Samachar Gujarat

News of Friday, 19th May, 2017

પાણીના જોડાણને કાપવાને લઈને શાસક સભ્યો નાખુશ

પુરતા પ્રેશરથી પાણી ન મળવાની વ્યાપક ફરિયાદઃ ઈન્ડસ્ટ્રીઝ,કોમર્શિયલ એકમોમાં પાણીનો વેડફાટ છતાંય ચૂંટણીને ધ્યાનમાં રાખી કાર્યવાહી નહીં કરવાની રજુઆત

   અમદાવાદ, તા.૧૯, અમદાવાદ શહેરને રોજ ૧૧૦૦ એમએલડી પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે.આ જ્થ્થામાંથી ૨૫૦ એમએલડી પાણી લિકેજીસ અને અન્ય કારણોસર વેડફાઈ જાય છે.છતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણીની સર્જાયેલી તંગી અને પુરતા પ્રેશરથી પાણી ન મળવાની ફરીયાદો બાદ ગેરકાયદે પાણીના જોડાણ કાપવા મ્યુનિ.બોર્ડમાં સાધવામાં આવેલી સંમતિ સામે ખુદ શાસક ભાજપના કોર્પોરેટરોએ જ નારાજગી વ્યકત કરી આ કાર્યવાહી ન કરવા રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.આ અંગેની વિગત એવી છે કે,બુધવારના રોજ મળેલી મ્યુ. બોર્ડ બેઠકમાં વિપક્ષનેતાએ શહેરીજનોને ગરમીની મોસમમાં પુરતુ પાણી મળી રહે.એ માટે ઈન્ડસ્ટ્રીઝ અને કોમર્શીયલ એકમોમાં નાંખવામાં આવેલા પાણીના ગેરકાયદે કનેકશનો કાપવા અંગે રજુઆત કરી હતી.આ સાથે જ તેમણે ગૃહમાં હાજર તમામ કોર્પોરેટરોને પણ આ કાર્યવાહી સમયે ફોન ન કરવાથી લઈને પક્ષાપક્ષીથી દુર રહેવા પણ અપીલ કરી હતી.પરંતુ આઘાતજનક બાબત તો એ બહાર આવવા પામી છે કે,બોર્ડ બેઠક પુરી થયા બાદ બીજા જ દિવસથી વોટર સપ્લાય કમિટીના ચેરમેન ઉપર તેમના જ પક્ષના કોર્પોરેટરો દ્વારા આ પ્રકારે કાર્યવાહી ન કરવા અને ગેરકાયદે જોડાણો ન કાપવા અંગેની રજુઆતો શરૂ કરી દીધી છે.સૂત્રોના કહેવા અનુસાર,હવે ગમે તે સમયે રાજય વિધાનસભાની સામાન્ય ચૂંટણી આવી શકે એમ હોવાથી ચૂંટણી ફંડ લેવા જતી વખતે મોં ન સંતાડવુ પડે.એટલા માટે પણ આ પ્રકારની કોઈ કાર્યવાહી કરવાનો આદેશ ન આપવા શાસકપક્ષના કોર્પોરેટરોએ વોટર સપ્લાય કમિટીના ચેરમેનથી લઈને મેયર,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને અન્ય હોદ્દેદારો ઉપર દબાણ વધારી દીધુ છે.આ અગાઉ મળેલી વોટર સપ્લાય કમિટીની બેઠકમાં ચેરમેને અધિકારીઓને પાણીની વધતી જતી ફરીયાદોને દુર કરવા ૧૦ વર્ષ અગાઉ શરૂ કરવામાં આવેલી અને પાછળથી બંધ કરી દેવામાં આવેલી મોટર સ્કવોડ ફરીથી શરૂ કરવા અંગેની સુચના આપી હતી. પરંતુ જે પ્રમાણે શાસકપક્ષના જ કોર્પોરેટરો દ્વારા કાર્યવાહી ન કરવા મામલે પ્રેશર ટેકનીક અપનાવવામાં આવી રહી છે.તેને જોતા ગેરકાયદે પાણીના જોડાણો કાપવા અંગેની તેમજ મોટરો જપ્ત કરવા અંગેની સ્કવોડ બનાવવાની આ બંને જાહેરાતો  માત્ર કાગળ ઉપર જ રહેવા પામશે.તેમ સ્પષ્ટ બન્યું છે.અથવા તો માત્ર નામ પુરતી કાર્યવાહી કરી સંતોષ માનવામાં આવશે.

   ૧૮૦૦ મીટરની પાણીની લાઈન નાંખવા પ્રક્રિયા શરૂ : મકતમપુરા વોર્ડમાં કાર્યવાહી થશે

   છેલ્લા ઘણાં સમયથી પાણી માટે સંઘર્ષ કરી રહેલા શહેરના મકતમપુરા વોર્ડની સોસાયટીઓ પૈકી ૧૦ જેટલી સોસાયટીઓમાં રૂપિયા ૪૫ લાખના ખર્ચથી ૧૮૦૦ મીટરની પાણીની લાઈન નાંખવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.આ અંગે મળતી માહીતી અનુસાર,ગત બુધવારના રોજ મળેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં આ વોર્ડના કોર્પોરેટર અસરારબેગ મીરજા દ્વારા ૪૦ ચોરસમીટરના મકાનો ધરાવતી સોસાયટીઓને મુખ્યમંત્રી સ્વર્ણિમજયંતિ યોજના હેઠળ પાણીની લાઈનો નાંખવા રજુઆત કરવામાં આવી હતી.આ અંગે મેયર ગૌતમ શાહે કહ્યુ છે કે,નવા પશ્ચિમઝોનના મકતમપુરા વોર્ડમાં બરફની ફેકટરીવાળા રોડ ઉપર આવેલી ૪૦ ચોરસમીટરના મકાનો ધરાવતી ૧૦ જેટલી સોસાયટીઓને પાણી પુરૂ પાડવા માટે ૧૮૦૦ મીટરની લાઈનો નાંખવા આજે ખાતમુર્હત કરવામાં આવ્યું છે.આ સોસાયટીઓને પાણી પુરૂ પાડવા એસ.ટી.પી.ખાતેના બોરથી સોસાયટી સુધી પાણીની લાઈન નાંખવા મેયર બજેટમાંથી ૧૦ લાખ ફાળવવામાં આવ્યા છે.

 (09:54 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS