vividh-vibhag

News of Monday, 17th July, 2017

સરકારી મહેમાન

‘ટ્રુથ ઓફ નર્મદા’: ચીમનભાઇનું રાજકીય વજન વધે નહીં તેથી રાજ્યમાં યોજનાનો વિરોધ થયો

મુખ્યમંત્રીનું ઘર કેટલા પૈસામાં ચાલે? જોઇ આવો ત્રિપુરાના સીએમનું હોમ બજેટ : મોદી સરકારની સફળતાના પગલે હવે ગુજરાત સરકાર ઓનલાઇન થઇ રહી છે : 2001 પછી આવેલા ચીફ સેક્રેટરી પદના ઓફિસરોમાં અલોરિયા કેમ બાકી રહ્યાં

‘ટ્રુથ ઓફ નર્મદા’: ચીમનભાઇનું રાજકીય વજન વધે નહીં તેથી રાજ્યમાં યોજનાનો વિરોધ થયો

      ગુજરાતની નર્મદા યોજનામાં 56000 કરોડનો ખર્ચો થયો છે અને 2017માં તે પૂર્ણ થઇ છે પરંતુ જ્યારે ગુજરાતમાં ચીમનભાઇ પટેલનું શાસન હતું ત્યારે તેમણે નર્મદા યોજના પૂર્ણ કરવા ખૂબ પ્રયાસો કર્યા હતા. નર્મદા યોજનાનો વિવાદ ઇન્દિરા ગાંધીને સોંપવામાં આવ્યો હતો. આ સમયે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનો સૂરજ તપતો હતો. જો નર્મદાનો નિર્ણય ત્યારે લેવાઇ ગયો હોત તો તે સમયે નર્મદા યોજના પૂરી થઇ ચૂકી હોત, કારણ કે તે સમયે ગુજરાતના મોટાભાગના અને ખાસ કરીને નર્મદા લાભાર્થી રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી. જો કે સચિવાલયના ડોક્યુમેન્ટ કહે છે કે નર્મદા યોજનાને પૂર્ણ કરવામાં ગુજરાતમાંથી વિરોધ થયો હતો, કારણ એ હતું કે જો ચીમનભાઇ પટેલના સમયમાં યોજના પૂર્ણ થશે તો ચીમનભાઇનું રાજકીય વજન વધી જશે. એક ચોક્કસ દિવસે બપોરે ઇન્દિરા ગાંધી જાહેરાત કરવાના હતા પરંતુ કમનસીબે આપણાં વિરોધીઓ કામયાબ બન્યા અને છેવટે ઇન્દિરા ગાંધીને રાજ્યોના વિવાદમાં ટ્રિબ્યુનલની રચના કરવી પડી હતી.

      આજે પણ CMનું ઘર 5000માં ચાલે છે

      અમરેલીના વતની અને ગરીબીમાંથી રાજકીય સફર કરનારા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ નારાયણ મહેતાનો પરિચય આપવાનો ન હોય, સંઘર્ષમય અભ્યાસકાળ ધરાવતા આ  રાજનેતા તેમની નિષ્ઠા અને પ્રામાણિકતા માટે આજેપણ લોકપ્રિય છે. તેઓ માત્ર 13 મંત્રીઓથી સરકાર ચલાવતા હતા. ગુજરાતને આટલા સરળ અને નિષ્ઠાવાન મુખ્યમંત્રી ક્યારેય મળ્યા નથી...સત્તા, સંપત્તિ અને જાકમઝોળ વચ્ચે પણ અડગ રહીને સાદાઇથી રાજ્યનો વહીવટ કરવાનું ગૌરવ ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સરકાર છે, જે જીવરાજ મહેતાની યાદ આપે છે. ત્રિપુરાના મુખ્યમંત્રી ત્રણ ટર્મથી ચૂંટાઇ આવતા હોવા છતાં તેમનું બેન્ક બેલેન્સ માત્ર 1,080 રૂપિયાનું છે. તેમની પાસે તેમની માતાનું 432 સ્વેરફુટનું ઘર છે. કાર નથી પણ સરકારી કારનો ઉપયોગ તેઓ સત્તાવાર કામ માટે જ કરે છે. મુખ્યમંત્રીનો પગાર પાર્ટીમાં જમા કરાવે છે. તેમનું ઘર આજે પણ 5,000 રૂપિયામાં ચાલે છે. તેઓ કહે છે કે હું જનતાને સપના બતાવતો નથી. જે પાળી શકાય એટલા જ વચનો આપું છું. જનતાને મારી ઉપર અને મને જનતા ઉપર અતૂટ વિશ્વાસ છે. કાશ !! ગુજરાતને પણ આવા સીએમ મળી જાય...!!

      એક હતા સનત મહેતા, ફાઇલ નિકાલના માસ્ટર

      ગુજરાત સરકારમાં માધવસિંહ સોલંકીની સરકારમાં સનત મહેતા નાણાં અને શ્રમ મંત્રી હતી. એક સમયે સચિવાલયમાં મંત્રીઓ પાસે ફાઇલોનો ઢગલો થઇ ગયો હતો. માધવસિંહે તમામ મંત્રીઓના પ્રવાસ રદ કરીને ફાઇલ નિકાલ કરવાની સૂચના આપી દીધી ત્યારે સનત મહેતાએ કહ્યું કે- સાહેબ, મારી પાસે કોઇ ફાઇલ પેન્ડિંગ નથી, બીજા કોઇ મંત્રીની બાકી હોય તે ફાઇલો મને આપી દો... સનત મહેતાની કામ કરવાની સ્ટાઇલ બઘાં કરતાં અલગ હતી. તેઓ અભ્યાસુ અને મહેનતું હતા. પોતાના કામોનો તાત્કાલિક નિકાલ કરી દેતાં હતા. સચિવાલયમાં ફાઇલોને તુમાર કહેવાય છે. પ્રત્યેક મુખ્યમંત્રી તેમની કેબિનેટમાં તુમાર નિકાલ ઝૂંબેશ ચલાવે છે. કાશ, આપણને વિજય રૂપાણીની સરકારમાં સનત મહેતા જેવા વિદ્વાન મંત્રી મળી શક્યા હોત તો મંત્રીઓની ઓફિસમાં મહિનાઓ સુધી ફાઇલ પડી ન રહે...

      એક ઓફિસર વિભાગને લાઇવ બનાવે છે...

      ગુજરાતના સિનિયર આઇએએસ ઓફિસર પંકજકુમાર જ્યાં જાય ત્યાં ડિપાર્ટમેન્ટ લાઇવ થઇ જાય છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ સીએમઓમાં કામ કરતા હતા. તેમની પાસે માહિતીનો વિભાગ હતો. તેમણે માહિતીના અધિકારીઓને દોડતા કરી દીધા હતા. તેઓ એસટી નિગમમાં આવ્યા તો એસટીના કર્મચારીઓને દોડતા કર્યા હતા. તેમણે આરોગ્ય વિભાગને પણ લાઇવ બનાવી દીધો હતો અને હવે રેવન્યુ વિભાગને તેઓ લાઇવ કરી રહ્યાં છે. લોકોને પડતી હાલાકીઓનો સોશ્યલ મિડીયા થકી તેઓ નિકાલ કરાવવા માગે છે તેથી રાજ્યના 33 જિલ્લા કલેક્ટરોના ટ્વિટર એકાઉન્ટ તેમણે ખોલાવી દીધા છે. કાશ, આપણાં 25 ડિપાર્ટમેન્ટના ઓફિસરો ટ્વિટર હેન્ડલથી લોકો અને અરજદારોના પ્રશ્નોનો જવાબ આપે તો ગુજરાતની બ્યુરોક્રેસી દેશમાં નંબર વન થઇ શકે છે. ચોમાસાની આ સિઝનમાં તો તેમણે અને તેમની ટીમે અદ્દભૂત કામ કર્યું છે અને પૂરગ્રસ્તોને બચાવ્યા છે.

      અલોરિયા કેમ અપવાદ બનીને રહી ગયા...

      ગુજરાત સરકારમાં વહીવટીય રીતે સર્વોચ્ચ પદ એટલે ચીફ સેક્રેટરીનું કહેવાય છે. સીએમ પછી સીએસ સરકારના સુપ્રિમો હોય છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી એવો સિરસ્તો રહ્યો છે કે ચીફ સેક્રેટરીના પદ પરથી નિવૃત્ત થતાં આઇએએસ ઓફિસરને નિવૃત્તિ પછીનું પોસ્ટીંગ મળતું હોય છે. અત્યાર સુધીમાં સાત ચીફ સેક્રેટરીને આ પોસ્ટીંગ મળ્યા છે જેમાં જી. સુબ્બારાવ, સુધીર માંકડ, ડી.રાજગોપાલન, પી.કે.લહેરી, ડો. મંજૂલા સુબ્રમણ્યમ, એ.કે.જોતિ, વરેશ સિંહા, ડી.જે.પાંડિયનનો સમાવેશ થાય છે પરંતુ છેલ્લે નિવૃત્ત થયેલા ગંગારામ અલોરિયા કોઇપણ પોસ્ટીંગથી વંચિત છે. સરકારે તેમને કોઇ પોસ્ટીંગ આપ્યું નથી. હજી પણ સાત પૈકી પાંચ ઓફિસરો કોઇને કોઇ સુપ્રિમ જગ્યાએ સરકારમાં ફરજ બજાવે છે. અલોરિયાને ઇચ્છા હતી કે તેઓ નિવૃત્તિ પછી સરકારમાં કામ કરે પરંતુ ભાજપની સરકારે કેમ પોસ્ટીંગ આપ્યું નથી તે સચિવાલયના વિભાગોમાં તપાસનો વિષય બન્યો છે. કોઇ કહે છે કે સીએમઓ સાથે તેમનું ટ્યુનિંગ સારૂ રહ્યું ન હતું તેથી તેમને સેટ કરી શકાયા નથી.

      150 પ્લસનો ટારગેટ માત્ર નેતાઓ માટે જ નથી...

      ભાજપે ગુજરાતમાં 182 પૈકી 150 પ્લસ બેઠકોનો ટારગેટ રાખ્યો છે તે માત્ર પાર્ટી માટે નથી. વહીવટી તંત્રમાં ફરજ બજાવતા અધિકારીઓ માટે પણ છે. આ અધિકારીઓએ તેમના વિભાગોનું પરફોર્મન્સ બતાવવું પડશે. આપણા ગુજરાતના ઉચ્ચ અધિકારીઓએ રાજ્ય સરકાર ઉપરાંત કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનું પ્રેઝન્ટેશન તૈયાર કરવું પડે છે. ખાસ તો માહિતી વિભાગની જવાબદારી વધી ગઇ છે. માહિતી વિભાગે કેન્દ્ર અને રાજ્યનું કમ્બાઇન પ્રચાર મટિરીયલ તૈયાર કરવાનું છે. ગુજરાતમાં ચૂંટણીની આચારસંહિતા આવી જાય એ પહેલાં અધુરી યોજનાઓ પૂર્ણ કરવાનો આદેશ ચીફ મિનિસ્ટર કક્ષાએથી આપવામાં આવ્યો છે. એનો મતલબ એ થયો કે મુખ્યમંત્રી, કેબિનેટના મંત્રીઓ, ધારાસભ્યો, સંસદસભ્યો ઉપરાંત સરકારના વિભાગોના વડા એવા અધિકારીઓને પણ 150 પ્લસનો ટારગેટ પૂર્ણ કરવા માટે ઉત્તમ કામગીરી કરવાનું કહેવામાં આવ્યું છે.

      ગાડી પરના લખાણો દૂર કરો, મોટી સેવા છે...

      પોલીસથી બચવા માટે ગાડી પર લાલ પટ્ટીમાં હોદ્દો અને સંસ્થા લખવાનું જાણે કે ફરજીયાત થઇ ગયું છે. હવે તો તાલુકા પંચાયતનો સદસ્ય પણ તેની પ્રાઇવેટ ગાડીમાં લાલ કલરના પટ્ટામાં આવો હોદ્દો લખાવતો થઇ ગયો છે. મિનિસ્ટરોએ તેમની સરકારી ગાડીઓમાંથી લાલ લાઇટ હટાવી છે ત્યારે ગુજરાતના ગૃહ અને વાહનવ્યવહાર વિભાગે સંયુક્ત ઓપરેશન શરૂ કરી માર્ગો પરથી લાલ કલરના પટ્ટામાં લખેલા નામના બોર્ડ હટાવવાની જરૂર છે. એક્સ એમએલએ કે એક્સ એમપી પણ શા માટે લખવું જોઇએ તે સમજાતું નથી. એમએલએ ફોર ગુજરાત... લખેલું હોય તો ખબર પડે કે તે ગાડીમાં એમએલએ બેઠાં છે પરંતું હકીકતમાં તેવું નથી. તે એમએલએની ગાડી વેચી દેવામાં આવી હોય તો પણ તે બોર્ડ તો લટકતું જ હોય છે. પોલીસે આ બિનજરૂરી લખાણ ગાડીઓ પરથી હટાવવાની જરૂર છે.

      જીએસટી સાચું પણ સ્ટાફ ક્યાં છે...

      ગુજરાતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનો અમલ તો શરૂ કરી દેવામાં આવ્યો છે પરંતુ હાલના વેચાણવેરા ભવન એટલે કે વેટ કમિશનરેટ પાસે જરૂરી સ્ટાફનો અભાવ છે. ક્લાસ વન કક્ષાના ઓફિસરો અને ઇન્સ્પેક્ટરોમાં 40 ટકાની ઘટ છે. જો કે વેટ કમિશનર પી..ડી.વાઘેલા કહે છે કે જીએસટીમાં 95 ટકા વ્યવહાર ઓનલાઇન થવાનો છે તેથી ઓછા ઓફિસરો હશે તો પણ કામગીરીમાં રૂકાવટ આવી શકે તેમ નથી. તેમણે કહ્યું હતું કે આપણા ઓફિસરોને જીએસટીની પુરતી તાલીમ આપી છે અને વેપારીઓને પણ સજ્જ બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાં વેટ હેઠળ નોઁધાયેલા તમામ વેપારીઓને જીએસટીમાં લઇ જવામાં આવ્યા છે. જો કે આખા ભારતમાં જીએસટીના વિરોધમાં સૌથી મોટું આંદોલન ગુજરાતમાં ચાલી રહ્યું છે.

      અધિકારીઓ ચૂંટણી લડવા તૈયાર છે...

      ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ફરીવાર બ્યુરોક્રેસીનો પ્રવેશ થશે. જો કે ગુજરાતમાં આ પ્રયોગ નિષ્ફળ પુરવાર થયો છે, કારણ કે અત્યાર સુધીમાં ચૂંટણી લડેલા એક્સ આઇપીએસ કે આઇએએસ ઓફિસરો ચૂંટણી જીતી શક્યા નથી. મુખ્ય ચૂંટણી કમિશનર ટી.એન.શેષાન પણ લોકસભાની ચૂંટણી ગુજરાતમાંથી હારી ગયા હતા. એકમાત્ર આર.એમ.પટેલ એવા અધિકારી હતા કે જેઓ ભાજપની ટીકીટ પર અસારવાથી ચૂંટણી જીત્યા છે. 2017 માટે એ.આઇ.સૈયદ, બી.ડી,વાઘેલા, બી.એચ.ઘોડાસરા, ઝવેર ચાવડા, કુલદીપ શર્મા, વીવી રબારી, પી.કે.વાલેરા, ડી.જી.વણઝારા સહિતના આઇપીએસ તેમજ આઇએએસ ઓફિસરો ટીકીટ મેળવવાની લાઇનમાં છે. ગુજરાત કેડરના આઇએએસ ડી.કે.રાવ પણ તેમના વતનમાંથી ચૂંટણી લડ્યા હતા. ગુજરાતમાં પોલીસ અધિકારી રાહુલ શર્માએ તો તેમની સ્માર્ટ પાર્ટી બનાવી છે ત્યારે જોઇએ કે તેમની સાથે ક્યા ક્યા ઓફિસરો પાર્ટીમાં જોડાય છે.

      ખેલ મહાકુંભ પછી સંગીત મહાકુંભ આવે છે...

      ગુજરાત સરકારમાં જ્યારથી મોદીનું શાસન આવ્યું છે ત્યારથી શરૂ થયેલા ઉત્સવો બંધ થવાનું નામ લેતા નથી. પબ્લિકના ઉત્સવ જેવાં કે નવરાત્રી અને ઉત્તરાયણ તો સરકારે હાઇજેક કરી લીધા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇન્ટરનેશનલ યોગ ડે ના રોજ બઘાં ઓફિસરોને યોગ કરાવ્યા પછી હવે ખેલ મહાકુંભ શરૂ થયો છે. આ ખેલ મહાકુંભ નવેમ્બર મહિના સુધી ચાલશે, એટલે કે ત્યારે ઇલેક્શન જાહેર થઇ ચૂક્યું હશે. હવે ફરી પાછો કલા-સંગીત મહાકુંભ આવી રહ્યો છે. આ કલા મહાકુંભ ઓગષ્ટ મહિનામાં યોજાવાનો છે. રાજ્યના સ્પોર્ટ્સ સેક્રેટરી વી.પી.પટેલ ઇલેક્શન સુધી તો નવરા થઇ શકે તેમ નથી કારણ કે તેમના માથે બે કુંભની જવાબદારી આવી છે. ગુજરાતના ખ્યાતનામ અને બેનામી કલાકારોને એક મંચ પર લાવવાનો સરકારનો ઇરાદો છે. એવું પણ જાણવા મળ્યું છે કે ખેલ મહાકુંભની જેમ કલા મહાકુંભ પણ દરવર્ષે યોજવામાં આવશે.

      આખી સરકાર ઓનલાઇન બનાવો, તો બાત બને...

      કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજ એનઆરઆઇમાં લોકપ્રિય કેમ બન્યા છે તો તેનો સીધો જવાબ છે કે તેઓ ટ્વિટર પર એટલા એક્ટિવ છે કે એનઆરઆઇ સબંધિત કોઇપણ ફરિયાદ હોય તો તેઓ તેનો તુરત જ નિકાલ લાવે છે. જરૂર પડ્યે તેઓ રૂબરૂ પણ જાય છે. દિલ્હીમાં તો બઘાં એવું કહે છે કે- પ્રધાન હો તો ઐસા.. મહિલા મિનિસ્ટરની નાદુરસ્ત તબિયત છતાં તેઓ એટલા એક્ટિવ છે કે યુનિયન મિનિસ્ટ્રીને શરમાવે તેવું કામ કરે છે. સુષ્મા સ્વરાજ જેવું કામ આપણા આરોગ્યમંત્રી શંકર ચૌધરી અને ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા કરી રહ્યાં છે. ગુજરાત સરકારની કેબિનેટના તમામ સભ્યોએ ટ્વિટર એકાઉન્ટ તો શરૂ કર્યા છે પરંતુ મોટાભાગના મિનિસ્ટરોએ તેમના ટ્વિટર હેન્ડલ પ્રાઇવેટ કંપનીઓને આપી દીધા છે તેથી મંત્રી સુધી અરજદારની ફરિયાદ પહોંચતી નથી, એકમાત્ર મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમની સરકારના બે મંત્રીઓ શંકર ચૌધરી અને પ્રદિપસિંહ જાડેજા ઓનલાઇન જોવા મળે છે.

      આવે છે- વાહનો લેનમાં ચલાવવાના હુકમો...

      ગુજરાત સરકાર મુંબઇની ટ્રાફિકમાં જે લેન સિસ્ટમ છે તેવી લેન સિસ્ટમ અમદાવાદમાં શરૂ કરવા માગે છે. વાહનચાલકોએ પોતાની લેન તોડી અથવા તો સાઇડ લાઇટ બતાવ્યા વિના બીજી લેનમાં પ્રવેશ કર્યો તો ઘરે મેમો આવી જશે. અમદાવાદીઓ સાવધાન થઇ જશો, કેમ કે સરકાર ટ્રાફિક નિયમન માટે આકરા પગલાં લેવા જઇ રહી છે. જો તમારે ડાબી કે જમણી બાજુ વળવું હશે અને તમે ચાર રસ્તે વચ્ચે ગાડી ચલાવતા હશો અને અચાનક કોઇ સાઇડે વળી જશો તો પણ તમારે દંડ ભરવો પડશે. મુંબઇનો એક અનુભવ છે કે ટ્રાફિક પોલીસની ગેરહાજરીમાં ટ્રાફિક નિયમન અદ્દભૂત થાય છે, કારણ કે તમામ વાહનો લાલ લાઇટમાં જ્યાં હોય ત્યાં થંભી જાય છે. આ વાહનો લેન તોડતા નથી. મુખ્યમંત્રીને કહેવાનું મન થાય છે કે આવી સિસ્ટમ પાટનગર ગાંધીનગર સહિતના અન્ય મોટા શહેરોમાં ફરજીયાત પણે ચાલુ કરાવવી જોઇએ કે જેથી વધતા જતાં ટ્રાફિકના ભારણને હળવું બનાવી શકાય.

      સરકારી મહેમાન

      આલેખન

      ગૌતમ પુરોહિત

      gpurohit09@gmail.com

       

 (09:09 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS