રાજય છે. એવું કહી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે આપણું ગુજરાત સમૃદ્ધ હોવાનું અંતમાં જણાવેલ.

   પંચનાથ મંદિર સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલના લાભાર્થે યોજાયેલી ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત કથાનો આજે બીજો દિવસ હતો.

   ભાઈશ્રીએ કહ્યું કે ભગવાન શિવ કરૂણાવતા છે. હોસ્પિટલોમાં જેમ દર્દીઓને કરૂણાથી જોવામાં આવે. કરૂણા વિના સેવા ન થઈ શકે. કૃપા ન થઈ શકે.

   રમેશભાઈ ઓઝાએ જણાવેલ કે કરૂણા શું છે, આપણે ત્યાં મૈત્રી, કરૂણા, ઉદિતા, ઉપેક્ષા એ ચાર વાતનો મહિમા મહાપુરૂષોએ સમજાવ્યો છે. મૈત્રી વિશે જોઈએ તો, ઈશ્વર તમારો મિત્ર છે, તમે ઈશ્વરના મિત્ર છો.

   સંસારમાં જીવ અને શિવએ પંખી છે. જીવ એનું કર્મ કર્યા કરે છે. કર્મનું શુભ-અશુભ ફળ નિશ્ચિતપણે ભોગવવું જ પડે. કોઈને દુભવશો નહીં. કોઈને સુખી ન કરી શકો તો કાંઈ નહિં. પણ મારાથી કોઈ દુઃખી ન થાય. કોઈનું અપમાન ન થાય. કોઈને કડવા વેણ ન કહેવાય જાય એ માટે સતત જાગૃત રહો.

   ભાગવત કથામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોને પૂજાનો મર્મ સમજાવતા ભાઈશ્રીએ કહ્યંુ કે ભગવાન તમારી પૂજા માંગતા નથી, પૂજા તમે તમારી ઈચ્છાથી કરો છો. પંખાએ પોતાનો મહિમા ટકાવી રાખવો હોય તો વિજળી સાથે ભાઈબંધી કરવી પડે. પરમાત્મા જ સૌનું કારણ છે. કારણ વિના કાર્ય રહી ન શકે. પરમાત્મા ફળ ખાતા નથી. પ,ણ પોતાના સખા - મિત્ર છે. તે જીવને પ્રેમથી જોયા કરે છે. આપણે સીસીટીવી લગવાડવા પડે છે. છતાં ઘણા મોઢે બુકાની બાંધીને પોતે પકડાઈ ન જાય તે માટે પ્રયાસ કેર છે. સીસીટીવી તો આપણે ઉભી કરેલી વ્યવસ્થા છે, પણ પરમાત્માની નજરમાંથી કોઈ બચી શકતુ નથી. જગત દૃશ્ય છે. પરમાત્મા દૃષ્ટા છે, સાક્ષી છે. એકબીજાને ગમતા રહીએ. આપણને ભગવાન ગમે ભગવાનને આપણે ગમીએ એવા બનીએ.

   ભગવાન ભકત નિર્ભય હોય એમ જણાવતાં ભાઈશ્રીએ તો કહ્યું કે ભગવાનથી ડરતો હોય એને બીજા કોઈ ડરાવી શકે નહિં.

   ''મને જયાં ગમે ત્યાં હરૃં છું, ફરૂ છું'' ગીત સાથે શ્રી રમેશભાઈ ઓઝાએ કહ્યું કે શુકદેવજી એવા પરમ ઋષિ છે, કે કોઈની તાકાત નથી કે તેને પકડી શકે. સદ્દગુરૂમાં જ્ઞાન તો છે જ, પરંતુ અર્જુન જેવો શિષ્ય દેખાય તો જ એ પ્રાહવે તેને સમજાવી શકે.

   ગીતા એટલે ઉપનિષદોનું દૂધ એમ જણાવીને તેમણે ઉમેર્યુ હતું કે વ્યાસપીઠ પરથી જે કહેવાય એ બધુ વેદ વ્યાસે કહેલુ જ છે. પરંતુ તેને કઈ રીતે રજૂ કરવુ એ રજૂ કરનારા ઉપર છે. આસ્તિક - નાસ્તિકની શાસ્ત્રીય વ્યાખ્યા આપના ભાઈશ્રીએ કહ્યું કે ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરો કે ન કરો, તમે સ્વતંત્ર છો, પણ વેદને તો માનો જ. વેદના પ્રામાણ્યને સ્વીકારતો નથી એ નાસ્તિક છે. વેદની નિંદા કરે છે એ નાસ્તિક છે.(૩૭.૫)

   આ માટે પરમાત્મા અંતર્યામી છે?

   ભાગવત કથામાં આત્મા વિશે વાત કરતા પૂ. ભાઈશ્રીએ કહ્યું કે, આપણે શા માટે પરમાત્માને અંતર્યામી કહીએ છીએ? કારણ તે એ આપણા કર્મો, વિચારોને જાણે છે. આજે બધે સીસીટીવી કેમેરા લાગેલા હોય છે. વળી, એ સ્થળે લખવુ પણ પડે છે કે તમે કેમેરાની નજરમાં છો. સીસીટીવી કેમેરા તો આજે આવ્યા. ઈશ્વરની નજરમાં તો આપણે હંમેશા છીએ આપણું પ્રત્યેક કર્મ કરે કર્મ જ નહિં પ્રત્યેક વિચાર પરમાત્માની નજરમાં છે. કંઈ એનાથી છૂપું નથી એટલે આપણે એને અંતર્યામી કહીએ છીએ.

 (02:25 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS