Samachar Saurashtra

News of Monday, 17th July, 2017

નવ - નવ મુમુક્ષુ આત્માઓનું સંપ્રદાયનાં ગાદીના ગામ ગોંડલમાં સન્માન

જેતપુર તપસ્વીજીની ઓરડી ખાતે મુમુક્ષુ આત્માઓએ 'જય-માણેકની જોડી કર્મ નાખે તોડી'ની જપ સાધના કરી ભાવ વિભોર બન્યા : તપસમ્રાટ તીર્થ ભૂમિ (સાત હનુમાન) ખાતે ભકિતમાં ભાવિકો તરબોળ બન્યા

નવ - નવ મુમુક્ષુ આત્માઓનું સંપ્રદાયનાં ગાદીના ગામ ગોંડલમાં સન્માન

      રાજકોટ, તા. ૧૭ : આગામી તા. ૪-૨-૨૦૧૮ના પાવન અને પવિત્ર દિવસે અમદાવાદની પૂણ્ય ભૂમિ ઉપર ગોંડલ સંપ્રદાયના રાષ્ટ્રસંત પૂ. ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ સમીપે એક સાથે નવ મુમુક્ષુ બહેનો સંયમ માર્ગનો સ્વીકાર કરવા થનગની રહ્યા છે. મુમુક્ષુ સલોનીબેન બકુલભાઈ પારેખ, મુમુક્ષુ ચાર્મીબેન જીતેન્દ્રભાઈ કામદાર, મુમુક્ષુ અંકિતાબેન દિનેશભાઈ વોરા, મુમુક્ષુ પરીધીબેન મિલનભાઈ મહેતા, મુમુક્ષુ હેતબેન ભુપેનભાઈ મહેતા, મુમુક્ષુ પ્રિયલબેન હર્ષદભાઈ બેલાણી, મુમુક્ષુ દિવ્યાબેન લલીતભાઈ સોલંકી, મુમુક્ષુ છાયાબેન દિનેશભાઈ કક્કા, મુમુક્ષુ વીરાંશીબેન દિલેશભાઈ ભાયાણી.

      આ નવ - નવ મુમુક્ષુ આત્માઓ પરાપૂર્વ અને વર્ષોની પરંપરા અનુસાર ડુંગરદાદાના દરબારમાં ગોંડલ સંપ્રદાયનાં ગાદીના નામ ગોંડલ મુકામે તા. ૧૬ના શુભ દિવસે ગોંડલ સંપ્રદાયની અનુજ્ઞા વિધિ માટે પધારેલ. આ નવે નવ મુમુક્ષુ આત્માઓની ભવ્ય સંયમ અનુમોદના શોભાયાત્રાનો શુભારંભ પ્રભુ મહાવીર એવમ સંયમી આત્માઓના જય-જયકાર સાથે થયો હતો બેનાણી વાડીથી શહેરના રાજ માર્ગો ઉપર જયનાદ સાથે પસાર થઈ આચાર્ય દેવ પૂ. ડુંગરસિંહજી માર્ગ, નાની બજાર થઈ ગાદીના ઉપાશ્રય ખાતે સંયમ અનુમોદના સભામાં પરિવર્તિત થયેલ. સમારોહ મધ્યે ગોંડલ સંઘ - સંપ્રદાય, રાજવી પરીવાર તથા ગોંડલ શહેરની અઢારે આલમ મુમુક્ષુ આત્માઓનું રજવાડી અને શાહી સન્માન કરી અભિવાદન કરેલ.

      ગોંડલ સંપ્રદાયના પ્રમુખ પ્રવિણભાઈ કોઠારીએ ઉપસ્થિત દરેકનું ભાવથી સ્વાગત કરેલ. સંયમ અનુમોદનાના અણમુલા અવસરે ગોંડલ નગર પાલિકાના કારોબારી ચેરમેન તથા પૂર્વે પ્રમુખ પૃથ્વીસિંહ જાડેજા, નાગરીક બેંકના ચેરમેન યતીશભાઈ દેસાઈ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહેલ. ગોંડલ સંપ્રદાય વતી પ્રવિણભાઈ કોઠારી, ચંદ્રકાંતભાઈ શેઠ, ઈશ્વરભાઈ દોશીએ મુમુક્ષુ આત્માઓને સહર્ષ સંયમ અનુજ્ઞા આપી શુભેચ્છા સહ અભિનંદન પાઠવેલ. સમગ્ર સૌરાષ્ટ્રના સંઘો વતી જેતપુર સંઘના વિનુભાઈ કામાણીએ પ્રસંગોચિત વકતવ્ય આપેલ. ગોંડલ શહેરનાં ગોંડલ નવાગઢ સંઘ, સંઘાણી સંઘ, તપગચ્છ સંઘ, લોકાગચ્છ સંઘ, દિગંબર સંઘ સહિત પાંચેય સંઘોએ રજત શ્રીફળ અર્પણ કરી અભિવાદન કરવામાં આવેલ. ભાવેશભાઈ શેઠ, સંજયભાઈ શેઠ, દિનેશભાઈ દોશી, કૌશિકભાઈ વિરાણી, પરેશભાઈ સંઘાણી, સુશીલભાઈ ગોડા, ભરતભાઈ દોશી, ઉપેનભાઈ મોદી, મેહુલભાઈ દામાણી, મિલનભાઈ મીઠાણી, સેજલભાઈ કોઠારી, જગદીશભાઈ શેઠ, હિતેશભાઈ મણીયાર, કમલેશભાઈ મોદી, નરેન્દ્રભાઈ દોશી, અલ્પેશભાઈ મોદી, સચીનભાઈ વાલાણી, તુષારભાઈ મહેતા, મનોજભાઈ ડેલીવાળા સહિત વિશાળ સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહી શોભામાં અભિવૃદ્ધ કરેલ.

      ગોંડલમાં બિરાજમાન પૂ. શ્રી ધર્મીલાબાઈ મ. આદિ તથા સંઘાણી સંપ્રદાયના પૂ. શ્રી સતી વૃંદ એવમ્ મૂર્તિપૂજક સમુદાયના પૂ. શ્રી સાધ્વીજીઓ ઉપસ્થિત રહી મુમુક્ષુઓને હિત શિક્ષા આપેલ. પૂ. શ્રી મહાસતીજીઓએ પોતાના મનનીય પ્રવચનમાં જણાવ્યુ કે સંયમ અંગીકાર કરી સંપ્રદાય અને જીનશાસનનું ગૌરવ વધારજો.

      ગોંડલ સંપ્રદાયનાં પ્રમુખ પ્રવિણભાઈ કોઠારીએ પોતાના ભાવો દર્શાવતા કહ્યું કે તપસમ્રાટ ગુરૂદેવ પૂજય શ્રી રતિલાલજી મહારાજ સાહેબે કુલ ૧૪૫ આત્માઓને સંયમ ધર્મના દાન આપેલા, તેના પગલે પગલે ચાલી રહેલા રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ પણ આ આંકથી આગળ નીકળી અનેકો અનેક આત્માઓને તારી તારણહાર બને તેવી શુભ ભાવના.

      સંયમ અનુમોદના સમારોહમાં સંયમની અનુમોદનાના ગગનભેદી નારાઓ ગુરૂની આજ્ઞા પાળશે કોણ? દીક્ષાર્થી... દીક્ષાર્થી, ગુરૂકુળને શોભાવશે કોણ? પંચ મહાવ્રત લેશે કોણ? જેવા નારાઓથી સમગ્ર ગોંડલ ગુંજી અને ગાજી ઉઠેલ. સાંજે ભકિતમાં પણ ભાવિકો ઉત્સાહ સભર બોલતા હતા. પ્રભુ તમારા પગલે પા... પા... પગલી માંડી છે.

      સવારની નવકારશીનો લાભ સ્વ. શ્રી તારાબેન શાંતિલાલ પારેખ પરિવારે લીધેલ તથા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાધર્મિક ભકિત - સંઘ જમણનો લાભ અનિલભાઈ ઉનડકટ પરિવારે લીધેલ.

      ગોંડલમાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુમુક્ષુ આત્માઓ જેતપુર પૂજયશ્રી જય - માણેક તપસ્વી ગુરૂ ભગવંતની ઓરડી ખાતે જપ સાધના કરી ભાવ વિભોર બનેલ. જેતપુરમાં બિરાજમાન જશ પરીવારના પૂ. શ્રી હર્ષિદાબાઈ મ. આદિ સતીવૃંદના દર્શન કરી ધન્યતા અનુભવેલ. પૂ. શ્રી હર્ષિદાબાઈ મ.એ કહ્યું કે એક સાથે નવ - નવ આત્માઓ સંયમ ધર્મનો સ્વીકાર કરી સંપ્રદાયમાં આવી રહ્યા છે તે જાણી અત્યંત હર્ષ થાય છે. સંયમ અંગીકાર કરી ગુરૂજ્ઞા - જીનજ્ઞાનું પાલન કરી સ્વ-પરનું કલ્યાણ કરજો.

      મુમુક્ષુઓએ સંયમ મહોત્સવમાં આવવા સૌને નિમંત્રણ પાઠવેલ. જેતપુર સંઘે મુમુક્ષુઓનું બહુમાન કરેલ.  સાંજે સાત કલાકે મુમુક્ષુ આત્માઓની પ્રેરક ઉપસ્થિતિમાં તપસમ્રાટ તીર્થ ભૂમિ, સાત હનુમાન, રાજકોટ ખાતે ભકિતનું સુંદર આયોજન કરવામાં આવેલ. વૈરાગ્યસભર માહોલમાં સૌ ભાવિકો આત્મ ઓતપ્રતો બની ગયેલ. ભાવિકોએ સંયમ માર્ગની અનુમોદના કરી સાર્થક કરેલ. સંયમી આત્માઓનું રાજા - મહારાજા તો ઠીક મેઘરાજાએ પણ ખમૈયા કરી સૌને શાતા ઉપજાવી.

 (12:44 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS