Samachar Rajkot

News of Monday, 17th July, 2017

પૂ. નમ્રમુનિ મ. સા.ની શરણમાં દિક્ષા લેનાર ૯ મુમુક્ષો રાજકોટમાં

રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ. સા. ની નિશ્રામાં આવતા વર્ષે મુમુક્ષો અમદાવાદમાં દીક્ષા ગ્રહણ કરશે : ગુરૂને શિષ્યની દૃષ્ટિએ જોવા જોઈએ, તો જ સંસારની માયાજાળમાંથી મુકિત મેળવી ભકિતના માર્ગે જઈ શકાય : ગુરૂ સાથે રહેવુ એટલે પાઠશાળા, હંમેશા કંઈક શીખવા મળે છે : ધર્મસાધના હૃદયથી કરો એટલે શાંતિનો અનુભવ થાય : આગામી ફેબ્રુઆરીમાં પૂ. ગુરૂદેવના મુખેથી દીક્ષામંત્ર ''કરેમી ભંતે''નો પાઠ ભણી મુમુક્ષો દીક્ષીત થશે : રીવરફ્રન્ટ ખાતે ભવ્ય સમારોહ : પૂ. ગુરૂદેવ નવેમ્બરમાં મુંબઈ પાવનધામ ખાતેથી ચાતુર્માસ પૂર્ણ કરી ગુજરાત વિહાર કરશે : વિજયભાઈ રૂપાણીને આમંત્રણ અપાયુ

પૂ. નમ્રમુનિ મ. સા.ની શરણમાં દિક્ષા લેનાર ૯ મુમુક્ષો રાજકોટમાં

   આગામી ફેબ્રુઆરીમાં પૂ. નમ્રમુનિના ચરણમાં દીક્ષા અંગીકાર કરનાર ૯ મુમુક્ષોએ ઉવસગ્ગહરં સાધના ભવન ખાતે પધરામણી કરી હતી. ઉપરની તસ્વીરમાં ૯ મુમુક્ષુઓ તથા નીચે ડાબેથી ચંદ્રકાંતભાઈ શેઠ, મોટા સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ દોશી, ગોંડલ સંપ્રદાયના પ્રમુખ પ્રવિણભાઈ કોઠારી, સુશીલભાઈ ગોડા, પ્રતાપભાઈ વોરા, દિલેશભાઈ ભાયાણી તથા નરેન્દ્રભાઈ દોશી સહિતના જૈન અગ્રણીઓ  હાજર રહ્યા હતા. (તસ્વીર : સંદિપ બગથરીયા)

   રાજકોટ, તા. ૧૭ : ગ્રેજ્યુએટ, ડબલ ગ્રેજ્યુએટ તો કોઈ આઈટી એન્જીનિયર બનેલા અતિ શિક્ષીત આત્માઓ આગામી તા. ૪-૨-૧૮ના શુભ દિવસે રાષ્ટ્રસંત પૂ. ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મ. સા. ના શ્રી મુખેથી દેવોને પણ દુર્લભ એવો ''દીક્ષામંત્ર - કરેમી ભંતે''નો પાઠ ભણી ''દીક્ષીત'' થશે. નવ - નવ મુમુક્ષુ આત્માઓ ઐતહાસિક સંયમ મહોત્સવ અમદાવાદની ધન્ય ધરા ઉપર શ્રી એલીસબ્રીજ સ્થા. જૈન સંઘ સંકલિત સમસ્ત અમદાવાદ જૈન સમાજના ઉપક્રમે અમદાવાદના રીવર ફ્રન્ટ ઉપર યોજાશે.

   દીક્ષા દાતા પૂ. ગુરૂદેવ નમ્રમુનિ મ. સા. મુંબઈ પાવનધામ ખાતેનું ચાતુર્માસ પરીપૂર્ણ કરી મુંબઈથી તા. ૯-૧૧ના ગુજરાત તરફ વિહાર કરશે અને લગભગ ૧૦-૧૨ના અમદાવાદની પૂર્ણ ભૂમિ ઉપર સંયમ મહોત્સવ ઉપલક્ષે નગર પ્રવેશ કરશે. અમદાવાદની પાવન ભૂમિ ખાતે સંયમ મહોત્સવમાં પધારવા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ તાજેતરમાં મુંબઈ ખાતે ધર્મ મહોત્સવમાં સૌ ધર્મ પ્રેમીઓને ઉપસ્થિત રહેવા આગોતરૂ નિમંત્રણ પાઠવેલ.

   પૂ. ગુરૂદેવના પાવન સાનિધ્યમાં અમદાવાદ ખાતે અનેક ધર્મભીના આયોજનો થશે.

   મુમુક્ષુઓનો પરિચય

   અંકિતાબેન દિલેશભાઈ વોરા - અભ્યાસ- બીકોમ, મુ. વડીયા, હાલ રાજકોટ.

   ચાર્મીબેન જીતેન્દ્રભાઈ કામદાર - અમદાવાદ - આઈટી, મુ. કાલાવડ, હાલ રાજકોટ.

   પરીધીબેન મીલનભાઈ મહેતા - અભ્યાસ - બીકોમ, મુ. અંજાર -  હાલ જરીયા.

   સલોનીબેન બકુલભાઈ પારેખ - અભ્યાસ- બીકોમ, મુ. માળીયાહાટીના - હાલ - આકોલા.

   પ્રિયલબેન હર્ષદભાઈ બેલાણી - અભ્યાસ - એમકોમ - મુ. લખતર - હાલ અમદાવાદ.

   છાયાબેન દિનેશભાઈ કક્કડ - અભ્યાસ- બીકોમ - મુ. બીદડા - હાલ મુંબઈ (મુમુક્ષુ).

   હેતબેન ભુપેનભાઈ મહેતા - અભ્યાસ - બીકોમ - મુ. માનકુવા કાઢી - હાલ કલકતા.

   દિવ્યાબેન લલીતભાઈ સોલંકી - અભ્યાસ - બીકોમ - મુ. બોધોલ (રાજસ્થાન), હાલ મુંબઈ - વિલેપાર્લે.

   વિરાંશીબેન દિનેશભાઈ ભાયાણી - અભ્યાસ એચએસસી - મુ. લાઠી - હાલ કાંદીવલી મુંબઈ.

   આ નવ મુમુક્ષુ બહેનોમાં કોઈ કાઠીવાડના છે તો કોઈ કચ્છના છે તો કોઈ રાજસ્થાનના છે તો કોઈ મહારાષ્ટ્રના છે તો અમુક બહેનો સૌરાષ્ટ્રના પણ છે.

   માત્ર સ્થાનકવાસી સમાજના છે જ દરેક મુમુક્ષુ છે એવુ નથી પરંતુ મૂર્તિપૂજક સમાજના એક દિકરી પણ સ્થાનકવાસી સમાજમાં સંયમ માર્ગનો સ્વીકાર કરી રહે છે.

   ગોંડલ સંપ્રદાયના પ્રમુખ પ્રવિણભાઈ કોઠારીએ જણાવ્યું કે નવ મુમુક્ષુ આત્માઓમાં ભાયાણી પરીવારની ચિ. વિરાંશી ણ છે. મુમુક્ષુ વિરાંશીબેનના સંયમ મહોત્સવ પછી ગોંડલ સંપ્રદાય અને જિન શાસનના ઈતિહાસમાં સોનેરી પૃષ્ઠ ઉમેરાશે.

   ભાયાણી પરીવારની ત્રણ પેઢી એટલે કે સૌપ્રથમ રાષ્ટ્રસંત પૂ. ગુરૂદેવ નમ્રમુનિ મ. સા. ની દીક્ષા ૧૦-૧-૯૧ના રાજકોટમાં થઈ ત્યારબાદ તેઓના રત્નકુક્ષિણી માતુશ્રી પુષ્પાબેન કનૈયાલાલ ભાયાણી હાલ પૂ. પ્રબોધિનીબાઈ મ. સ. તેઓની દીક્ષા ૩-૪-૯૭ વસઈ-મુંબઈ મુકામે થઈ અને હવે ત્રીજી પેઢી એટલે કે રાષ્ટ્રસંત પૂ. ગુરૂદેવ નમ્રમુનિ મ. સા. ના સંસારી મોટાભાઈ દિલેશભાઈ કનૈયાલાલ ભાયાણીની લાડકવાયી સુપુત્રી ચિ. વિરાંશીબેન ભાયાણીની દીક્ષા આગામી તા. ૪-૨-૧૮ના અમદાવાદ મુકામે થશે. એક સાથે ત્રણ - ત્રણ પેઢી જીન શાસનનું નામ ઉજ્જવળ કરશે.

   મુમુક્ષુ પરિધીબેને જણાવેલ કે ગુરૂદેવ હંમેશા સમજાવે છે કે આ ભવના સંબંધો કયાં સુધી રહેેશે. ''હે જીવ તું કયાં સુધી ભટકીશ.'' ગુરૂદેવના બોધ બાદ ટેમ્પરરી અને પરમનેન્ટ વચ્ચેનો ભેદ સમજાયો.

   જયારે મુમુક્ષુ સલોનીબેન સંસાર અને સાધુતા વચ્ચેનો ભેદ સમજાવતા જણાવેલ કે સ્વતંત્ર જીવનમાં ઈચ્છાઓ પૂરી થાય છે પણ ઈચ્છાનું મૃત્યુ કરી કેવી રીતે કરીશું તે પ્રશ્નનો જવાબ ગુરૂદેવના સાનિધ્યમાં ઓટોમેટીક મળવા મંડ્યો. ધર્મ સાધના હૃદયથી કરવાથી શાંતિની અનુભૂતિ થવા માંડે છે ત્યાર પછી ભૌતિક વસ્તુ જરૂરી નથી. ગુરૂદેવ હંમેશા કહે છે : ''મન કે જીતે જીત હૈ, મન કે હારે હાર''.

   મુમુક્ષુ ચાર્મીબેન જેઓ આઈટી એન્જી. છે. તેમણે જણાવેલ કે ગુરૂ સાથે રહેવાનુ એટલે પાઠશાળા. હંમેશા કાંઈક શીખવા મળે છે. ગુરૂદેવ આત્મતંત્ર સાથે કરે છે. એક વખત વિહાર દરમિયાન ગુરૂદેવે કહેલ કે કરોળીયાની માફક શું તું પણ તારા ચક્રમાં ફસાઈને જીવન જીવવા માગીશ. ત્યારબાદ અનુભૂતિ થઈ કે આ માયાની જાળ નકામી છે.

   વધુમાં મુમુક્ષોએ જણાવેલ કે ગુરૂ પાસેથી મળતી દરેક અનુભૂતિ શિષ્ય કરી શકે છે. ગુરૂના એક ઈશારામાંથી પણ બોધ મેળવી શકે છે. એક વાર નાના બાળકે ગુરૂદેવ પૂ. નમ્રમુનિ પાસેથી ચોકલેટ માગે છે. બાળકની સૌમ્યતા જોઈ, ગુરૂદેવના ચહેરા પર સ્મિત આવે છે. નાના બાળકની જેમ સૌમ્યતા આવશે તો ગુરૂદેવ પણ ચાલુ ભકિતમાં સ્મિત આપશે અને બાળકની જેમ નિર્દોષ બનવું જરૂરી છે. જો નાની ચોકલેટ માટે બાળક માતાથી દૂર થવા જાય છે. જેમ - જેમ મોટા થઈ જાય તેમ તેમ ચોકલેટનું સ્થાન બીજી વસ્તુ લે છે. રમત તો એની એ જ છે રમકડા બદલાય છે. ગુરૂને શિષ્યની દૃષ્ટિએ જોવા જરૂરી તો જ સંસારની અને માયાજાળમાંથી મુકિત મેળવી ભકિતના માર્ગે જઈ શકાય છે.

   પૂ. નમ્રમુનિ, પૂ. મનોહરમુનિ સહિતના સાધુ ભગવંતો તથા ૭૦થી વધુ સાધ્વીજીઓનું આગામી ચાતુર્માસ રાજકોટમાં

   રાજકોટ, તા. ૧૭ : રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ, પૂ. મનોહરમુનિ તથા અનેક સંતો અને ૭૦થી વધારે ડુંગર દરબારના મહાસતીજીઓનું સમૂહ ચાતુર્માસ સમસ્ત રાજકોટ સ્થા. જૈન સમાજના ઉપક્રમે રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘ ખાતે યોજાશે તેમ ચંદ્રકાંતભાઈ શેઠે જાહેર કરેલ.

 (04:05 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS