Samachar Gujarat

News of Friday, 19th May, 2017

સાબરમતી રિવરફ્રન્ટની પોલંપોલઃ બધી લિફટ માત્ર VIP માટે?:નાગરીકો માટે નો એન્ટ્રી...

સાબરમતી રિવરફ્રન્ટની પોલંપોલઃ બધી લિફટ માત્ર VIP માટે?:નાગરીકો માટે નો એન્ટ્રી...

   

   અમદાવાદ : કરોડોના ખર્ચે ડેવલોપ કરવામાં આવેલા સાબરમતી રિવરફ્રન્ટનો નજારો બહારથી ગમે તેટલો અદ્ભુત લાગતો હોય પરંતુ અંદરની પોલંપોલની ચાડી ખાતી ૮ લિફટ ઘણું બધુ કહી જાય છે. ઉનાળાના વેકેશનમાં રીવરફ્રન્ટની મજા માણવા માટે અમદાવાદીઓ તેમજ ટૂરિસ્ટ આવી રહ્યા છે, તેવામાં સિનિયર સિટીઝન, દિવ્યાંગ તેમજ ગર્ભવતી મહિલાઓ માટે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ લિફટ ચાલુ હાલતમાં છે પરંતુ મુલાકાતીઓ ઉપયોગ કરી શકતા નથી.           સાબરમતી રિવરફ્રન્ટ પૂર્વ અને પશ્વિમમાં સિનિયર સિટીઝન, દિવ્યાંગ તેમજ ગર્ભવતી મહિલાઓને વોક વે પર જવા માટે કુલ ૮ લિફટ રૂ.૫ કરોડના ખર્ચે બનાવવામાં આવી છે. બે વર્ષ પહેલાં તમામ લિફટ બનાવી દેવામાં આવી હતી. જોકે છેલ્લા સાત આઠ મહિનાથી તમામ લિફટ બંધ છે. દિવ્યાંગ, સિનિયર સિટીઝન રીવરફ્રન્ટની મુલાકાત માટે આવે ત્યારે તેમને લિફટનો લાભ મળતો નથી. જેના કારણે વોક વે પર જવા માટે ૩૦ કરતાં પણ વધુ પગથિયાં ઊતરવાં પડે છે.

   ઉલ્લેખનીય છે કે રીવરફ્રન્ટ પર જયારે સરકારી કાર્યક્રમ હોય, નેતાઓ, અધિકારી કે મહાનુભવો આવવાના હોય કે પછી વિદેશથી આવેલા મહેમાનોને આકર્ષિત કરવાના હોય તેવા સંજોગોમાં લિફટ ચાલુ કરી દેવામાં આવે છે. જોકે સામાન્ય રીતે લિફટ બંધ હાલતમાં હોય છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર લિફટમાં કોઈ ટેકનિકલ ફોલ્ટ નથી તેમ છતાંય તેને બંધ રાખવામાં આવે છે. રીવરફ્રન્ટ પશ્વિમમાં જૂના વાડજથી પાલડી સુધીમાં ૪ લિફટ તેમજ પૂર્વમાં શાહીબાગ ડફનાળાથી જમાલપુર સુધી ૪ લિફટ આવેલી છે.

   રીવરફ્રન્ટ પશ્વિમમાં આવેલ વલ્લભસદન પાસે દરરોજ હજારો લોકો રીવરફ્રન્ટમાં બોટિંગની મજા માણવા માટે તેમજ ફરવા માટે આવે છે ત્યારે શાહીબાગ ખાતે આવેલા રીવરફ્રન્ટના ગાર્ડનમાં હજારો લોકો ફરવા માટે આવે છે. જેમાં સિનિયર સિટીઝન અને દિવ્યાંગ પણ હોય છે. તેઓ વોક વે પર જવા માટે લિફટનો ઉપયોગ કરી શકતા નથી. રીવરફ્રન્ટ પર ઇન્સ્ટોલ કરવામાં આવેલી એક લિફટ પાછળ રૂ.૬પ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ સિવાય તમામ લિફટમાં કોઈ લિફટમેન પણ રાખવામાં આવ્યો નથી ત્યારે જો કોઇ વ્યકિત લિફટનો ઉપયોગ કરવા માટે આવે તો સિકયોરિટી ગાર્ડ તેમને ભગાડી મૂકે છે.

   લાઇટ વિભાગના ડેપ્યુટી સિટી ઇજનેર વાય.યુ. પ્રભાકરે જણાવ્યું હતું કે રીવરફ્રન્ટમાં આઠ લિફટ લગાવવામાં આવેલી છે જે ચાલુ હાલતમાં છે. રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટના ડેપ્યુટી જનરલ મેનેજર વિનોદભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે લિફટના મેન્ટેનન્સનું કામ લાઇટ વિભાગ સંભાળે છે જરૂરિયાત મુજબ તેને ચાલુ કરવામાં આવે છે જયારે સરકારી કાર્યક્રમો હોય ત્યારે તમામ લિફટ શરૂ કરી દેવામાં આવે છે. લિફટ ચાલુ હોવાના મામલે કોર્પોરેશનના લાઈટ વિભાગ તેમજ રિવરફ્રન્ટ પ્રોજેકટના અધિકારીઓ એકબીજા પર દોષનો ટોપલો ઠાલવી રહ્યા છે. (૨૪.૬)

   

 (04:00 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS