Mukhy Samachar

News of Friday, 19th May, 2017

વાઘેલા ન માને તો કોંગ્રેસ માટે વિકટ સ્થિતી!

વિધાનસભામાં કોંગ્રેસ આવે છે એ એકતરફ રહી ગયુ રાજ્યસભા માટે પણ છવાયા કાળા વાદળા !!: ડઝનેક ધારાસભ્યો પણ ભારે અસંતોષ સાથે કોંગ્રેસમાં દમ ઘૂંટાતો હોવાની લાગણી વ્યકત કરવા લાગ્યા

વાઘેલા ન માને તો કોંગ્રેસ માટે વિકટ સ્થિતી!

         ગાંધીનગર તા. ૧૯ : કોંગ્રેસ આવે છે. આ વખતે સત્તા પરિવર્તન માટે કટીબધ્ધ છે આવી વાતો વચ્ચે હાલ તો કોંગ્રેસની એકતાની નાવ મધદરિયે તોફાનમાં ફસાતી છે બાપુ ઓચિંતા અને 'પ્રાઇમ ટાઇમ' વખતે અજ્ઞાતવાસમાં જઇ નિરાંતે પાસા ગોઠવી રહ્યાનું મનાય છે ત્યારે જો બાપુને ખેંચી જવામાં ભાજપ સફળ થાય તો કોંગ્રેસ માટે વિકટ સ્થિતિનું નિર્માણ થાય. રાજ્યસભામાં કોંગ્રેસના ધૂરંધર અહેમદ નિવૃત્ત થાય છે ત્યારે રાજ્યસભાની બેઠક ઉપર ખતરો મંડાયો છે. હાલમાં કોંગ્રેસ માટે લાગણી છે પરંતુ 'દમ' ઘૂંટાતો હોવાનું ડઝનેક ધારાસભ્યો અનુભવી રહ્યા છે.

         ગુજરાત કોંગ્રેસમાં શરૂ થયેલી આંતરિક ખેંચતાણ વચ્ચે સમગ્ર પ્રકરણમાં પડદા પાછળ રાજયસભાનો ખેલ ખેલાઈ રહ્યો છે. આગામી ઓગસ્ટ મહિનામાં ગુજરાતના જે ત્રણ રાજયસભાના સાંસદોનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે તેમાં કોંગ્રેસ અધ્યક્ષાના રાજકીય સલાહકાર અને વરિષ્ઠ નેતા એહમદભાઈ પટેલ જયારે ભાજપના કેન્દ્રીય ટેકસ્ટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાની અને દિલીપ પંડ્યાનો સમાવેશ થાય છે. લોકસભામાં બહુમત મેળવવામાં સફળ રહેલાં ભાજપ પાસે રાજયસભામાં બહુમતી નથી ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ પાસે રહેલી રાજયસભાની બેઠક આંચકી લેવા માટે દાવપેચ શરૂ થયા છે. ગુજરાતમાં કોંગ્રેસ પાસે ૫૭ ધારાસભ્યો હોવાથી હાલના તબક્કે રાજયસભાના સાંસદ એહમદભાઈ પટેલના સભ્યપદ સામે કોઈ પડકાર નથી, પરંતુ વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલા પોતાના ટેકેદારો સાથે કોંગ્રેસને રામરામ કરે તો એહમદભાઈ પટેલ માટે રાજયસભાની બેઠક જીતવી મુશ્કેલ છે.

         ગુજરાત કોંગ્રેસમાં વર્ચસ્વની ખેંચતાણ દિનપ્રતિદિન ઘેરી બનતી જાય છે. વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ યુકિતપૂર્વક વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસની સરકાર બનાવવા માટે સંપૂર્ણ અને સ્વતંત્ર-સત્ત્ાની માગ કરીને પ્રદેશથી માંડીને રાષ્ટ્રીય નેતાઓની ઊંઘ હરામ કરી દીધી છે. બાપુએ વિધાનસભાની ચૂંટણી પહેલાં આવી રહેલી રાજયસભાની ચૂંટણીને પણ હથિયાર બનાવીને ધાર્યું કરાવવાની રણનીતિ અપનાવી હોવાનું જણાવતા રાજકીય સૂત્રો કહે છે કે, જો કોંગ્રેસ વાઘેલાને મનાવવામાં નિષ્ફળ જાય અને બાપુ પોતાના ટેકેદારો સાથે કોંગ્રેસ સાથે છેડો ફાડે તો કોંગ્રેસ અધ્યક્ષાના રાજકીય સલાહકાર અને વરિષ્ઠ નેતા એહમદભાઈ પટેલનું સંસદસભ્યનું પદ જોખમાશે.

         રાજકીય વર્તુળોમાં થતી ચર્ચા મુજબ વાઘેલા ૨૦થી વધુ ધારાસભ્યો સાથે ભાજપમાં જઈ રહ્યા છે. જો આ સાચું હોય તો બાપુ માટે બંને હાથમાં લાડુ જેવો ઘાટ સર્જાયો છે. વાઘેલાના ભાજપ પ્રવેશ અંગે રાજયના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ એકથી વધુ વાર સ્પષ્ટતા સાથે કહી ચૂકયા છે કે, ભાજપની વિચારસરણીને અનુકુળ કોઈ પણ વ્યકિતને પણ પૂર્વ શરત વિના આવકારે છે પરંતુ જાણકારો કહી રહ્યા છે કે, વાઘેલાએ ભાજપ સમક્ષ કેટલીક શરતો મૂકી છે. આ શરતો સ્વીકારવામાં આવે તો તેઓ જૂના મતભેદો ભૂલીને ફરીથી માતૃસંસ્થામાં ભળી જાય તેવી પૂરી શકયતા છે.

         વિપક્ષી નેતા વાઘેલાને ભાજપ તરફથી રાજયપાલપદ અને તેમના પુત્રને વિધાનસભાની ટિકિટ ઉપરાંત નવી સરકારમાં પ્રધાનપદ આપવાની ઓફર કરવામાં આવી હોવાનું જણાવતા સૂત્રો કહે છે કે, વાઘેલાએ પ્રાથમિક રીતે રાજયપાલપદની ઓફર ફગાવી દીધી છે. તેમણે રાજકારણમાં નિવૃત્તિ માટે કોઈ ઉંમરનો બાધ હોતો નથી તેવું સૂચક નિવેદન કરીને રાજકારણમાં સક્રિય રહેવાનો સંકેત આપ્યો છે તેની પાછળ રાજયસભાની ચૂંટણી હોવાનું મનાય રહ્યું છે. બાપુ રાજયપાલ બનવાને બદલે રાજયસભામાં જવા માગે છે. જો ભાજપ તેમની શરત ન સ્વીકારે તો વાઘેલા પાસે અન્ય વિકલ્પોમાં વાઘેલા પોતે અપક્ષ ઉમેદવાર તરીકે ભાજપ અને પોતાના ટેકેદારોની મદદથી ચૂંટણી લડી શકે છે. કોઈ કારણોસર જો તેઓ ચૂંટણી ન લડી શકે તો પોતાના ઉમેદવારને લડાવીને ક્રોસવોટિંગ કરાવીને કોંગ્રેસની ગણતરી ઊંધી પાડી શકે છે. આમ, કોંગ્રેસમાં સત્ત્ાની ખેંચતાણ કોંગ્રેસ માટે અત્યંત જોખમી બનતી જાય છે. વિધાનસભાની ચૂંટણી આડે હજુ થોડા મહિના બાકી છે તે પહેલાં રાજયસભાની આગામી ચૂંટણીમાં જ કોંગ્રેસને કપરી કસોટીમાંથી પસાર થવું પડે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે.(૨૧.૧૩)

          

          

            રાજ્યસભામાં કોંગ્રેસને બેઠક  જાળવી રાખવા ૪૫ ધારાસભ્યોના મત જોઇએઃ હાલ ૫૭ એમએલએ

            રાજયસભામાં સાંસદ તરીકે ચૂંટાવા માટે ૪૫ ધારાસભ્યોના મત જરૂરી હોય છે. કોંગ્રેસ પાસે હાલમાં ૫૭ ધારાસભ્યો હોવાથી આગામી એક બેઠકની ચૂંટણી માટે પુરતું સંખ્યાબળ છે પરંતુ વાઘેલા કોંગ્રેસ છોડે તો કોંગ્રેસના સભ્યને ચૂંટાવા માટે મત મેળવવા અશકય બની જાય તેવી સ્થિતિ સર્જાશે.

            બાપુ હાલ અજ્ઞાતવાસમાં છે એ બાપુ ન માને અને ભાજપ બાપુને મનાવવામાં કે ખેંચી જવામાં સફળ થાય તો કોંગ્રેસને પોતાની એક બેઠક જાળવી રાખવામાં મુશ્કેલી થાય અને વિધાનસભાની ચુંટણી માથે છે ત્યારે આબરૂનું ધોવાણ થાય એ લટકામા.(૨૧.૧૩)

             

 (11:25 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો