Samachar Gujarat

News of Friday, 19th May, 2017

મોચી જ્ઞાતિ એટ્રોસીટી એકટ હેઠળ આવી શકે નહીં

કોર્ટે એટ્રોસિટીની કલમ દૂર કરીઃ ફરિયાદ અને દસ્તાવેજ નીચલી કોર્ટમાં ટ્રાન્સફર કરવા સેશન્સ કોર્ટનો આદેશ

   અમદાવાદ તા. ૧૯ : એટ્રોસિટી એકટ હેઠળ નરોડા પોલીસે નોંધેલી ફરિયાદ સ્પે. કોર્ટના જજ યુ.એમ.ભટ્ટે એટ્રોસિટીની કલમ દૂર કરવા આદેશ કર્યો છે. આ સાથે જ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, તથ્યો અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા સ્પષ્ટ થાય છે કે ફરિયાદી મોચી જ્ઞાતીનો છે અને રાજસ્થાન સ્ટેટ સત્ત્ાવાળાઓ દ્વારા આપવામાં આવેલા જાતિનું પ્રમાણપત્ર ફરિયાદી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. જેથી તે સ્પષ્ટ થાય છે કે ફરિયાદી રાજસ્થાનનો છે ગુજરાતનો નહીં. આ ઉપરાંત રજૂ થયેલા વિવિધ દસ્તાવેજ જોતા મોચી જ્ઞાતિના ગુજરાતમાં ઓબીસીમાં સમાવેશ તથા ફરિયાદીને અપાયેલું વળતર અને અન્ય રાજયોના ગુજરાતમાં વસતા એસસી-એસટી સમુદાયના ભોગ બનેલા લોકોને વળતર આપવાનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટના ૧૯૯૫ના એક ચુકાદા મુજબ કોઈ એક રાજયમાં અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિમાં આવતી વ્યકિત તેના એક માત્ર આધારે અન્ય રાજયમાં આવા દરજ્જાની માગ કરી શકે નહીં. ત્યારે એટ્રોસિટી એકટની કલમ ૧૪ મુજબ સ્પે. કોર્ટને મળેલી સત્ત્ા મુજબ આ કેસમાં એટ્રોસિટી એકટની કલમ લાગે નહીં. તેથી કેસ નીચલી કોર્ટમાં ટ્રાસન્ફર કરવામાં આવે છે.

   સૈજપુર ખાતે રહેતા કાનારામ ડાભીએ નરોડા પોલીસ મથકમાં તેમના જ વિસ્તારમાં રહેતા ગીરીશભાઇ ઓઢવીયા, ઇન્દુબહેન ઓઢવી અને દર્શિલ ઓઢવીયયા સામે મારા મારી, ગાળો આપવી અને એટ્રોસિટી એકટ મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં એવો આરોપ મુકયો હતો કે, ગીરીશભાઇએ નવી ગાડી ખરીદી હતી. ૭ માર્ચ ૨૦૧૫ના રોજ ગાડી હટાવવા માટે કાનારામે રજૂઆત કરી હતી ત્યારે ગીરીશભાઇએ જણાવ્યું હતું કે, દસ વર્ષથી ગાડી પાર્ક કરું છું અને કોઇની માલીકીની નથી.

   આ ઉપરાંત બિભત્સ ગાળો આપી જાતિ વિષયક શબ્દો ઉચ્ચાર્યા હતા.આ ફરિયાદ બાદ નરોડા પોલીસે ૨૧ માર્ચના રોજ ગીરીશભાઇ તેમની પત્ની અને દિકરાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતાં. આ કેસમાં ઇન્ચાર્જ એસીપી આર.બી.પટેલે ૩ એપ્રિલના રોજ તમામ સામે ચાર્જશીટ કરી પુરાવા સ્પે. કોર્ટમાં રજૂ કર્યા હતા. પુરાવામાં ફરિયાદીએ રજૂ કરેલ મોચી જ્ઞાતીનું એસ.સી.નું પ્રમાણ રાજસ્થાનનું હોવાનુ ફલિત થયું હતું.

   જેથી આ મામલે એડવોકેટ અયાઝ શેખે કોર્ટમાં એટ્રોસિટીની કલમ લાગે નહીં અને કેસ નીચલી કોર્ટમાં ટ્રાન્સફર કરવો જોઇએ તેવી દાદ સાથે અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, ફરિયાદી રાજસ્થાનના વતની હોવાનુ ફલિત થાય છે, તેમને રજૂ કરેલ અનુસુચિત જાતીનો દાખલો રાજસ્થાનનો છે. મોચી જ્ઞાતી ગુજરાતમાં ઓબીસીમાં સમાવેશ થાય છે અને તેઓ એટ્રોસિટી એકટ લાગુ પડે નહીં અને તેઓ રાજસ્થાનના જ વતની હોવાથી આ એકટની કલમ લાગુ પડે નહીં.

   જો કે, ફરિયાદીએ એવી રજૂઆત કરી હતી કે, મોચી જ્ઞાતી દલિત તરીકે સામેલ થાય છે અને તે અંગે રાજય સરકાર સહિતના ઠરાવો છે.

   વળતર પેટે લીધેલા ૧૫ હજાર પણ પરત કરવા પડે

   નિયમ મુજબ આ કેસમાં વળતર પેટે ૧૫૦૦૦નો ચેક સરકારે ફરિયાદીને આપ્યો હતો. ત્યારે હવે કોર્ટે આ કેસમાં એટ્રોસિટી એકટની કલમ લાગતી ન હોવાથી કેસ નીચલી અદાલતમાં ટ્રાન્સફર કર્યો છે. તેથી તેમણે સરકાર પાસેથી લીધેલા પૈસા પણ ખોટી રીતે જ લીધા હોવાનુ પ્રસ્થાપિત થાય છે તેથી તે પૈસા પણ પરત કરવા પડે.

 (09:52 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS