Samachar Rajkot

News of Monday, 17th July, 2017

સહકારી મંડળીઓ/બેંકો પોતાના પેટા કાયદા અનુસાર ચૂંટણી યોજી શકશે

૧૯૬૧ના ગુજરાત સહકારી કાયદાની કલમ-૭૪-સીસી હેઠળ રદ કરવા રાજય સરકારે વટહુકમ બહાર પાડયો : ર૦૧૩માં સુધારા હસ્તક સરકારી દેખરેખ હેઠળ વ્યવસ્થાપક કમીટી અને હોદેદારોની ચૂંટણી યોજવા સરકારે કાયદો બનાવ્યો હતો

   રાજકોટ તા.૧૭ : ગુજરાતમાં આવેલી સહકારી બેંકો અને મંડળીઓ હવે પોતાની રીતે પોતાના પેટા નિયમ અનુસાર વ્યવસ્થાપક કમીટી અને હોદેદારોની ચૂંટણી કરી શકશે. સરકાર તેમાં ચંચુપાત નહી કરે. સરકારે એક વટહુકમ દ્વારા સહકારી કાયદાની કલમ-૭૪-સીસી (વ્યવસ્થાપક મંડળની ચૂંટણી કરવા બાબતની) રદ કરવા નિર્ણય લીધો છે. અગાઉ રાજય સરકાર દ્વારા તેની દેખરેખ હેઠળ ચૂંટણી યોજવા કાયદો ઘડવામાં આવ્યો હતો. જે અંગે રજુઆતો થતા સરકારે કાયદામાં ફેરફાર કર્યો છે.

   ૯૭માં બંધારણીય સુધારણા અન્વયે રાજય સરકાર દ્વારા કલમ-૭૪-સીમાં દર્શાવેલ મંડળીઓ સિવાયની મંડળીઓની સમિતિ અને તેના હોદેદારોની ચૂંટણી રાજય સરકાર રાજયપત્રમાં જાહેરનામામાંથી જાહેર કરે તેવા સત્તાધિકારી દ્વારા યોજવામાં આવશે તેવુ જાહેર કરવામાં આવ્યુ હતુ. આ મુજબ કાર્યવાહી કરવા માટે કલમ-૭૪-સીસી ઉમેરવામાં આવી હતી. આ સામે ભારે ઉહાપોહ થયો હતો અને અર્બન ફેડરેશન દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે, આટલી મોટી વિશાળ સંખ્યામાં આવેલ સહકારી મંડળીઓની વ્ય.મંડળની એકસાથે યોજવી શકય નથી. મંડળીઓને પોત-પોતાની રીતે સમયાનુસાર તેમના પેટા કાયદા મુજબ ચૂંટણી કરવા દેવી જોઇએ જે પછી રાજય સરકારે તા.૩-૭-ર૦૧૭ના રોજ એક ઓર્ડીનન્સ દ્વારા જણાવ્યુ છે કે ૧૯૬૧ના સહકારી કાયદાની કલમ-૭૪સીમાં ઉલ્લેખ્યા પ્રમાણેની નિર્દિષ્ટ મંડળીઓ સિવાયની મંડળીઓની સમિતિની અને હોદેદારોની ચૂંટણી અંગેની કલમ-૭૪સીસી રદ્દ કરવામાં આવેલ છે એટલે કે સહકારી મંડળીઓ/બેંકો પોતાના પેટા કાયદા અનુસાર ચૂંટણી યોજી શકશે.

   અત્રે એ નોંધનીય છે કે, સરકારે ર૦૧૩માં ૧૯૬૧નો સહકારી કાયદો સુધાર્યો હતો અને એવી જોગવાઇ કરી હતી અને ૭૪-સીસી કલમ ઉમેરી હતી કે, રાજય સરકાર નોટીફાઇ ઓર્થોરીટી તરીકે કામ કરશે અને તે કમીટી અને હોદેદારોની ચૂંટણી યોજશે. કઇ રીતે ચૂંટણી યોજવી તે પણ રાજય સરકાર જ નક્કી કરશે. જો રાજય સરકાર દ્વારા ચૂંટણી યોજવામાં આવે તો કો.ઓપ. સોસા.ના તમામ કર્મચારીઓને આ કામમાં લેવા પડે અને સોસાયટીનો રોજીંદો બીઝનેસ પણ અસર પામે એટલુ જ નહી ચૂંટણી ઓર્થોરીટી બધી પ્રોસીઝર નક્કી કરેલા સમયમાં પુરી કરી ન શકે અને કસ્ટોડિયન નીમવા પડે અને સહકાર વિભાગમાંથી મોટા પ્રમાણમાં કર્મચારીઓની જરૂરીયાત પણ ઉભી થાય. આ સામે એવી પણ દલીલ કરવામાં આવી હતી કે, સિંચાઇ, શ્રમ, શાકભાજી જેવી મંડળીઓ અને નાનુ કામ કરતી મંડળીઓ ચૂંટણીના ખર્ચને પહોંચી પણ ન વળે, આ હેતુસર ફેરફાર કરવો જરૂરી બન્યો હોય સરકારે એક વટહુકમ થકી ૭૪-સીસી કલમ રદ્દ કરી ચૂંટણીની જવાબદારી મંડળીઓ ઉપર જ મુકી છે.

 (04:04 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS