Samachar Rajkot

News of Friday, 19th May, 2017

રાજકોટના તબીબના પુત્રને મેડિકલમાં પ્રવેશ અપાવવાના બહાને લાખો પડાવ્યા

મહેશે મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ કવોટામાં એડમિશન અપાવીશું, તેવી જાહેરાત આપી હતીઃ મહેશે તબીબને કહ્યું, નીટની પરીક્ષા આપવા અંગે સેટિંગ કરવાનું છે, તાત્કાલિક પૈસા મોકલો

   વડોદરા તા. ૧૯ : શહેરના અલકાપુરી દ્વારકેશ કોમ્પ્લેકસમાં ઓલસોલ સોલ્યુશન નામની ઓફિસ ધરાવતાં મૂળ સુરતના ભેજાબાજ મહેશ ઈટાલિયાએ રાજકોટના તબીબના પુત્રને મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને લાખો રૂપિયા પડાવી લીધા હોવાની વિગતો જાણવા મળી છે. આગામી દિવસોમાં મેડિકલમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાવાની છે, ત્યારે વાલીએ ધૂતારાઓથી બચવું જરૂરી છે.

   રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર અમીપાર્કમાં રહેતાં ડો.અરૂણ ઠકરાર ડિસ્પેન્સરી ચલાવે છે. તેમનો પુત્ર ધો-૧૨ સાયન્સમાં પાસ થતાં તેને પણ તબીબ બનાવવાનું ડો.અરૂણભાઈએ નક્કી કર્યું હતું. દરમિયાન ન્યૂઝ પેપરમાં મેડિકલ કોલેજમાં એડમિશન માટે મળો, મેનેજમેન્ટ કવોટામાં એડમિશન અપાવીશું, તેવી જાહેરાત આવી હતી.

   ત્યારબાદ ડો.અરૂણ ઠકરારે તેમાં આપેલા મોબાઇલ નંબર પર સંપર્ક કરતાં મહેશ ઈટાલિયા નામના ઈસમ સાથે વાત થઈ હતી. તેણે તબીબને કહ્યું કે, જો તમારે મેનેજમેન્ટ કવોટામાં એમબીબીએસમાં એડમિશન જોઈતું હોય તો રૂ.૨૫થી ૩૦ લાખ આપવા પડશે, તમારાં પુત્રને એડમિશન મળી જ જશે, તેવી ખાતરી પણ આપી હતી. અંતે રકઝક બાદ રૂ.૨૫ લાખમાં મુંબઈની તરેણ કોલેજમાં મેનેજમેન્ટ કવોટા પર એમબીબીએસમાં એડમિશન લેવાનું નક્કી થયું હતું. આ માટે મહેશે રૂ.૧૧ હજાર ટોકન પેટે આપવા માટે વડોદરા આવવા જણાવ્યું હતું, જેથી ડો.ઠકરારે વડોદરા આવી મહેશ સાથે વિગતવાર વાત કર્યા બાદ તા. ૨૫ જાન્યુઆરીએ રૂ.૧.૮૯ લાખ આરટીજીએસથી તેને ચૂકવ્યાં હતા. તે પછી મહેશે કહ્યું, બાકીના પૈસા તાત્કાલિક મોકલી આપો, એટલે હું એડમિશન કન્ફર્મ કરાવીશ.

   જેથી ડો.ઠકરારે તેની પાસે પહોંચ માગતા મહેશે અમારી દિલ્હીની ઓફિસેથી પહોંચ તમારા ઘરે મળી જશે, તમે ચિંતા કરતાં નહીં, બાકીના પૈસાની તમે વ્યવસ્થા કરો, જેમ જણાવ્યું હતું. મહેશે ડો.ઠકરારને વિશ્વાસમાં લેવા રૂ.૨ લાખનો ચેક આપ્યો હતો. તે પછી મહેશ ઈટાલિયાએ ફરી તબીબને ફોન કરી પૈસાની માગણી કરતાં તેમણે કહ્યું કે, એડમિશન વખતે પૈસા તમને આપી દઈશું, તમે એડમિશન પાકંુ કરાવી આપો. ત્યારે મહેશે જણાવ્યું હતું કે, મેનેજમેન્ટ એસોસિએશન આ વખતે મળવાનું નથી, તમારે મને રૂબરૂમાં જ પૈસા આપવા પડશે, તો જ એમએસીઇટીની પરીક્ષા તમારો પુત્ર આપી શકશે. જો, તમારે વડોદરા સુધી આવવું ન હોય તો હું રાજકોટ આવવાનો છું, ત્યારે મને રૂબરૂ આપજો. મારે ઘણાં એડમિશન રોજકોટના અપાવવાના છે. ત્યારબાદ એપ્રિલ -૨૦૧૬માં મહેશ રાજકોટ ગયો હતો, ત્યારે ડો.ઠકરારે તેને રૂપિયા આપ્યા હતા. તે પછી તેણે ફરીથી ફોન કરી ડો.ઠકરારને કહ્યું કે, નીટની પરીક્ષા આપવા અંગે સેટિંગ કરવાનું છે, તાત્કાલિક પૈસા મોકલો, જેથી જૂન ૨૦૧૬માં તેમણે કુલ પાંચ લાખ આપ્યા હતા, પરંતુ નીટની પરીક્ષામાં તેમનો પુત્ર ડિસકવોલીફાઇડ થયો હતો. મહેશ ઈટાલિયા (રહે, સુરત)એ ડો.ઠકરારના પુત્રને એડમિશન તો ન અપાવ્યું પણ રૂપિયા પણ પરત આપ્યા ન હતા, તેમ તબીબે જણાવ્યું હતું.

   મહેશ મુંબઈની જગ્યાએ લખનઊની કોલેજમાં લઈ ગયો

   સપ્ટેમ્બર ૨૦૧૬માં મહેશે ડો.ઠકરારને ફોન કરી રૂ.૮૦ લાખની માગણી કરી હતી, જેથી તેમને એડમિશન નહીં મળે તેવી શંકા જતાં પૈસાની માગણી કરી હતી, તે વખતે મહેશે કહ્યું કે, લખનઉમાં એડમિશન લેવું પડશે, વધારાના એક લાખ આપવા પડશે, જેથી તબીબે તેને રૂ.૧ લાખ આપ્યા હતા. ત્યારબાદ તબીબને લખનઉ લઈ જઈ કોલેજ તેમજ હોસ્ટેલ પણ બતાવી હતી, પરંતુ ભેજાબાજ મહેશે એડમિશન નહીં અપાવી કોર્ટ મેટર કરવી પડશે, પછી તમારું એડમિશન કન્ફર્મ થશે, તેમ તબીબને કહી વાત ટલ્લે ચઢાવી દીધી હતી

 (09:52 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS