Samachar Gujarat

News of Friday, 19th May, 2017

આરટીઇ પ્રવેશ કાર્યવાહીમાં ગંભીર છબરડાઓ હજુ જારી

વાલીઓએ ડીઇઓ કચેરી ખાતે હોબાળો મચાવ્યોઃ ઘરથી છ કિમીના અંતરની શાળામાં પ્રવેશ ફાળવવાની જોગવાઇ છતાંય ૯થી ૨૫ કિમી દૂર પ્રવેશ ફાળવાયા છે

   અમદાવાદ, તા.૧૯, રાઇટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત પ્રવેશ કાર્યવાહીમાં રોજ કંઇક ને કંઇક નવા છબરડા અને ગોટાળા સામે આવી રહ્યા છે. ખાનગી સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ નહી અપાયાની ફરિયાદ, પ્રવેશ મેળવવા વાલીઓ શાળાએ જાય ત્યાં એ શાળા જ ના હોય સહિતની નીતનવી અનેક ફરિયાદો અને અનિયમિતતાઓ સામે આવી છે અને આ બધા વિવાદો હજુ શમ્યા નથી ત્યાં, આરટીઇ એકટ અને રૂલ્સમાં બાળકને તેના ઘરથી છ કિ.મીની અંતરની નજીકની શાળામાં જ પ્રવેશ આપવાની જોગવાઇ છતાં સત્તાવાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને શહેરની દૂરની શાળાઓમાં ૯ કિ.મીથી લઇ ૨૫ કિ.મી દૂર સુધીની શાળાઓમાં પ્રવેશ ફાળવી દેવાતાં વાલીઓએ આજે ઉગ્ર આક્રોશ સાથે ડીઇઓ કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો. વાલીઓના રોષને ધ્યાનમાં લઇ ડીઇઓ ઓથોરીટીએ તેમની વાંધાઅરજીઓ સ્વીકારવાની ફરજ પડી હતી.આરટીઇ એકટ હેઠળની પ્રવેશ કાર્યવાહીમાં રાજયના તમામ વિદ્યાર્થીઓના ઓનલાઇન ફોર્મ ભરાયા બાદ તેઓને ગુગલ મેપના આધારે છ કિ.મીની અંદર આવેલી શાળાઓમાં પ્રવેશ ફાળવાયો હતો. મોટાભાગના વિદ્યાર્થીઓને તેમના ઘરથી છ કિ.મીની અંદરની શાળાઓમાં પ્રવેશ ફાળવાયો હતો પરંતુ સાતેક હજાર જેટલા વિદ્યાર્થીઓને છ કિ.મી કરતાં દૂરની સ્કૂલોમાં અથવા તો તેમની પસંદગીની સ્કૂલ સિવાયની સ્કૂલોમાં પ્રવેશ ફાળવાયો હતો. અમદાવાદ શહેરમાં પણ અનેક વિદ્યાર્થીઓને દૂરની શાળાઓમાં પ્રવેશ ફાળવાયાની વિગતો પ્રકાશમાં આવી હતી. જેમાં કેટલાક વિદ્યાર્થીઓને ૯ કિ.મી અંદરની સ્કૂલોમાં તો અમુક કિસ્સામાં તો વિદ્યાર્થીઓને છેક ૨૫ કિ.મી દૂરની શાળામાં પ્રવેશ ફાળવાયાની વિગતો સામે આવી હતી. જેને લઇ વાલીઓ ખૂબ રોષે ભરાયા હતા. અસારવા ખાતે ઘોડા કેમ્પની સામે લક્ષ્મીનગરમાં રહેતા વાલીના બાળકને ધોરણ-૧માં હાથીજણ વિસ્તારમાં આવેલા વિવેકાનંદનગર ખાતે આવેલી સંસ્કાર વિદ્યાલયમાં પ્રવેશ ફાળવી દેવાયો હતો., જે સ્કૂલ વિદ્યાર્થીના ઘરથી ૨૫ કિ.મી દૂર થાય છે. આટલી ગંભીર ચૂકને લઇ વાલીએ તંત્ર પરત્વે રોષ વ્યકત કર્યો હતો અને ડીઇઓ કચેરી ખાતે વાંધાઅરજી સુપ્રત કરી ભૂલ સુધારવા ઉગ્ર માંગ કરી છે.

 (09:55 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS