Mukhy Samachar

News of Friday, 19th May, 2017

૧ જુલાઇથી અનાજ સહિતની કેટલીક રોજિંદી વસ્તુઓ થશે સસ્તી

વિજળી સસ્તી થશેઃ આજે સોનાના દર નક્કી થશે

   શ્રીનગર તા. ૧૯ : નવાં કરમાળખાં જીએસટીને અંતિમ ઓપ ઓપવા જીએસટી કાઉન્સિલની બે દિવસીય બેઠક શ્રીનગર ખાતે ચાલી રહી છે. કાઉન્સિલની પ્રથમ દિવસની બેઠક રિટર્ન, રિફંડ, ઇન્વોઇસ, ઇનપુટ ક્રેડિટ સહિતના જીએસટી સંબંધી સાત નિયમને મંજૂરી આપી દીધી છે. બાકીના બે નિયમો પર કાનૂની સમિતિ વિચારણા કરશે. હવે કાઉન્સિલ વસ્તુના કરમાળખાં સ્લેબ વિષે વિચારી રહી છે. નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે આવતી કાલ સુધીમાં સમિતિ વસ્તુનાં કરમાળખાં સ્લેબ અંગે અંતિમ નિર્ણયો નહીં લઇ શકે તો ફરી બેઠક મળશે. કાઉન્સિલની બેઠકમાં ૧,૨૧૧ વસ્તુના વેરાકીય દર નક્કી થઇ શકયા છે. આવતી કાલની બેઠકમાં કરવેરાના દર અંગે નિર્ણય લેવાશે. જીએસટી હેઠળ વસ્તુ પર પાંચ, ૧૨, ૧૮ અને ૨૮ ટકા એમ ચાર સ્લેબમાં કરવેરા લેવામાં આવશે. આવતી કાલે મળનારી બેઠકના અંતે તમામ વસ્તુના દર નક્કી થઇ જશે તેવી આશા સેવાઇ રહી છે. નવા કરવેરા માળખાંને પગલે ફુગાવો વધે નહીં તેની તકેદારી રાખીને કરમાળખા માટે દર નક્કી થઇ રહ્યા છે.

   આ ત્રણ ચીજો પર ટેકસ નહિ

   ઘઉં, ચોખા સહિત અનાજ, દૂધ અને દહીને જીએસટી દાયરાથી બહાર રાખવામાં આવ્યું છે. કેટલાક રાજયોમાં અનાજ પર વેટ લાગે છે. ત્યા ૧ જુલાઈથી જીએસટી લાગુ હોવાથી અનાજ સસ્તુ થશે.

   વિજળી સસ્તી થશે

   કોલસા પર અત્યારે ૧૧.૬૯ ટકા ટેકસ લાગે છે. પરંતુ જીએસટી આવ્યા બાદ ટેકસ માત્ર ૫ ટકા જ લાગશે. તેનાથી અનેક રાજયોમાં વીજળીનું ટેરિફ ઓછા થવાની આશા છે.

   રોજિંદી આ વસ્તુઓ સસ્તી થશે

   સાબુ, ટૂથપેસ્ટ અને હેરઓઈલ જેવી ૧૮ ટકા ટેકસ સ્લેબની કેટેગરીમાં આવશે. આ ચીજો પર અત્યારે ૨૨થી ૨૪ ટકા ટેકસ લાગે છે.

   મહેસૂલસચિવ હસમુખ અઢિયાએ જીએસટી રેટ સ્લેબ વિષે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે ૮૧ ટકા જેટલી વસ્તુ ૧૮ ટકાથી નીચેના સ્લેબમાં રહેશે. માત્ર ૧૯ ટકા વસ્તુ ૧૮ ટકાથી ઉપરના સ્લેબમાં રહેશે. તેમણે કહ્યું કે ૧૪ ટકા વસ્તુ પાંચ ટકા સ્લેબમાં, ૧૭ ટકા વસ્તુ ૧૨ ટકાના સ્લેબમાં, તો ૪૩ ટકા વસ્તુ ૧૮ ટકાના વેરાકીય દરમાં આવરી લેવાશે, અર્થાત્ સાત ટકા વસ્તુ પર કોઇ વેરો નહીં હોય.

   ખાંડ, ચા, કોફીઇન્સ્ટન્ટને બાદ કરતાં, ખાદ્યતેલ, દૈનિક જરૂરિયાતના પ્રોસેસ્ડ ફૂડ, મીઠાઇ, કોલસાને પાંચ ટકાના સ્લેબમાં તો અનાજ, દૂધ, ગોળ સહિતની કાચી ખાદ્યસામગ્રીને કરમાફી આપવામાં આવશે.

   ઉદ્યોગોને બળ પૂરું પાડતાં સમિતિએ કેપિટલ ગુડ્સ, ઇન્ડસ્ટ્રિયલ ઇન્ટરમીડિયેટ વસ્તુઓને ૧૮ ટકાના સ્લેબમાં મૂકી છે, તો ટૂથપેસ્ટ, હેરઓઇલ, સાબુને ૧૮ ટકાના સ્લેબમાં મૂકવામાં આવ્યાં છે. હાલમાં તેના પર ૨૮ ટકા વેરો લેવામાં આવે છે.

   આજે આયાતી સોનાના  દર નક્કી થશે

   સમિતિ સોનું અને બીડી જેવી આયાતી સામગ્રીના દરના મુદ્દે આવતી કાલે ચર્ચા કરશે. સમિતિએ શૂન્ય ટકા જીએસટી મુકરર કરી શકાય તેવી વસ્તુ વિષે વિચારણા શરૂ કરી દીધી છે. રાજયો આ મુદ્દે અલગ અલગ મત ધરાવે છે. ઉત્તર પ્રદેશ પૂજાસામગ્રી, કેટલાંક રાજયો કોટનયાર્ન તો કેટલાંક રાજય સિલ્કયાર્નને આ કક્ષામાં મૂકવા માગે છે.

   લકઝરી વાહનો પર  ૧૫ ટકા સેસ

   કાર પર ૨૮ ટકા જીએસટી ઉપરાંત સાધારણ સેસ, લકઝરી કાર પર કરવેરા ઉપરાંત ૧૫ ટકા સેસ અમલી બને તેવી શકયતા છે. એસી અને ફ્રીઝ પણ ૨૮ ટકા સ્લેબમાં છે, જોકે અધિકારીઓનું કહેવું હતું કે વર્તમાનમાં ૩૦થી ૩૧ ટકા વેરો લાગતો હોવાથી ભાવ ઘટી શકે છે. સરકાર જીએસટી હેઠળ ૧૨ અને ૧૮ ટકાના બે સ્ટાન્ટર્ડ રેટ ધરાવે છે.

 (11:27 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો