Samachar Rajkot

News of Monday, 17th July, 2017

ત્રંબા-કસ્તુરધામ ખાતેના પૌરાણિક ત્રંબકેશ્વર મહાદેવ અને ત્રિવેણી સંગમ ઘાટનો પવિત્ર તીર્થધામ તરીકે વિકાસ કરાશે

સિધ્ધપુર-પાટણ અને પ્રભાસપાટણના પિતૃતર્પણ ઘાટ તરીકે આ તીર્થધામનું નમૂનેદાર ઉત્કૃષ્ટ નિર્માણ થશે : રાજુભાઇ ધ્રુવ : વનવાસકાળ દરમિયાન પાંડવોએ અહિં રાત્રી રોકાણ કર્યુ'તુ, ત્રંબકેશ્વર મહાદેવ શિવલીંગની સ્થાપના કરી હતી : આજી, બાંડીયો અને ગુપ્ત સરસ્વતી નદીઓનું સંગમ થાય છે : ઋષિપાંચમે સેંકડો ભાવિકો આવે છે

ત્રંબા-કસ્તુરધામ ખાતેના પૌરાણિક ત્રંબકેશ્વર મહાદેવ અને ત્રિવેણી સંગમ ઘાટનો પવિત્ર તીર્થધામ તરીકે વિકાસ કરાશે

   રાજકોટ, તા. ૧૭ : ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ શ્રી રાજુભાઇ ધ્રુવએ રાજકોટનાં આજી ડેમ પાસે આવેલા ત્રંબા ખાતે પૌરાણિક ત્રંબકેશ્વર મહાદેવ અને ત્રિવેણી સંગમ સ્થળની મુલાકાત દરમિયાન જણાવ્યુ હતું કે, ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ પૌરાણિક ત્રંબકેશ્વર મહાદેવ મંદિર અને ત્રિવેણી સંગમ નદીના દ્યાટનો પિતૃતર્પણ ઘાટનાં પવિત્ર યાત્રાધામ તરીકે વિકાસ કરશે. રાજકોટ તાલુકાના આજી ડેમ પાસે ત્રંબાગામ ખાતે પૌરાણિક ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. પૌરાણિક ધાર્મિક માન્યતા મુજબ પાંડવોએ તેમના વનવાસના કાર્યકાળ દરમિયાન અહીં રાત્રિ રોકાણ કર્યું હતું અને ત્રંબકેશ્વર મહાદેવની શીવલીંગની સ્થાપના કરી હતી. અહીં આજી, બાંડીયો અને ગુપ્ત સરસ્વતી નદીઓનું પવિત્ર સંગમ થાય છે. રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરીયાની પૌરાણિક ધર્મસ્થળના વિકાસની વિશેષ રજૂઆતને ધ્યાનમાં લઈ આ સ્થળનાં વિકાસના કામો હાથ ધરવામાં આવશે.

   આ પૌરાણિક સ્થળનાં ત્રિવેણી સંગમ ઘાટ પર દર વર્ષે ભાદરવી અમાસના દિવસે રાજકોટ અને આજુબાજુના જિલ્લાઓમાંથી એક લાખ જેટલી મહિલાઓ પિતૃતર્પણ અર્થે સ્નાન કરવામાં આવે છે. આ મહિલાઓને ત્રંબકેશ્વર મહાદેવ મંદિરમાં મોટું રસોડુ કરીને પ્રસાદ-જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે. આજ રીતે ભાદરવી ઋષિપાંચમ દિવસે પણ એકાદ લાખ જેટલી બહેનો પિતૃઓના મોક્ષાર્થે પૂજા-અર્ચના કરે છે અને ત્રંબકેશ્વર મહાદેવ ખાતે સામૂહિક ફરાળ લે છે. અમાસના દિવસે આખું ત્રંબા ગામ અહીં સામૂહિક રીતે સાથે બેસીને પ્રસાદ લે છે. આ બંને દિવસે અહીં લોકમેળો ભરાય છે. જેમાં આસપાસના વિસ્તારમાંથી મોટી લોકો સંખ્યામાં ઉમટી પડે છે. આમ, આ પૌરાણિક ધાર્મિક સ્થળની મહત્ત્ાને ધ્યાનમાં લઈને ભાવિકો-યાત્રિકોની પ્રાથમિક સુખ-સુવિધા માટે અને આ વિસ્તારના વિકાસ માટે ત્રિવેણી સંગમ ખાતે આવેલ બંને કોઝવેને ઊંચા લઇને પાઇપ મૂકવા તથા રેલિંગ બનાવવા, પિતૃકાર્ય માટે સ્નાન કરવા આવતી માતા-બહેનોઓને વસ્ત્ર માટે ચેન્જ રૂમ, શૌચાલયો, બંને કિનારે ઘાટનું બાંધકામ (સંરક્ષણ દિવાલ), પાર્કિંગ, ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ભાવિકજનોને જમવા માટે ભીજનાલય તથા છાયા માટે શેડ, ત્રંબા ગામથી ત્રિવેણી ઘાટ સુધી આવવા માટે બ્લોગ-પેવીંગ, સી.સી.રોડ બનાવવા, રિવર ફ્રટ પગથીયાં વિગેરેનો સમાવેશ થાય છે.

   મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજયના મોટા મંદિરોના વિકાસ કાર્યોની સાથોસાથ દૂરના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના નાના મંદિરોના દર્શનાર્થે આવતા પુરુષ મહિલા ભાવિકોની સુવિધાને કેન્દ્રસ્થાને રાખી ત્રંબકેશ્વ્રર ત્રિવેણી ઘાટનો સિદ્ધપૂર-પાટણ અને પ્રાભાસ પાટણની પ્રતિકૃતિરૂપે વિકાસ થાય તે માટે તાત્કાલિક નકશા-અંદાજો તૈયાર કરવામાં આવી રહ્યા છે. નજીકનાં સમયમાં વિકાસ કાર્યોનું ખાતમુહર્ત સાથે પ્રારંભ કરવાની નેમ છે. એવું રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું.

   ત્રંબા- કસ્તુરબાધામનો પવિત્ર યાત્રાધામ તરીકે વિકાસ થાય એ અંગે લાખો ભાવિકોની લોકલાગણીને ધ્યાને લઈ તાત્કાલિક દાખવેલા અંગત રસ અને ઝડપી નિર્ણય સાથે રાજુભાઈ ધ્રુવે વિકાસ સ્થળની પ્રત્યક્ષ મુલાકાત લેતા ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરીયાએ આનંદ સાથે આભાર વ્યકત કર્યો છે.

   આ પૌરાણિક સ્થળના વિકાસના સમાચારથી ત્રંબા ગામમાં ગ્રામજનોમાં આનંદની લાગણી વ્યાપેલ છે. જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે એ આ પૌરાણિક સ્થળના વિકાસમાં હકારાત્મક અભિગમ દાખવી તમામ સહકારની ખાત્રી આપી છે. આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ શ્રી વલ્લભભાઈ સખરેલીયા, ગામના સરપંચ શ્રી નીતિનભાઈ રૈયાણી, ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી પરમેશ્વર નિરંજનદેવ, ગામના આગેવાનોશ્રી, ગ્રામજનો તલાટીશ્રી ગોહિલ, ઈલેકટ્રોનિક મીડિયાનાં પ્રતિનિધિઓ, પૂર્વ ચીફ એન્જી. શ્રી રાજુભાઈ ભટ્ટ, ઓજસ હિરાણી, મિલીનભાઈ રામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 (04:30 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS