Samachar Gujarat

News of Friday, 19th May, 2017

લોકોને ઓનલાઇન ઠગી લેતો ઝારખંડનો ભેજાબાજ ઝડપાયો

બેંકમાંથી બોલું છું એમ કહીને છેતરપિંડી કરતો હતો: લોકો પાસે એટીએમ કાર્ડ નંબર, ઓટીપી નંબર સહિતની માહિતી મેળવી લઇ ઓનલાઇન રૂપિયા ખંખેરી લેતો હતો

લોકોને ઓનલાઇન ઠગી લેતો ઝારખંડનો ભેજાબાજ ઝડપાયો

   અમદાવાદ, તા.૧૯, બેંકમાંથી બોલું છું એમ કહી ગ્રાહકો પાસેથી તેમના એટીએમ કાર્ડ નંબર મેળવી લાખો રૂપિયાની ઓનલાઇન છેતરપીંડી કરતા ઝારખંડના એક ભેજાબાજ ગઠિયાને શહેર ક્રાઇમબ્રાંચની ટીમે ઝડપી લીધો છે. ચોંકાવનારી વાત તો એ છે કે, આ આરોપી મહંમદજીલાની મહંમદશહાદત અન્સારી ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશના પંદર જેટલા જુદા જુદા રાજયોમાં આ પ્રકારે લોકોને ફોન કરતો હતો અને તેઓની પાસેથી એટીએમ કાર્ડ નંબર મેળવી ઓનલાઇન જ પૈસા ખંખેરી લેતો હતો. ક્રાઇમબ્રાંચ આરોપી મહંમદજીલાનીની ઝારખંડથી ટ્રાન્ઝીટ વોરંટના આધારે ધરપકડ કરી અહીં લાવી હતી. આ પ્રકરણમાં હજુ બહુ મોટા ખુલાસા અને ચોંકાવનારી માહિતી બહાર આવવાની પૂરી સંભાવના પણ ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ વ્યકત કરી હતી. આ ઠગાઇના આંતરરાજય કૌભાંડની વિગતો એવી છે કે, ગત તા.૪-૫-૨૦૧૬ના રોજ ફરિયાદીના મોબાઇલ પર કોઇ અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો અને તેણે એસબીઆઇ બેંકમાંથી બોલુ છું અને તમારું એટીએમ કાર્ડ બ્લોક થઇ જશે, જો રિન્યુ નહી કરો તો. તેથી જરૂરી માહિતી આપો એમ કહી આરોપી શખ્સે ફરિયાદી પાસેથી એટીએમ કાર્ડ, તેની પાછળના ભાગે લખેલ સીવીવી નંબર મેળવી લીધેલ, બાદમાં ફરિયાદીને તમને બેંકમાંથી મેસેજ આવે તેમાં ઓટીપી નંબર જણાવજો એટલે તમારૃં કાર્ડ રિન્યુ થઇ જશે. એ પછી ફરિયાદીને મેસેજ આવતાં તેણે ઓટીપી નંબર જણાવતાં આરોપીએ ફરિયાદીના બેંક એકાઉન્ટમાંથી તાત્કાલિક જ ઓનલાઇન ૨૫હજાર ટ્રાન્સફર કરી ખંખેરી લીધા હતા. આ અંગે ફરિયાદીએ ક્રાઇમબ્રાંચને જાણ કરી હતી.    ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ ભારે ઝીણવટપૂર્વક આ ગુનાની તપાસ કરતાં જાણવા મળ્યું કે, ફોન કરનાર શખ્સ ઝારખંડનો આરોપી

   (અનુસંધાન નીચેના પાને) છે, તેથી ક્રાઇમબ્રાંચની ચુનંદા અધિકારીઓની ટીમે ગુપ્ત રાહે ઝારખંડના દેવપર જિલ્લાના બંસીમી ગામ ખાતેથી ૨૩ વર્ષીય આરોપી મહંમદજીલાની મહંમદશહાદત અન્સારીની ધરપકડ કરી લીધી હતી અને તેને ત્યાંની કોર્ટમાં રજૂ કરી ટ્રાન્ઝીટ વોરંટના આધારે અહીં લઇ આવી હતી. આરોપીની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, આરોપી છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રકારની છેતરપીંડી આચરતો હતો અને લોકોને મોબાઇલ પર ફોન કરી બેંકમાંથી બોલુ છું એમ કહી યેનકેન પ્રકારે એટીએમ કાર્ડ નંબર અને ઓટીપી નંબર સહિતની માહિતી મેળવી લઇ ઓનલાઇન છેતરપીંડી આચરતો હતો.

   પંદર રાજયોમાં લોકોને ભેજાબાજે ખંખેરી લીધા: અમદાવાદના લોકો પણ શિકાર

   આરોપી મહંમદજીલાનીએ ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, દિલ્હી, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, મધ્યપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, આસામ, કેરળ, દિલ્હી, હિમાચલપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઓરિસ્સા મળી કુલ પંદર રાજયોમાં લોકોને ફોન કરી ખંખેર્યા હતા. પોલીસે આરોપી મહંદમદજીલાની પાસેથી સાત મોબાઇલ જપ્ત કર્યા હતા. જેની તપાસ કરતાં તેમાંથી ૩૪ જેટલા જુદા જુદા ઇ-વોલેટ મળ્યા હતા. ઇ-વોલેટમાં ઇમેઇલ આઇડી ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવુ પડતું હોઇ આરોપીએ કુલ ૧૦ ઇ-મેઇલ આઇડી રજિસ્ટર કરાવ્યા હતા. દરમિયાન, આરોપીએ અમદાવાદમાં પણ ઓઢવ, અમરાઇવાડી, વસ્ત્રાલ, ઘાટલોડિયા, નારોલ સહિતના વિવિધ વિસ્તારો ઉપરાંત ગુજરાતના અલગ અલગ શહેરો રાજકોટ, ગાંધીનગર, મહેસાણા, વડોદરા, અમરેલી, અંકલેશ્વર સહિતના શહેરોમાં લોકોને આ પ્રકારે મોબાઇલ કરી ઠગી લીધા હતા અને તેમના નાણાં ખંખેર્યા હતા.

 (10:00 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS