Samachar Saurashtra

News of Monday, 17th July, 2017

ધ્રોલના જાયવામાં ૩II કલાકમાં સાંબેલાધારે વધુ છ ઇંચ

વહેલી સવારે છ વાગ્યે ઝરમર બાદ ૭ વાગ્યાથી પુનઃ પકડયો વેગઃ ચોતરફ પાણી-પાણી : નાના-મોટા વાગુદડ, સુધાઘુના, ઇટાળા, ખારવા, બીજલકા, કરાંભડી, ધરમપુર, ખજુરડી સહિતના ગ્રામ્ય પંથકમાં પણ મેઘમહેરથી ખુશીનું મોજુ : ...ગામના વડલા પાસેના ઓટાએ પાણી ચડી જતા એક તબક્કે સૌને પાણી ઘુસી : જવાની ભીતી સતાવી'તી પણ વરસાદનું જોર ઘટતાની સાથે જ સૌ 'સારા વાના' થઇ ગયા : જાયવામાં મોસમનો ૪૦થી ૪૫ ઇંચ વરસ્યો...લોક હૈયે હરખ નથી માતો

   રાજકોટ, તા., ૧૭: સૌરાષ્ટ્રમાં ત્રણ-ચાર દિવસથી મેઘમહેરને પગલે ચોતરફ પાણી-પાણી થઇ જતાની સાથે જ લોકોમાં હરખની હેલી ઉઠી છે. તેવી જ રીતે ધ્રોલના જાયવા ગામે પણ આજે સવારે ૩II કલાકના ગાળામાં જ સાંબેલાધારે વધુ ૬ ઇંચ વરસાદ વરસી જતા નદી-નાળા ફરીથી બેકાંઠે હિલોળા લઇ રહયા છે. માંગ્યા મેહ વરસતા લોકહૈયે હરખ સમાતો નથી.

   વિગત મુજબ ધ્રોલના જાયવા ગામે ત્રણેક દિવસ પહેલા ધોધમાર વરસાદ બાદ ગઇકાલે રવિવારે પણ ઝાપટારૂપે વરસ્યો હતો. આખી રાત પોરો ખાધા પછી આજે સવારે ૬ વાગ્યે ઝરમર ચાલુ થયાના એકાદ કલાક પછી ૭ વાગ્યા આસપાસ પુનઃ ધમધોકાર વરસવા લાગતા ૧૦II સુધીમાં  ૩II કલાકના ગાળા દરમિયાન વધુ ૬ ઇંચ જેટલો ખાબકી જતા જયાં નજર નાંખો ત્યાં પાણી-પાણી થઇ ગયા છે. સાંબેલાધાર વરસાદને પગલે ગામની નદી-નાળા ફરીથી બેકાંઠે વહેવા લાગ્યા છે.

   વહેલી સવારના પહોરમાં જ મેઘરાજા મહેમાન બનીને આવતાની સાથે ધોધમાર માત્રાને પગલે ચારેકોર જળબંબાકારની સ્થિતિ વચ્ચે ગામના પાદરમાં આવેલા વડલાની ઓટાએ પાણી ચડી જતા એક તબક્કે સૌને ગામમાં પાણી ઘુસી જશે તેવી ભીતી મનોમન સતાવવા લાગી હતી. પરંતુ કુદરતની દયા થતા જ વરસાદનું જોર ઘટયા બાદ પાણી ઓરસવા લાગતા સૌ સારા વાના થઇ જવાથી સૌએ હાશકારો અનુભવ્યો હતો.

   જાણે આ વર્ષે મેઘરાજા જાયવા પંથક ઉપર મહેરબાન થઇ ગયા હોય તેમ અંદાજે ર થી ૩ વખત અવિરત હેત વરસાવી દીધા બાદ આજે સવારે પણ ધોધમાર ૬ ઇંચ જેટલુ પાણી વરસાવી દેતા મોસમ દરમિયાન સતત ૪ થી પ મી વખત નદી બેકાંઠે વહેવા લાગી હતી. મેઘમહેરને પગલે ખેડુતો, માલધારીઓ સહિત  તમામ લોકોમાં ખુશીનો પાર રહયો નથી.

   અત્રે નોંધનીય છે કે જાયવા નજીકના નાના-મોટા વાગુદડ, સુધાઘુના, ઇટાળા, ખારવા, બીજલકા, કરાંભડી, ધરમપુર અને ખજુરડી સહીતના ગ્રામ્ય પંથકમાં પણ અંદાજીત ર થી  ૩ ઇંચ જેટલો વરસાદ વરસી જતા ખુશીનું મોજુ પ્રસરી વળ્યું છે. આ લખાય છે ત્યારે ૧૧.૧પ કલાકે પણ ધીમીધારે વરસાદ વરસી રહયો છે.

 (04:06 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS