vividh-vibhag

News of Monday, 10th July, 2017

સરકારી મહેમાન

ચૂંટણી પંચનો ‘પંચ’: ગુજરાતમાં પહેલીવાર મતદારો જોઇ શકશે કે કોને મત આપ્યો છે!

સ્પેનમાં 33 વર્ષે અમેરિકામાં 28 વર્ષે મેરેજ થાય છે, ભારતમાં પણ ઉંમર વધી છે : ઇલેક્શન આવ્યું છે પરંતુ ઉમેદવારો માટે લડવાના રૂપિયા હજી શોધી શકાયા નથી : વર્ષે ચાર લાખ કરોડનો બિઝનેસ ઉપાડી જતું ચીન ધમકીઓ આપશે તો શું થશે?

ચૂંટણી પંચનો ‘પંચ’: ગુજરાતમાં પહેલીવાર મતદારો જોઇ શકશે કે કોને મત આપ્યો છે!

      ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં થયેલા આક્ષેપો પછી ભારતના ચૂંટણી પંચે ગુજરાતમાં આક્ષેપરહિત ચૂંટણી કરવાનું નક્કી કર્યું છે. રાજ્યમાં ચૂંટણી માટે 60,000 ઇવીએમની જરૂર પડશે ત્યારે એટલા વીવીપેટ- વોટર વેરિફાઇડ પેપર ઓડિટ ટ્રેઇલ મશીનો ભારતના ચૂંટણી પંચ પાસે છે એટલે કે વિધાનસભાની 2017ની ચૂંટણીમાં વીવીપેટ મશીનો મૂકાય તેવી તૈયારી પંચે કરી દીધી છે. આ મશીનની મદદથી મતદાર પોતે બટન દબાવ્યા પછી જોઇ શકશે કે તેણે કોને મત આપ્યો છે. આ મહિનાના અંતમાં વીવીપેટ મશીનો ગુજરાત આવવાની શરૂઆત થઇ જશે. ગુજરાતમાં હાલની સ્થિતિએ 4.27 કરોડ મતદારો છે, જ્યારે જુલાઇમાં શરૂ થયેલી ઝૂંબેશમાં નવા 10 લાખ મતદારો નોંધાય તેવી સંભાવના છે. એઠલે કે ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં 50 લાખ નવા મતદારો નોંધાશે.

      ભારતમાં મોડાં લગ્ન એ ફેશન થઇ ગઇ છે...

      પ્રોહિબિશન ઓફ ચાઇલ્ડ મેરેજ એક્ટ પ્રમાણે ભારતમાં 18 વર્ષથી નાની છોકરી અને 21 વર્ષથી ઓછી ઉંમરનો છોકરો લગ્ન કરી શકતા નથી અને જો તે કરે તો બાળલગ્નનો ગુનો બને છે. જો કે યુનિસેફનો રિપોર્ટ આંખ ખોલે છે. આ રિપોર્ટ કહે છે કે ભારતમાં 47 ટકા કન્યા લગ્ન 18 વર્ષની ઉંમરે થાય છે અને 18 ટકા લગ્ન 15 વર્ષે થાય છે. એક રસપ્રદ શંશોધન એવું થયું છે કે ભારતમાં હવે નવા ડિજીટલ યુગમાં લગ્નની વય 28 વર્ષ સુધી પહોંચી છે. 2014ના આંકડા પ્રમાણે ભારતમાં એવરેજ મેરેજ એજ 24.1 જોવા મળી છે. સ્પેનમાં આ ઉંમર 33.4 પહોંચી છે જ્યારે ઇટાલીમાં 32.8, જર્મનીમાં 32.2 અને યુકેમાં 31.6 છે. જાપાનમાં લોકો સરેરાશ 29.7 વર્ષે, યુએસમાં 28 વર્ષે અને રશિયામાં 26.2 વર્ષે લગ્ન કરે છે. ભારતમાં બાળલગ્નોનું પ્રમાણ તો ઘટ્યું છે પરંતુ સાથે સાથે મેરેજ એજ પણ વધતી જાય છે. આમ થવાનું કારણ કારકિર્દી હોવાનું જણાય છે. સમજુ યુવક કે યુવતિ જ્યાં સુધી કેરિયરમાં સેટ ન થાય ત્યાં સુધી લગ્નનો વિચાર પણ કરતા નથી.

      ખબરદાર, ડ્રેગનને પંજો વિસ્તારવો છે...

      ચીનને ભારત સાથે વાંઘો છે તેવું નથી, વિશ્વના 14 કન્ટ્રી  એવાં છે કે જેની સાથે ચીનને વાંકુ પડ્યું છે. ચીન સાથે માત્ર ભારતની બોર્ડર જોડાયેલી નથી પરંતુ 14 દેશોની બોર્ડર ચીનને અડે છે જેમાં મોંગોલિયા, રશિયા, ભારત, મ્યાનમાર, કઝાખિસ્તાન, ઉત્તર કોરિયા, નેપાળ, વિયેટનામ, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, લાઓસ, ભૂતાન, તજિકિસ્તાન અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે. ચીનને અડેલી ભારતની બોર્ડર 4057 કિલોમીટર લાંબી છે, જ્યારે પાકિસ્તાનની બોર્ડર માત્ર 523 કિલોમીટર છે. ચીન આ બઘાં પ્રદેશો માટે જૂના નકશાઓને આધારભૂત ગણે છે. જો તેમ જ હોય તો ભારતના જૂના નકશા પ્રમાણે જોઇએ તો ઉત્તરમાં અફઘાનિસ્તાન થી પૂર્વમાં કંબોડિયા સુધીનો પ્રદેશ ભારતવર્ષ તરીકે ઓળખવો જોઇએ. ભારતે આ બાબત વિશ્વના ધ્યાને લાવવાની આવશ્યકતા છે.

      ટાટાની નેનોને બાય-બાય, હવે શું આવશે?...

      ટાટા મોટર્સની નેનો કારને બાય-બાય કહેવાનો સમય આવી ગયો છે, કારણ કે ગુજરાતમાં ટાટા મોટર્સ તેની નેનો કારનું ઉત્પાદન બંધ કરવા જઇ રહી છે. નેનો હવે ભારતમાં વેચાશે નહીં. લાખ રૂપિયાની નેનો કારથી શરૂ કરેલા તાતા મોટર્સની સફર બે લાખ 70 હજાર સુધી પહોંચી છે. ગુજરાતના સાણંદમાં આવેલા તાતાના નેનોપ્લાન્ટમાં હવે ક્યા મોડલ બનશે તે રાજ્ય સરકાર અને ટાટા મોટર્સ નક્કી કરશે. જો કે નેનો માટે સરકારે રતન ટાટા માટે લાલ જાજમ બિછાવી 33,000 કરોડના લાભો આપ્યા છે. હવે આ લાભ પાછા લેવા માટે સરકાર ક્યા એમઓયુ સાઇન કરે તે સોચનિય છે. 2009માં શરૂ થયેલી આ કાર 2017માં અદ્રશ્ય થઇ રહી છે.

      ચૂંટણી માટે હજી રૂપિયા શોધાયા નથી...

      નોટબંધી પછી હજી ચૂંટણી લડવા માટેના રૂપિયા શોધાયા નથી. પાર્ટીઓ પહેશાન છે. ઉમેદવારો બ્લેકમની ક્યાંથી લાવે તે સવાલ છે. 2017માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ચૂંટણી લડવા માગતા ઉમેદવારો વ્હાઇટના રૂપિયા ક્યાંથી લાવશે તે સવાલ છે. કેન્દ્ર સરકારે ડિજીટલ ઇકોનોમી પર ભાર મૂક્યો છે એટલે લોકો ફરજીયાત ઇ-વોલેટ તરફ વળ્યા છે. આજે તો દેશમાં રીક્ષા ડ્રાઇવર પણ તેનું ભાડું ઇ-વોલેટમાંથી વસૂલ કરે છે. શાકભાજી લેવા જાવ તો પણ ઇ-પેમેન્ટ કરવાની સુવિધા ઉભી થઇ રહી છે. ચૂંટણીમાં પ્રચારના સાધનો ખરીદવા માટે પણ ઇ-વોલેટ વપરાશે. રાજકીય પાર્ટીઓ માટે સ્વચ્છ ચૂંટણીની મોસમ આવી છે. ઉમેદવારો કે જેઓ ગજા બહારના ખર્ચા કરીને પણ ચૂંટણી હારી જતા હતા તે હવે જોવા નહીં મળે, કારણ કે ચૂંટણી લડવા માટે રૂપિયા નહીં પ્રામાણિકતાની જરૂર છે. ભ્રષ્ટાચારથી ખદબદતા આ દેશમાં ભલે સંપૂર્ણ ભ્રષ્ટાચાર નાબૂદ ન થાય પરંતુ તેને નિયંત્રણમાં લાવવા માટે કેન્દ્ર સરકારનું લેસકેશ ઇકોનોમીનું હથિયાર લાંબા સમયમાં સૌથી વધુ અસરકાર બની શકે છે.

      શંકરસિંહ વાઘેલા બાપુ ભાજપમાં હોત તો...

      1997માં કોંગ્રેસમાં ભળ્યા પછી શંકરસિંહ વાઘેલાએ એન્ટી પાર્ટી એક્ટિવિટી કરી નથી. તેમનું ગોત્ર સંઘ પરિવાર હોવા છતાં તેમણે કોંગ્રેસને ચૂંટણીમાં મદદ કરવાનો પ્રયાસ કર્યો છે. એક તબક્કે તેઓએ યુવાનોને એકત્ર કરીને શક્તિદળ બનાવવાની જાહેરાત કરી હતી પરંતુ તે સમયે ઓરિજનલ કોંગ્રેસના નેતાઓએ વિરોધ કરતાં શંકરસિંહ વાઘેલા પાસેથી પાવર લઇ લેવામાં આવ્યો હતો. જો આ શક્તિદળ જીવંત હોત તો આજે ભાજપને તે ભારે પડી શક્યું હોત. નરેન્દ્ર મોદીનું આગલું સ્ટેપ શું હશે તે પણ શંકરસિંહ વધુ સારી રીતે જાણે છે. 1995માં જ્યારે ગુજરાતમાં ભાજપની પ્રથમવાર સરકાર બની ત્યારે શંકરસિંહ વાઘેલાનું યોગદાન 66 ટકા રહ્યું છે. બાકીના 33 ટકાનું યોગદાન કેશુભાઇ પટેલ, નરેન્દ્ર મોદી અને સંજય જોષીને આભારી હતું. 121 બેઠકોની પ્રચંડ બહુમતિ માટે ભાજપમાં તે વખતે શંકરસિંહની વ્યૂહરચના વખણાતી હતી પરંતુ મુખ્યમંત્રી બનવાની ગેલછાના કારણે તેમણે ભાજપમાં બળવો કર્યો હતો અને પાર્ટી છોડી હતી, જો આ બાપુ ભાજપમાં હોત તો તેઓ ગુજરાતના મુખ્યમંત્રી અથવા કેન્દ્રમાં મિનિસ્ટર પદે રહ્યાં હોત.

      લોકોને શાસક સાથે વિપક્ષ પણ જોઇએ છે...

      ગુજરાતની જનતા એક સારો શાસક જોવે છે અને એક સારો વિપક્ષ જોવે છે. શાસકો જ્યારે સત્તાના મદમાં ભાન ભૂલે ત્યારે વિપક્ષની ભૂમિકા અતિ મહત્વની બનતી હોય છે. ગુજરાતમાં 2001 પછી મોદીનો દાયકો રહ્યો છે. તેમના નેતૃત્વમાં 2002, 2007 અને 2012ની ચૂંટણીઓ યોજવામાં આવી હતી અને ગુજરાતમાં મોદી મેઝીક ચાલ્યો છે આમ છતાં કોંગ્રેસે ત્રણેય ચૂંટણીઓમાં સરેરાશ 60 બેઠકો મેળવી છે. આ વખતે એન્ટી ઇન્કમબન્સી ફેક્ટર જોરમાં છે અને કોંગ્રેસને વિજયી બનવાની તક મળી છે ત્યારે કોંગ્રેસે મનભેદ કે મતભેદ ભૂલીને શંકરસિંહ જેવા સિનિયર મોસ્ટ નેતાઓને આગળ કરીને ચૂંટણી લડવી તે કોંગ્રેસની ભલાઇમાં છે. જો ગુજરાતમાં કોંગ્રેસને સત્તા મળે તો ઠીક નહીં તો એક મજબૂત વિરોધપક્ષ તો ચોક્કસ મળે. કાશ, આપણે ઇચ્છીએ કે લોકસભા જેવું અહીં ન થાય, લોકસભામાં વિપક્ષ નથી પણ ગુજરાતમાં આજે વિપક્ષ મોજુદ છે.

      નરેન્દ્ર મોદીને લોકો કેમ પસંદ કરી રહ્યાં છે...

      ભારતની નાજૂક બનેલી આર્થિક સ્થિતિનો સીધો ભોગ મધ્યમવર્ગ બન્યો હોઇ તે ભાજપની આભામાં અને મોદીની દિશામાં ફંટાયો હોવાનું એક ચોંકાવનારૂં સંશોધન થયું છે. આ વર્ગને મોદીમાં આશાનું કિરણ દેખાય છે એટલે જ વિવિધ રાજ્યોમાં મોદીને સહાનુભૂતિ મળી રહી છે. યુપીએ સરકારમાં આર્થિક નિતીશાસ્ત્રના નિષ્ણાંતો હોવા છતાં કંગાળ બનેલી સ્થિતિને સુધારી શક્યા ન હતા તે આશ્ચર્ય છે. પોલિટીકલ ઇકોનોમિક્સના પૂર્વ પ્રાધ્યાપક ધનશ્યામ શાહનું તારણ છે કે રણમાં ભટકેલું હરણ તરસથી પોતાની સમજણ શક્તિ ગુમાવી મૃગજળ પાછળ દોટ મૂકે છે તેમ આ દેશનો મધ્મયવર્ગ મોદીના મૃગજળમાં ફસાયો છે.આ એક એવો વર્ગ છે કે જેને આવક અને જાવકના બે છેડા ભેગા કરવાની ચિંતા છે. મોંઘવારીના સમયમાં પરિવારનું ગુજરાન ચલાવવા બજેટ ઓછું પડી રહ્યું છે. ચાર સભ્યોના ઘરને ચલાવવા માટે 2000ની સાલમાં 10 હજાર રૂપિયાની જરૂર હતી તે આજે 2017માં વધીને 25 હજાર રૂપિયા થઇ ચૂકી છે...!!

      વેપાર કરવો અને ધમકી આપવી શક્ય નથી...

      ભારતને ચાઇનાની નહીં ચાઇનાને ભારતની જરૂર છે. સરહદ પર ઘૂસણખોરી કરનારા ચીની સૈનિકોએ એ યાદ રાખવું જોઇએ કે ચીન પાસે ભારત કરતાં વધુ બહેતર બજાર ક્યાંય નથી. ભારત તરફથી ચીનમાં 68000 કરોડની નિકાસ થાય છે પરંતુ ચીન તરફથી ભારતમાં 4.11 લાખ કરોડની નિકાસ થાય છે. વેપાર કરવો અને ધમરી આપવી તે યોગ્ય નથી. ચીનના રાષ્ટ્રપતિને આ કોણ સમજાવશે. બન્ને દેશો પૈકી ચીનને વધુ નુકશાન છે. જો સરહદના કારણે ટેન્શન વધશે તો ચીનને વર્ષે ચાર લાખ કરોડ રૂપિયાનું નુકશાન જઇ શકે છે. બીજી તરફ ચીનના ટ્રેડ સરપ્લસમાં ભારત ચોથું મોટું પાર્ટનર છે.

      સરકારી મહેમાન

      આલેખન

      ગૌતમ પુરોહિત

      gpurohit09@gmail.com

       

 (09:17 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS