Samachar Gujarat

News of Friday, 19th May, 2017

કોંગી ધારાસભ્યોના 'ઉઘડી' ગ્યા 'મોંઘેરા' વડીલોના ફોન ધણધણ્યા !

અત્યાર સુધી સરેઆમ અવગણના, હવે કંઈ પણ હોય તો કે'જો !!

   રાજકોટ, તા. ૧૯ :. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના એક હોદેદારથી ૭૦ થી ૮૦ ટકા ધારાસભ્યો નારાજ હોવાના અહેવાલો વચ્ચે ભૂલચુક માફ સહિતની વાતો સાથે મનામણા શરૂ થયા છે. એમ કહેવાય છે કે ડઝનેક ધારાસભ્યોને તેમના જ વિસ્તારના 'અણમાનીતા' બનાવી દેવાયા હતા. સરેઆમ અવગણના થતી પરંતુ ગઈકાલથી આવા કોંગી ધારાસભ્યોના 'ઉઘડી' ગયા છે. ટોચના મહાનુભાવોના મોંઘેરા ફોન શરૂ થયાનુ અને કંઈ પણ હોય તો કહેજો જેવા મનામણા શરૂ થયાનું ચર્ચાય છે.

   એમ કહેવાય છે કે ડઝનેક ધારાસભ્યોને પ્રદેશ લેવલથી જ દાદ મળતી ન હતી અમુક લોકો પાસે મોટી જવાબદારીઓ સોંપવામાં આવી હતી, પરંતુ આમ છતા સાવ કોરાણે મુકી દેવાના હોય તેવા વર્તાવ થતા હતા પરિણામે આવા ધારાસભ્યો મનમાં રોષ સાથે છાનાખૂણે બેસી ગયાનું અથવા તો પ્રદેશ કે વિધાનસભા કાર્યાલયમાં જવાનું જ બંધ કરી દીધુ હતું.

   ઘણા ધારાસભ્યોને તેમના જ વિસ્તારમાં સંગઠન સહિતની બાબતો તથા ધારાસભ્યોની સામે કે ચૂંટણીઓમા ગેરશિસ્ત કરીને હેરાન કરનારાઓની સામે પગલાઓ લેવાના બદલે પ્રોત્સાહનો અપાતા હતા આવી સંખ્યાબંધ બાબતોના કારણે ધારાસભ્યોમાં અસંતોષ ભભૂકી રહ્યો હોવાનું જાણવા મળે છે.

   છેલ્લા થોડા દિવસથી બાપુએ આડકતરો 'ધોકો' પછાડતા તથા રાજ્યસભાની ચૂંટણીઓ નજીક આવતા જ્યારે ધારાસભ્યો ઉપર જવાબદાર અને વરીષ્ઠ આગેવાનોના ફોન શરૂ થયા ત્યારે આ બધા ઉકળાટનો સામનો ફોન પર તેઓએ કરવો પડયાનું મનાય છે.

   અમુક ધારાસભ્યોને તો તેમની વર્ષોથી કારકિર્દી દરમ્યાન પ્રથમવાર ફોન આવ્યાનુ મનાય છે તો અમુક ને હવે ટોેચ કક્ષાથી કેમ છો? કાંઈ હોય તો કહેજો એમ પૂછાતા જ રોષ અને પ્રશ્નોનો વરસાદ, અવગણનાનો રોષ વિગેરે વરસ્યાનું મનાય છે.

   અમુક બટકબોલા ધારાસભ્યો એ તો પ્રદેશ નેતાગીરીને મોઢામોઢ સુણાવ્યાનુ પણ કાર્યકરોમાં ચર્ચા છે.

 (03:54 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS