Samachar Saurashtra

News of Monday, 17th July, 2017

મોરબી જિલ્લામાં ફરી ૨૪ કલાક સુધી ઇન્ટરનેટ સેવા 'ઠપ્પ' કરાઇ

હળવદ જુથ અથડામણ પ્રકરણે સાવચેતીના પગલારૂપેઃ આજે પણ મૃતદેહ ન સ્વીકારાયોઃ સમાધાનના પ્રયાસો

   મોરબી તા. ૧૭ : મોરબી જીલ્લાના હળવદ ખાતે થયેલી જૂથ અથડામણમાં બે લોથ ઢળ્યા બાદ હજુ મામલો શાંત પડ્યો ના પડ્યો જેવો હતો ત્યારે રવિવારે અમદાવાદમાં સારવાર હેઠળ રખાયેલા ભરવાડ આધેડનું મોત થતા ફરીથી મામલો ના બિચકે તેવા હેતુથી મોરબીમાં ૨૪ કલાક માટે નેટ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.

   મળતી વિગતો મુજબ હળવદમાં ત્રણ દિવસ પૂર્વે થયેલી જૂથ અથડામણમાં બે ભરવાડના તે જ દિવસે મોત થયા હતા જયારે અન્ય કેટલાક ગંભીર રીતે ઘવાયા હતા જે ઈજાગ્રસ્તોને સુરેન્દ્રનગર તથા અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેમાં આજે અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન ખેતાભાઇ ભરવાડ નામના આધેડનું મોત નીપજયું હતું જેના પગલે અમદાવાદ સિવિલમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ભરવાડ સમાજના ટોળા એકત્ર થયા હતા. ત્યારે મોરબી જીલ્લામાં ફરીથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેવા હેતુથી મોરબી જીલ્લા કલેકટર આઈ.કે.પટેલ દ્વારા રવિવારે બપોરે ૨ વાગ્યાથી સોમવારે બપોરે ૨ સુધી ૨૪ કલાક માટે ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હળવદ જૂથ અથડામણ બાદ શનિવારે રાત્રીના મોરબી પોલીસે જામનગરના ૧૨ આરોપીની અટકાયત કરી હતી જોકે રવિવારે ભરવાડ આધેડે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો જેથી ફરીથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.

 (12:08 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS