Mukhy Samachar

News of Friday, 19th May, 2017

જીએસટી રેટ વચ્ચે સેન્સેક્સ કારોબારના અંતે ફ્લેટ રહ્યો

સેન્સેક્સ ૩૦ પોઈન્ટ સુધરી ૩૦૪૬૫ રહ્યો : નિફ્ટી એક પોઈન્ટ ઘટીને ૯૪૨૭ની સપાટી ઉપર રહ્યો જીએસટી રેટને લઈને કારોબારીઓમાં દિવસભર ચર્ચા

   મુંબઇ,તા. ૧૯ : શેરબજારમાં આજે જીએસટી રેટને લઈને ચર્ચા રહી હતી. જોકે કારોબારના અંતે શેરબજારમાં ફ્લેટ સ્થિતિ જોવા મળી હતી. સેન્સેક્સ ૩૦ પોઈન્ટ સુધરીને ૩૦૪૬૫ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી એક પોઈન્ટ ઘટીને ૯૪૨૭ની નીચી સપાટીએ રહ્યો હતો. ગ્લોબલ માર્કેટમાં બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્ષમાં ઈન્ટ્રા ડેના ગાળા દરમિયાન નોંધાયેલી તેજી અંતે રહી ન હતી. એનએસઈ ઈન્ડેક્સમાં ત્રણ ટકાનો સુધારો આ સપ્તાહમાં જોવા મળ્યો છે. જ્યારે બીએસઈ ઈન્ડેક્સમાં ૧.૨૯ ટકાનો ઉછાળો જોવા મળી ચુક્યો છે. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્ષમાં ક્રમશઃ નજીવો સુધારો રહ્યો હતો. બજારમાં આજે જીએસટી રેટને લઈને કારોબારીઓમાં ચર્ચા જોવા મળી હતી. આઈટીસી, એચયુએલ, એસબીઆઈ, એક્સિસ અને સિપલામાં સૌથી વધુ સુધારો જોવા મળ્યો હતો. જ્યારે એશિયન પેઈન્ટ, એમએન્ડએમ, ટીસીએસ અને ગેઈલમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. એફએમસીજી ઈન્ડેક્સમાં ત્રણ ટકાથી પણ વધુ ઉછાળો ઈન્ટ્રા ડેના કારોબાર દરમિયાન નોંધાયો હતો. કોલગેટ પામોલીવમાં સૌથી વધુ સુધારો જોવા મળ્યો હતો. તેમાં ૩.૫ ટકાનો ઉછાળો રહ્યો હતો. જ્યારે ઓટો ઈન્ડેક્ષમાં ૦.૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ઓટો મોબાઈલની ચીજવસ્તુઓ વધુ મોંઘી થશે અને આ વસ્તુઓને જીએસટીના ૨૮ ટકાના ટેક્સ બ્રેકેટમાં રાખવામાં આવી છે તેવી જાહેરાત બાદ તેના શેરમાં કડાકો બોલી ગયો હતો અને ઓટો ઈન્ડેક્ષમાં ૦.૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો. એસબીઆઈના શેરમાં ઈન્ટ્રા ડે દરમિયાન ૩.૬ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો જે ચોથી માર્ચ ૨૦૧૫ બાદથી સૌથી ઉંચી સપાટી છે. જીએસટી કાઉન્સિલની બે દિવસની બેઠક આજે પુરી થઈ હતી. જેમાં મોટાભાગની સર્વિસને જીએસટી વ્યવસ્થા હેઠળ ૧૮ ટકાના રેટમાં રાખવાનો નિર્ણય કરાયો છે. જીએસટી હેઠળ મુક્તિની યાદીમાં કોઈ નવી સર્વિસ ઉમેરવામાં આવી નથી. ટેલિકોમ અને ફાઈનાન્સીયલ સર્વિસ માટે ૧૮ ટકાના રેટ પર સહમતી થઈ છે. કાઉન્સિલે બીડી, સિગારેટ, સોના ઉપર હજુ સુધી કોઈ નિર્ણય કર્યો નથી. રિટેઈલ ફુગાવાનો આંકડો હાલમાં જારી કરવામાં આવ્યો હતો. માર્ચ મહિનામાં ૩.૮૯ ટકાની સામે ઘટીને એપ્રિલ મહિનામાં રીટેઈલ ફુગાવો ૨.૯૯ ટકા થયો છે. સીપીઆઈ આધારીત રીટેઈલ ફુગાવો સતત સુધરી રહ્યો છે. સીપીઆઈ ફુગાવો એપ્રિલ ૨૦૧૬માં ૫.૪૭ ટકા હતો. કઠોળ અને પેદાશોની કિંમતમાં તીવ્ર ઘટાડો એપ્રિલ મહિનામાં થયો છે.  અમેરિકન અર્થતંત્રને મોટી રાહત મળે તેવા ઘટનાક્રમમાં અમેરિકામાં બેરોજગારીનો દોર ઘટીને ૪.૪ ટકા થઇ ગયો છે જે ૧૦ વર્ષની નીચી સપાટી દર્શાવે છે. એપ્રિલ મહિનામાં રોજગારીના આંકડામાં વધારો થયો છે. ફેડરલ રિઝર્વ દ્વારા પણ આગામી પોલિસી બેઠકમાં વ્યાજદરમાં વધારો કરવાના સંકેત અપાયા છે. બેરોજગારીના દરમાં ઘટાડો થતાં આ સપાટી મે ૨૦૦૭ બાદથી સૌથી નીચી સપાટી છે. જે દર્શાવે છે કે, અમેરિકા રોજગારીના મોરચે રિકવરીના માર્ગ ઉપર છે. બીજી બાજુ અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે જારી તંગદિલીની અસર બજાર ઉપર દેખાઈ રહી છે. ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે વધતી જતી તંગદિલીના કારણે પણ શેરબજાર ઉપર અસર થઇ શકે છે. ગઇકાલે ગુરૂવારના દિવસે શેરબજારમાં કારોબારના અંતે સેન્સેક્સ અને નિફ્ટી બંને ઘટાડા સાથે બંધ રહ્યા હતા. સેન્સેક્સમાં ૨૨૩ પોઈન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૩૦૪૩૪ રહી હતી. જ્યારે બ્રોડર નિફ્ટી ૯૬ પોઈન્ટ ઘટીને ૯૪૨૯ની સપાટીએ રહ્યો હતો.

 (07:24 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો