Mukhy Samachar

News of Friday, 19th May, 2017

પ્રદેશ પ્રમુખ બનાવવાની માંગણીનો અસ્વીકાર થતા શંકરસિંહ નારાજ છે

ગુરૂદાસ કામત સમક્ષ રજુઆત કરવામાં આવી હતી પરંતુ હાઇકમાન્ડે નનૈયો ભણી દેતા શંકરસિંહ નારાજ-નિરાશ છેઃ શંકરસિંહને પ્રદેશ પ્રમુખ બનાવવાની વાત બહાર આવતા ભરતસિંહે ગુગલી ફેંકી મામલાને કલીન બોલ્ડ કરી દીધો હતો

      નવી દિલ્હી તા.૧૯ : કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ તાજેતરમાં ટવીટ્ર ઉપર રાહુલ ગાંધી સહિત અનેક કોંગ્રેસના નેતાઓને અનફલો કર્યા બાદ અને નવી દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે ગ્રુપ ફોટો લેવામાં ગેરહાજરી પુરાવીને અફવાઓનુ બજાર ગરમ કર્યુ છે ત્યારે એવુ જણાય છે કે, તેઓ કોંગ્રેસ પક્ષથી ભારે નારાજ છે અને તેનુ કારણ પણ છે તેવુ ડીએનએ જણાવે છે.

      ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બનવુ છે. એક મહિના પહેલા ગુજરાતના કોંગ્રેસના પ્રભારી ગુરૂદાસ કામત સાથે પોતાના બંગલે યોજાયેલી એક બેઠકમાં વાઘેલા અને તેમના ટેકેદારોએ એવી રજુઆત કરી હતી કે ચૂંટણી પુર્વે વાઘેલાને પ્રદેશ પ્રમુખ બનાવવા જોઇએ.

      આ બેઠકમાં હાજર રહેનાર શંકરસિંહના ખાસ વિશ્વાસુ એવા એક નેતાએ જણાવ્યુ હતુ કે, બાપુ કે અમારામાંથી કોઇએ તેમને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવા જણાવ્યુ નહોતુ. અમારી ડિમાન્ડ એવી હતી કે તેમને ચૂંટણી પુર્વે પક્ષની કમાન સોંપવી જોઇએ. જો કે પછી આ બાબતે આડીઅવળી વાતો થવા લાગી હતી.

      સુત્રો જણાવે છે કે, આ લોકોની એક જ વાત હતી કે કોંગ્રેસે કોઇપણ ભોગે ચૂંટણી જીતવી જોઇએ. ભાજપને કઇ રીતે પછાડી શકાય તે શંકરસિંહ વાઘેલા સારી રીતે જાણે છે. વળી તેઓનુ વ્યકિતત્વ એવુ છે કે લોકો તેમની તરફ ખેચાય છે. બીજા નેતાઓ પક્ષમાં છે તેઓ ભીડ એકઠી કરે તેવી તાકાત ધરાવતા નથી તેવુ વાઘેલાના ટેકેદારો જણાવે છે.

      કોંગ્રેસના એક સીનીયર નેતાએ જણાવ્યુ છે કે શંકરસિંહ વાઘેલાએ વિધાનસભાના સત્ર પહેલા વિપક્ષનુ પદ પણ છોડી દેવા પણ ઓફર કરી હતી અને પરેશ ધાનાણીને વિપક્ષી નેતા પદ સોંપવાનો નિર્દેશ કરવામાં આવ્યો હતો. આનાથી હાઇકમાન્ડને આડકતરો નિર્દેશ હતો કે તેઓ પક્ષના પ્રમુખ બનવા માંગે છે.

      જો કે શંકરસિંહ વાઘેલાની વ્યુહ રચનાને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ગુગલી ફેંકી વળતો ઘા કર્યો હતો કે જો પટેલ નેતાને પ્રદેશ પ્રમુખ બનાવાય તો હું પ્રમુખ પદ છોડવા તૈયાર છુ. આનાથી સ્પષ્ટ નિર્દેશ મળે છે કે ભરતસિંહ સોલંકી પ્રદેશ પ્રમુખ તરીકે શંકરસિંહને ઇચ્છતા નથી.

      સ્થિતિ એવે વખતે વણસી કે જયારે અમરેલીના ધારાસભ્ય અને રાહુલ ગાંધીના સાથીદાર પરેશ ધાનાણીએ કોઇપણ પદ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. તે પછી વાઘેલાના ટેકેદારોએ કામત સમક્ષ તેઓની ઇચ્છા વ્યકત કરી હતી પરંતુ એ ઇચ્છા હાઇકમાન્ડે સ્વીકારી ન હતી.

      ૨૪-રપમી મેએ અશોક ગેહલોટ અમદાવાદ આવે છે

      અમદાવાદ : કોંગ્રેસના મહામંત્રી અને ગુજરાતના ઇન્ચાર્જ અશોક ગેહલોટ ર૪ અને રપમી મે એ અમદાવાદ આવી રહ્યા છેઃ ર૪મીએ તેઓ વિધાનસભા મત વિસ્તાર માટે પક્ષના ઓર્બ્ઝવરો સાથે ચર્ચા કરશેઃ બીજા દિવસે તેઓ મહિલા પાંખ, યુવા પાંખ, એનઅસયુઆઇ, સેવાદળ, આઇટી સેલ વગેરે સાથે બેઠકો કરશેઃ આજે વર્ષા ગાયકવાડ અમદાવાદમાં છેઃ તેઓ પણ બેઠક યોજી રહ્યા છે.

      કોંગ્રેસમાં ફેરબદલ કરવા અને માળખુ વિસ્તારવા હાઇકમાન્ડનો પ્લાન

      અમદાવાદ : કોંગ્રેસ હાઇકમાન્ડ નવી દ્વિધામાં છે કે પ્રદેશ એકમની સાઇઝ વધારવી કે ઘટાડવી ? જો આવુ કશુ કરાય તો તેના ઘેરા પડઘા પડી શકે તેમ છેઃ ઘણા વખતથી જીપીસીસીમાં ફેરબદલની વાતો થાય છેઃ જીપીસીસી સંખ્યાબળ ૩પ૦નું છેઃ એવી વાત છે કે તેમાં વધુ ૧૦૦નો ઉમેરો કરવોઃ હાલ નવ ઉપપ્રમુખો, ૧૦ મહામંત્રીઓ, પ૪ સેક્રેટરીઓ અને પાંચ પ્રવકતાઓ છેઃ પક્ષની ઇચ્છા છે કે વધુ ૩ ઉપપ્રમુખ, ૪ મહામંત્રીઓ, ૧૦ સેક્રેટરીઓ અને વધુ પાંચ પ્રવકતાઓને ટીમમાં લેવાઃ બાકીનાને આમંત્રિત તરીકે લેવા.

       

 (10:18 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો