Samachar Gujarat

News of Friday, 19th May, 2017

પીજી મેડિકલમાં SC/ST કેટેગરી વિદ્યાર્થીને અન્યાય

એડમિશન કમીટીને આવેદનપત્ર સુપ્રત કરાયું : ખાલી બેઠકો પર તે જ કેટેગરીના વિદ્યાર્થીઓને અસરપરસ પ્રવેશની જોગવાઇ કરતાં પરિપત્રનું પણ પાલન થતું નથી

   અમદાવાદ, તા.૧૯ : પોસ્ટ ગ્રેજયુએટની હાલ ચાલી રહેલી પ્રવેશ કાર્યવાહી દરમ્યાન અનુસૂચિત જાતિ(એસ.સી) અને અનુસૂચિત જનજાતિ(એસ.ટી) કેટેગરીના વિદ્યાર્થીઓને અન્યાય થઇ રહ્યો હોવા અંગે ફરિયાદ ઉઠવા પામી છે. એસ.સી અને એસ.ટીની ખાલી બેઠકો પર એસસી અને એસટી ઉમેદવારોને જ અરસપરસ પ્રવેશ આપવાની જોગવાઇ કરતો ખુદ રાજય સરકારનો પરિપત્ર હોવાછતાં તેનું અમલીકરણ થઇ રહ્યું નહી હોવાથી આવા ઉમેદવારોમાં પ્રવેશમાં થઇ રહેલા અન્યાયને લઇ ભારે નારાજગી પ્રવર્તી રહી છે. આ મામલે એડમીશન કમીટીના ચેરમેનને એક આવેદનપત્ર પણ સુપ્રત કરાયું છે અને સરકારના ઉપરોકત પરિપત્રનું તાત્કાલિક અસરથી અમલીકરણ કરવા માંગણી કરવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ ગ્રેજયુએટ્સ મેડિકલ કોર્સ દ્વારા પીજી મેડિકલ કોર્સની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે. જો કે, આ પ્રવેશ પ્રક્રિયામાં એસસી અને એસટીના ઉમેદવારોને પ્રવેશમાં અન્યાય થઇ રહ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. ખુદ રાજય સરકારના તા.૨૪-૧૦-૨૦૧૬ના પરિપત્ર મુજબ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારોની ખાલી બેઠકો પર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને જ અરસપરસ પ્રવેશ આપવાની સ્પષ્ટ જોગવાઇ કરાયેલી છે. ઉપરાંત, જો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ નિયત પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ ના થાય તો રાષ્ટ્રીયકક્ષાના વર્તમાનપત્રમાં જાહેરાત આફવાની હોય છે પરંતુ હજુુ સુધી એડમીશન કમીટી તરફથી હજુ સુધી આ પ્રકારની કોઇ કાર્યવાહી થયાનું જણાતું નથી. આ સમગ્ર મામલે વિદ્યાર્થી વાલી મહામંડળના પ્રુમખ ડો.રાજેન્દ્ર જાદવે એડમીશન કમીટીના ચેરમેનને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. જેમાં એવી માંગણી કરાઇ છે કે, રાજય સરકારના અનામત નીતિ અંગેના પરિપત્રનું ચુસ્તપણે પાલન કરવામાં આવે અને પીજી મેડિકલ કોર્સની પ્રવેશ કાર્યવાહીમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની ખાલી જગ્યા પર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાનજાતિના વિદ્યાર્થીઓને અરસપરસ પ્રવેશ આપવાની કાર્યવાહી કરવામાં આવે. પરિપત્રનું પાલન નહી કરવાથી અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને કેટલી બેઠકો પર નુકસાન થશે તેનો અંદાજ પણ સત્તાવાળાને જણાવવામાં આવ્યો હતો.

 (07:22 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS