Samachar Gujarat

News of Friday, 19th May, 2017

ગાંગડ બેઠક ચૂંટણી મુલત્વી રાખવા માટે કોર્ટમાં ખાતરી

ચૂંટણી વિવાદ ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યોઃ મહિલા સભ્યને ૩ સંતાનના કારણસર ગેરલાયક ઠરાવાતા બેઠક ખાલી પડી હતી : ચૂંટણીની તજવીજ ધરાતા અરજી

   અમદાવાદ, તા.૧૯, ત્રણ સંતાનોના કારણોસર ગેરલાયક ઠરાવાયેલા અમદાવાદ જિલ્લાના ગાંગડ બેઠકના મહિલા સભ્યની જગ્યા ભરવા સામે હાઇકોર્ટનો સ્ટે હોવાછતાં આ બેઠકની ચૂંટણી યોજવાની સરકારના સત્તાવાળાઓએ તજવીજ હાથ ધરતાં અરજદાર મહિલા સભ્ય તરફથી હાઇકોર્ટમાં રિટ અરજી કરાઇ હતી. જેની સુનાવણી દરમ્યાન સરકારપક્ષ તરફથી હાઇકોર્ટને જણાવાયું હતું કે, સરકાર અરજદાર સભ્યની બેઠક સિવાયની ચૂંટણી યોજવા જઇ રહી છે.

   અરજદાર સભ્યની બેઠકવાળી ચૂંટણી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. હાઇકોર્ટે સરકારના નિર્ણયને રેકર્ડ પર લઇ કેસની વધુ સુનાવણી તા.૨૨મી જૂનના રોજ રાખી હતી. અરજદાર સવિતાબહેન રાઠોડ તરફથી કરાયેલી રિટ અરજીમાં એડવોકેટ શાર્વિલ પી. મજમુદાર દ્વારા રજૂઆત કરાઇ હતી કે, અમદાવાદ જિલ્લા પંચાયતતની ચૂંટણી તા.૨૯-૧૧-૨૦૧૫ના રોજ યોજાઇ હતી, જેમાં અરજદાર ગાંગડ ડિવીઝનની બેઠક પરથી ચૂંટણી લડયા હતા અને તા.૨-૧૨-૨૦૧૫ના રોજ ચૂંટાયેલા જાહેર થયા હતા. અમદાવાદ જિલ્લા પંચાયત ૩૪ સભ્યોની બનેલી છે. દરમ્યાન જિલ્લા વિકાસ કમિશનરે અરજદાર ત્રીજા સંતાનની માતા હોવાના કારણસર તેમને સભ્યપદેથી ગેરલાયક ઠરાવ્યા હતા.    આ હુકમ સામે અરજદારે કરેલી રિટ અરજી નામંજૂર થતાં અરજદાર દ્વારા હાઇકોર્ટની ખંડપીઠ સમક્ષ લેટર્સ પેટન્ટ અપીલ કરાઇ હતી, જેમાં ખંડપીઠે અરજદારની બેઠકની જગ્યા ભરવા સામે સ્ટે ફરમાવ્યો હતો. હાઇકોર્ટે ઠરાવ્યું હતું કે, અરજદારની બેઠક ભરવી નહી. આ મનાઇહુકમ હોવાછતાં રાજય સરકારના સત્તાવાળાઓ હાલ વિવિધ જિલ્લા પંચાયતોની ચૂંટણી યોજી રહ્યા છે, તેમાં અરજદારની બેઠકવાળી જગ્યામાં સ્ટે હોવાછતાં ચૂંટણીની તજવીજ હાથ ધરી રહ્યા છે. જે સીધેસીધો અદાલતી તિરસ્કાર છે. દરમ્યાન રાજય સરકાર તરફથી કાગળ રજૂ કરી હાઇકોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, સરકાર ઉપરોકત બેઠક સિવાયની ચૂંટણી યોજવા જઇ રહી છે. ઉપરોકત બેઠકની ચૂંટણી મોકૂફ રાખવામાં આવનાર છે, તેથી તે ચૂંટણી નહી યોજાય. હાઇકોર્ટે આ નિર્ણય રેકર્ડ પર લઇ કેસની વધુ સુનાવણી જૂનમાં રાખી હતી.

 (09:52 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS