Samachar Rajkot

News of Monday, 17th July, 2017

વ્હોરા અને બિહારી પરિવારના લાડકવાયાઓને પાણી ભરખી ગયું: બંનેના ડૂબી જવાથી મોત

અક્ષય ડૂબી જતાં સાથેનો ચાર વર્ષનો શિવમ્ ઘરે આવી સુઇ ગયોઃ બે કલાક બાદ મા શોધવા નીકળી ત્યારે લાશ મળી : હેમદ અન્ય બે મિત્રો સાથે ક્રિકેટ રમીને પરત આવતો'તો ત્યારે પાણીનું વ્હેણ જોવા ઉભો રહ્યો ને કાળ ભે્ટયોઃ ફાયર બ્રિગેડના જવાનોને ૪ કલાકે મૃતદેહ મળ્યોબેડીપરાનો ૧૩ વર્ષનો અહેમદ કપાસી મિત્રને બચાવવા જતાં નદીમાં ડૂબ્યોઃ કોઠારીયા સોલવન્ટમાં ૫ વર્ષનો અક્ષય રમતાં-રમતાં ખાડામાં પડતાં ડૂબ્યો

વ્હોરા અને બિહારી પરિવારના લાડકવાયાઓને પાણી ભરખી ગયું: બંનેના ડૂબી જવાથી મોત

   રાજકોટ તા.૧૭: રવિવાર બે પરિવાર માટે ગોઝારો સાબિત થયો હતો. બેડીપરામાં રહેતાં વ્હોરા પરિવારનો ૧૩ વર્ષનો પુત્ર મિત્ર નદીમાં ડૂબતાં તેને બચાવવા જતાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. તો બીજા બનાવમાં કોઠારીયા સોલવન્ટ પાસે રહેતાં બિહારી પરિવારનો ૫ વર્ષનો એકનો એક પુત્ર ઘર નજીક રમતાં-રમતાં પાણીના ખાડામાં પડી જતાં મોત નિપજ્યું હતું. લાડકવાયાઓના મોતથી બંને પરિવારોમાં શોક વ્યાપી ગયો હતો.

   જાણવા મળ્યા મુજબ બેડીપરા સૈફી કોલોની પાસે રહેતાં રિક્ષવાળા મુનવરભાઇ (મુન્નાભાઇ) કપાસીનો પુત્ર અહેમદ કપાસી (ઉ.૧૩) તથા બીજા મિત્રો ગઇકાલે રવિવારે રજા હોઇ આલ્ફ્રેડ હાઈસ્કૂલના મેદાનમાં ક્રિકેટ રમવા ગયા હતાં. ત્યાંથી અહેમદ અને બીજા બે મિત્રો હૈદર જૈનુદ્દીન મિઠાઇવાલા (ઉ.૧૧) તથા મુકરબ સાઇકલ લઇ સાડા બારેક વાગ્યે વહેલા ઘરે આવવા નીકળ્યા હતાં. ત્યારે બેડીપરા ખોડિયાર મંદિર નજીક બેઠા પુલ પરથી આવતી વખતે પાણીનું મોટુ વ્હેણ વહેતું હોઇ ત્રણેય સાઇકલો સાઇડમાં રાખી પાણીના ધોધ પાસે ગયા હતાં. જેમાં હૈદરનો પગ લપસતાં તે ખેંચાઇ જતાં અહેમદ તેને બચાવવા જતાં પોતે અંદર પડી ગયો હતો અને હૈદર બહાર આવી ગયો હતો.

   તણાઇ ગયેલા અહેમદ અંગે હૈદર અને મુકરબે તેના પરિવારજનોને જાણ કરતાં બધા માતા અજબબેન, પિતા મુન્નાભાઇ, મોટો ભાઇ સહિતના પરિવારજનો અને બીજા વ્હોરા લોકો દોડી આવ્યા હતાં. ફાયર બ્રિગેડના જવાનોએ પહોંચી શોધખોળ આદરી હતી. પણ ચારેક કલાક બાદ દૂરથી પાણીના ઉંડાણમાંથી અહેમદ બેભાન મળ્યો હતો. તેને હોસ્પિટલે ખસેડાયો હતો. પણ મૃતદેહ જ પહોંચ્યાનું જાહેર થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર અહેમદ બે ભાઇમાં નાનો હતો અને લિટલ સ્ટાર સ્કૂલમાં ધોરણ-પમાં ભણતો હતો. બી-ડિવીઝનના એએસઆઇ વિનુભાઇ તડવીએ જરૂરી કાર્યવાહી કરી હતી.

   બીજા બનાવમાં કોઠારીયા સોલવન્ટ ૨૫ વારીયામાં રહેતાં મુળ બિહારના અરૂણ ઉમીતભાઇ માંઝીનો પુત્ર અક્ષય (ઉ.૫) પડોશી શિવમ્ ચોૈહાણ (ઉ.૪) સાથે ગઇકાલે બપોરે સાડા ત્રણેક વાગ્યે ઘર નજીક રમવા ગયો ત્યારે રમતાં-રમતાં બંને ખાડામાં પડી જતાં શિવમ્ બહાર નીકળી ઘરે આવી સુઇ ગયો હતો. બાદમાં માતા અંજુદેવી પુત્રને બે કલાક બાદ શોધવા નીકળી ત્યારે અક્ષય ખાડામાંથી બેભાન મળતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેને નિષ્પ્રાણ જાહેર કરાયો હતો. એકના એક દિકરાના મોતથી પરપ્રાંતિય પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. આજીડેમ પોલીસ મથકના  રાજુભાઇ મેર અને જયંતિભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

 (10:05 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS