Samachar Gujarat

News of Friday, 19th May, 2017

ટોળા પાછળ મહંમદભાઇ, પુત્ર હથિયારો લઇને દોડ્યા

ચકચારી નરોડા ગામ કેસમાં ગુપ્ત સાક્ષીનો ધડાકો : બનાવના દિવસે વિહિપ નેતા જયદીપ પટેલ, પૂર્વ કોર્પોરેટર વલ્લભભાઇ પટેલ સહિતના આરોપીઓને જોયા ન હતા

   અમદાવાદ, તા.૧૯ : નરોડા ગામના રાયોટીંગ કેસના ટ્રાયલ દરમ્યાન આજે બચાવપક્ષના ગુપ્ત સાક્ષીની મહત્વપૂર્ણ જુબાની લેવાઇ હતી. કિશન ક્રિશ્ચિયન નામના આ સાક્ષીએ પોતાની જુબાની દરમ્યાન મહત્વનો ખુલાસો કર્યો હતો કે, બનાવના દિવસે નરોડા ગામમાં તેમણે ઘટનાસ્થળે વિહિપના નેતા ડો.જયદીપ પટેલ, પૂર્વ કોર્પોરેટર વલ્લભભાઇ પટેલ, દિનેશ પટેલ, અશોકભાઇ, ભીખા ઢોલરિયા એ કોઇને પણ જોયા ન હતા. એ દિવસે નરોડા ગામમાં તોફાની ટોળુ કુંભારવાસ બાજુ ગયુ ત્યારે તેમની પાછળ મહંમદભાઇ શેખ પાઇપ અને તેમનો પુત્ર અલાઉદ્દીન શેખ હાથામં કટાર લઇને ટોળાની પાછળ દોડતા મેં જોયા હતા. આ ગુપ્ત સાક્ષીની જુબાની બાદ પ્રોસીકયુશન પક્ષ તરફથી તેની ઉલટતપાસ માટે અદાલત પાસે સમયની માંગણી કરવામાં આવતાં ડેઝીગ્નેટેડ કોર્ટના સ્પેશ્યલ જજ પી.બી.દેસાઇએ પ્રોસીકયુશનપક્ષને આવતીકાલે ૧૨ વાગ્યાનો સમય આપ્યો હતો. નરોડા ગામના ટ્રાયલમાં આજે બચાવપક્ષના ખૂબ જ મહત્વના એવા ગુપ્ત સાક્ષી કિશન ક્રિશ્ચિયનને તપાસવામાં આવ્યા હતા. બચાવપક્ષે તેમની જુબાની લેવામાં આવી, જેમાં તેમણે જણાવ્યું કે, તેઓ જન્મથી ૭૦ વર્ષથી નરોડા ગામની સામે આવેલી નારાયણની ચાલી ખાતે રહે છે. તેમની ચાલીમાં બે ક્રિશ્ચિયન, બે ઠાકોર અને બાકીના મુસ્લિમ પરિવારો રહે છે. બનાવના દિવસે સવારે ૯-૩૦ વાગ્યે તેઓ ચાલીના નાકે હલ્લો મચ્યો ત્યારે હું જોવા ગયો હતો. એ વખતે ગુડલક ટાયર અને સાઇકલસ્ટોરના માલિક રફીકભાઇ શેખ પરિવાર સાથે તેમના ઘેર હતા. દરમ્યાન સવારે ૧૦ વાગ્યાની આસપાસ નરોડા ગામ તરફથી એક ટોળુ આવ્યું હતું. જેથી બચાવપક્ષે સાક્ષી કિશન ક્રિશ્ચિયનને પ્રશ્ન કર્યો કે, શું આ ટોળામાં વિહિપ નેતા જયદીપ પટેલ, પૂર્વ કોર્પોરેટર વલ્લભભાઇ પટેલ, આરોપી દિનેશ પટેલ, અશોકભાઇ, ભીખા ઢોલરિયા, સુનીલ નાયર કે સુનીલ પટેલ કોઇ સામેલ હતા? તમે આ બધામાંથી કોઇને જોયા હતા ? જેના પ્રત્યુત્તરમાં સાક્ષીએ પોતાની જુબાનીમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ના મેં ટોળામાં ઉપરોકત આરોપીઓ પૈકીના કોઇને પણ જોયા ન હતા. ત્યારબાદ તેમણે ઉમેર્યું કે, નરોડા ગામ તરફથી આવેલું ટોળું કુંભારવાસ તરફ ગયુ હતુ અને થોડીવાર બાદ ટોળું દોડતુ પાછું આવતું હતુ, મેં જોયું તો ટોળાની પાછળ રફીકભાઇ શેખના પિતા મહંમદભાઇ શેખ હાથમાં પાઇપ અને તેમનો પુત્ર અલાઉદ્દીન શેખ હાથમાં કટાર લઇને દોડતા નજરે પડયા હતા. એ પછી તોફાન વધવાના અંદેશાથી હું ઘેર જતો રહ્યો હતો.   

   ત્યારબાદ આ સાક્ષીની ઉલટતપાસનો પ્રોસીકયુશનનો વારો આવ્યો એટલે પબ્લીક પ્રોસીકયુટરે કોર્ટનું ધ્યાન દોર્યું કે, આ ગુપ્ત સાક્ષી વિશે તેમને અગાઉથી જાણ કરાઇ ન હતી અને તેથી તેની ઉલટતપાસ માટે અમારે સમય જોઇશે. કોર્ટે આ માટેનો સમય આપવો જોઇએ.જેથી કોર્ટે પ્રોસીકયુશન પક્ષને આવતીકાલે ૧૨ વાગ્યે ઉપરોકત સાક્ષીની ઉલટતપાસ માટે સમય આપ્યો હતો.

   હિન્દુઓને તપાસવાના ચુકાદા મામલે સસ્પેન્સ

                    અમદાવાદ, તા.૧૯ : ચકચારભર્યા નરોડા ગામ રાયોટીંગ કેસના ટ્રાયલ દરમ્યાન ગુજરાતભરના હિન્દુઓને તેમ જ અગાઉ આ કેસમાં સૌપ્રથમ હાજર થનાર બે મદદનીશ સરકારી વકીલોને તપાસવા માટે આરોપીપક્ષ તરફથી કરાયેલી અરજીમાં ડેઝીગ્નેેટેડ કોર્ટના સ્પેશ્યલ જજ પી.બી.દેસાઇ દ્વારા આવતીકાલે ચુકાદો જાહેર કરાય તેવી શકયતા છે. આ ચુકાદો પણ ઘણો મહત્વનો મનાઇ રહ્યો છે.

 (07:23 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS