vividh-vibhag

News of Monday, 11th September, 2017

સરકારી મહેમાન

‘હાય રે મોંઘવારી’: ચૂંટણી પંચને ૨૪૦ કરોડ જોઇએ, આપણાં રાજનેતાઓને ૧,૦૦૦ કરોડ

ધર્મ જ્યારે રાજકારણ પર હાવિ થાય ત્યારે ગુજરાત અને હરિયાણા પેદા થાય: ઝડપી કામ પતાવો: ૧૫મી ઓક્ટોબર સુધી આચારસંહિતા આવી જવાની શક્યતા : ગુજરાતમાં ‘વિજય’ અને ‘જીત’ એ ચૂંટણીના સૈનિક છે, સારથી તો બીજા છે

‘હાય રે મોંઘવારી’:  ચૂંટણી પંચને ૨૪૦ કરોડ જોઇએ, આપણાં રાજનેતાઓને ૧,૦૦૦ કરોડ

      એક વિધાનસભાની ચૂંટણી પાછળ કેટલો ખર્ચ થાય છે તે આંકડા જો ધ્યાનથી જોવામાં આવે તો આપણને આશ્ચર્ય થાય છે, કેમ કે સરકારના તો રૂપિયા જાય છે પરંતુ પાર્ટીઓ તેમજ તેમના ઉમેદવારો જે ખર્ચા કરે તે જાલીમ છે. દયાજનક બાબત એવી છે કે કોઇ ઉમેદવાર રૂપિયા વિના ચૂંટણી લડી શકતો નથી. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં સત્તાવાર અને બિનસત્તાવાર મળીને કુલ 700 કરોડનો ખર્ચ થયાનું અનુમાન હતું તે 2017માં વધીને 1000 કરોડ થવાની સંભાવના છે. બીજી તરફ ભારતના ચૂંટણી પંચે પણ સરકાર પાસે ચૂંટણી ખર્ચ પેટે 240 કરોડ રૂપિયા માગ્યા છે જે ગઇ ચૂંટણીની સરખામણીએ 30 ટકા વધારે છે. પંચને પણ મોંઘવારી નડી છે. પંચે 2012ની ચૂંટણી 185 કરોડમાં આટોપી હતી, જ્યારે લોકસભાની ચૂંટણીમાં એકલા ગુજરાતમાં 212 કરોડનો ચૂંટણી ખર્ચ થયો હતો. વખતે મતદારો 3.75 કરોડથી વધીને 4.25 કરોડ થયા છે ત્યારે સ્વાભાવિક છે કે ચૂંટણી ખર્ચ વધે,

      પક્ષોને સ્લોગન ખરીદવા છે, છે કોઇ બનાવનાર...

      2017ની ચૂંટણીના સૂત્રો પણ અજીબ છે. કોંગ્રેસનું સૂત્ર છે કે- ‘કોંગ્રેસ આવે છે..’ ‘નવસર્જન ગુજરાત...’ તો ભાજપનું સૂત્ર છે- ‘અડીખમ ગુજરાત. ભાજપે પહેલાં ગરજે ગુજરાત...નામનું સ્લોગન વહેતું કર્યું હતું પરંતુ ફિડબેક સારા નહીં આવતાં હવે સૂત્ર બદલ્યું છે અને અડીખમ શબ્દનો પ્રયોગ કર્યો છે. 2012માં ભાજપનું સૂત્ર- ‘જીતેગા ગુજરાત હતું અને કોંગ્રેસનું સૂત્ર હતું –‘સહુ સહમત, કોંગ્રેસને મત...’ સૂત્રોમાં પાછું ભાજપ અને કોંગ્રેસ વિનાની પાર્ટી- જનવિકલ્પનું નામ ભળ્યું છે. હાર્દિક પટેલ અને પાટીદાર અનામત આંદોલન સમિતિનું નવું સૂત્ર બજારમાં આવ્યું છે અને તે છે- ‘જય સરદાર, ગઇ સરકાર...’ તેના પછી અલ્પેશ ઠાકોર મેદાને છે... સૂત્રોની ભરમાર જોતાં વખતની ચૂંટણીમાં હાઇટેક સોશ્યલ મિડીયા પ્રચાર તેની ચરમસિમાઓ વટાવી જશે તે નક્કી છે. જેની પાસે મજબૂત આઇટી ટીમ હશે તે પાર્ટી કે વ્યક્તિનો વિજય થશે. ચૂંટણીમાં રસ લઇ રહેલી પાર્ટીઓ સ્લોગન કે સૂત્રો બનાવનારી એજન્સીને શોધી રહ્યાં છે.

      15મી ઓક્ટોબર સુધી ચૂંટણીનો સ્કાયલેબ ત્રાટકશે...

      ગુજરાત સરકાર ઇલેક્શન મોડમાં આવી ચૂકી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને હાઇકમાન્ડનો એવો આદેશ મળી ચૂક્યો છે કે તેમણે આચાર સંહિતા પહેલાં એટલે કે 15મી ઓક્ટોબર પહેલાં વિવિધ પ્રોજેક્ટ્સના ઉદ્દધાટન, ખાતમૂહુર્ત પૂરાં કરવા. રૂપાણીએ સચિવાલયના તમામ વિભાગો તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ઓફિસરોને કામો અને યોજનાઓની યાદી આપવા સૂચના આપી છે. 2012ની ચૂંટણી વખતે આચાર સંહિતાનો અમલ ત્રીજી ઓક્ટોબરે થયો હતો અને મતદાન સુધી 73 દિવસનો સમય મળ્યો હતો. જો કે વખતે માત્ર 45 દિવસનો સમય રહેશે તેવું પંચના સૂત્રો કહે છે. સચિવાલયમાં પેન્ડીંગ કામોને નિપટાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. અધુરી યોજનાઓને પૂરી કરવા તેમજ મુલાકાતીઓના કામો ફટાફટ કરવા માટેની સરકારે ઓફિસરોને સૂચના આપી છે.

      ત્રણ વર્ષમાં ટેક્સચોરી- 1,52,000 કરોડ રૂપિયા...

      ભારતમાં મલ્ટીનેશનલ ફર્મ્સ સહિત કેટલીક કંપનીઓએ 3 વર્ષ 3 મહિનામાં 1 લાખ 52 હજાર કરોડ રૂપિયાની ટેક્સચોરી કરી છે. નાણામંત્રાલય દ્વારા અપાયેલી માહિતીમાં એપ્રિલ 2014થી જુન 2017 સુધી કંપનીઓની ગુપ્ત રકમનો ઉલ્લેખ છે. રકમ એટલી છે કે બેંગ્લોર શહેરને 19 વર્ષ સુધી અથવા તો પછી મુંબઇ મહાનગરને 7 વર્ષ સુધી આરામથી ચલાવી શકાય. બન્ને શહેરો પૈકી બેગલુરૂ મહાનગરપાલિકાનું વર્ષનું બજેટ 8000 કરોડ રૂપિયા અને મુંબઇ મહાનગરપાલિકાનું બજેટ 25000 કરોડ રૂપિયા છે. આટલા રૂપિયામાંથી 76 હજાર 239 કરોડ રૂપિયા ડાયરેક્ટ ટેક્સનાં ફોર્મમાં છે અને બાકી બચેલા 76,535 કરોડ રૂપિયાની રકમ ઇનડાયરેક્ટ ટેક્સનાં ફોર્મમાં છે. તેમાં સર્વિસ ટેક્સ (47188 કરોડ ) કસ્ટમ (10392 કરોડ ) અને સેન્ટ્રલ એક્સાઇઝ (18954 કરોડ)નો સમાવેશ થાય છે.

      બાર બાર મોદી... ભાઇ, આપણે તો છૂટકો નથી...

      ગુજરાતની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ ચાલશે કે કેમ તેવો પ્રશ્ન કોઇ પૂછે તો જવાબ હા છે. ગુજરાતના મુખ્યમંત્રીનું પદ છોડ્યા પછી ત્રણ વર્ષનો સમય થયો છે છતાં ગુજરાતની જનતામાં અને ખાસ કરીને શહેરી વિસ્તારના નાગરિકોમાં મોદી આજેપણ લોકપ્રિયતાની ટોચ પર છે. મતદારો જાણે છે કે- 2017ની વિધાનસભાની ચૂંટણીમાં વખતે ત્રણ મોટા નેતાઓ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને આનંદીબહેન પટેલ ઉમેદવાર નથી છતાં મોદીને નામ વોટ આપવા તે લોકો તૈયાર છે. ગુજરાતના મુખ્યમંત્રી અત્યંત સરળ છે. નિખાલસ છે. નિડર છે. લોકોની સાથે ભળી જાય છે. સત્તાનો મદ તેમનામાં જરાય નથી તેમ છતાં હાઇકમાન્ડ કોઇ જુગાર ખેલવા માગતું નથી તેથી ગુજરાતમાં નરેન્દ્ર મોદીની મુલાકાતો વધી ચૂકી છે. વિજય રૂપાણીએ થોડાં સમય પહેલાં કહ્યું હતું કે- આગામી ચૂંટણીમાં મોદીના નામે મત માગવામાં આવશે. તેમનું વાક્ય સાચુ પડે છે. સચિવાલયમાં હળવાશની પળોમાં એક અધિકારી કહે છે- ગુજરાતનાવિજય (વિજય રૂપાણી) અનેજીત (જીતુ વાઘાણી) માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહ તારણહાર છે.

      વિકાસનું નામ આવે એટલે ભાજપ હવે મૌન...

      ચૂંટણીનો પહેલો પ્રચાર તબક્કો કોંગ્રેસને નામ છે, કારણ કે વિકાસ ગાંડો થયો છે- ના નામે સોશ્યલ મિડીયમાં જે પ્રચાર ચલાવ્યો છે તેણે ગુજરાતમાં ભાજપના વિકાસનો મુદ્દો (પરપોટો) ફોડી નાંખ્યો છે. વિકાસના નામે મત માગવાનું ભાજપનું પ્લાનિંગ ચાલી શકે તેમ નથી, કારણ કે સોશ્યલ મિડીયામાં એક્ટિવ લોકોને સૂત્ર મળી ચૂક્યું છે જે કોંગ્રેસની આઇટી ટીમના ભેજાબાજોને આભારી છે. ખુદ મુખ્યમંત્રીએ સૂત્રના પ્રતિભાવ આપવા પડ્યા છે. વિકાસ અમારા કહ્યાંમાં નથી... કોંગ્રેસના શાસનમાં મોંઘવારી નામની દિકરીને દત્તક લેવામાં આવી હતી અને હવે તેનું નામ બદલીને વિકાસ કરવામાં આવ્યું છે... વિકાસ ગાંડોતૂર થઇ ગયો છે, જો જો એની અડફેટે આવી જતા... સૌનો સાથ સૌનો વિકાસ- જો રહેશે આવો વિકાસ તો, થાશે સૌનો વિનાશ... વિકાસ નામની ટીખળથી સોશ્યલ મિડીયા ભરચક બની ચૂક્યું છે તેથી ભાજપને વિકાસના સ્થાને નવું સૂત્ર અપનાવવું પડશે તેવું લાગી રહ્યું છે...

      ધર્મ જ્યારે રાજકારણ પર હાવિ બને ત્યારે વિનાશ...

      ધર્મગુરૂઓનો ધર્મ લોકોને જીવન જીવવા માટે જડીબુટ્ટી સમાન હોય છે. લોકોની નિરાશાને દૂર કરી તેમના જીવનમાં પ્રકાશ પાથરવાનું કામ તેઓ કરે છે. ભારતમાં એક સંત ડોંગરેજી મહારાજ હતા કે જેઓ સંપત્તિ કે મહિલા સામે જોતાં હતા. તેમને બસ તેમનો લાલો દેખાતો હતો. જ્યારે જ્યારે કથા કરવા જતા ત્યારે ત્યારે લાલાની લીલાનુ વર્ણન કરતી વખતે તેમની આંખના ખૂણાં ભીના થઇ જતા હતા. આજે જમાનો બદલાયો છે. ધર્મગુરૂઓ કે સંતો ફાઇવસ્ટાર બની ચૂક્યાં છે. આસારામ હોય કે, ગુરમિત રામ રહિમ કે પછી બાબા રામદેવ- તમામને ફાઇવસ્ટાર ફેસેલિટી જોઇએ છે. ગુજરાતમાં ભાજપની જીતનું એક મોટું રહસ્ય હતું કે- ભાજપે ધર્મગુરૂઓ અને સંતો કે જેમના ફોલોઅર્સ લાખોની સંખ્યામાં હોય તેમને સફળતા પૂર્વક મેનેજ કર્યા હતા. ધર્મગુરૂઓ કે સંતોના જ્યાં સંમેલનો થતાં હોય ત્યાં ભાજપના નેતાઓ મંચ પર પહોંચી જતા હતા. રામ રહીમની જેલયાત્રા પછી કોઇએ કહ્યું છે કે- ધર્મ જ્યારે રાજકારણ પર હાવિ થાય છે ત્યારે ગુજરાત અને હરિયાણા પેદા થાય છે.

      કોંગ્રેસ તૂટી રહી છે, ચોમેરથી ઘેરવાનો પ્લાન...

      ગુજરાતમાં વખતે ચૂંટણીમાં કોંગ્રેસને ચારે બાજુથી ઘેરી લેવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે, કારણ કે ભાજપ સિવાયની જે પાર્ટીઓ ચૂંટણી લડવા જઇ રહી છે તે ભાજપ સમર્થિત પાર્ટીઓ છે અથવા તો તે ભાજપને મદદ કરશે. કોંગ્રેસ સાથે વર્ષોથી સાથે રહીને ચૂંટણી લડતી નેશનાલિસ્ટ કોગ્રેસ પાર્ટી-એનસીપી વખતે રાજ્યની તમામ 182 બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખશે. રાજ્યસભાની ચૂંટણીમાં એનસીપીના બે ધારાસભ્યોએ અહમદ પટેલને મત નહીં આપતાં ગુજરાતમાં કોંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન તૂટી ગયું છે. કોંગ્રેસને માત્ર એક આશા છે કે આમ આદમી પાર્ટી ચૂંટણીમાં ઝૂકાવશે તો તે ભાજપના શહેરી મતો તોડી શકે છે જેનો સીધો ફાયદો કોંગ્રેસને થશે, જો કે શંકરસિંહ વાઘેલા ભાજપ સમર્થિત હોવાથી કોંગ્રેસને ગ્રામ્ય વિસ્તારની બેઠકોમાં બહુ મોટો ફટકો પડી શકે છે, કેમ કે મોટા ભાગની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કોંગ્રેસ તૂટી રહી છે.

      સરકારી મહેમાન

      આલેખન

      ગૌતમ પુરોહિત

      gpurohit09@gmail.com

       

       

 (08:48 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS