vividh-vibhag

News of Monday, 26th June, 2017

સરકારી મહેમાન

“મિશન-2019”: ભાજપ પ્રમુખ અમિત શાહ ‘MLA’ નહીં પણ ‘MP’ બને તેવી સંભાવના

કોઇની સામે વર્ષો સુધી લડ્યા હોઇએ અને એ ને જ સમર્થન આપવાનું થાય તો?: વિધાનસભા અને લોકસભામાં 50 ટકા મહિલા અનામત ક્યારે? મોદી શરૂઆત કરે : નિતી-નિયમો વિનાના સ્પીડબ્રેકર જોવા હોય તો ગાંધીનગરની મુલાકાત લેવી પડે

“મિશન-2019”: ભાજપ પ્રમુખ અમિત શાહ ‘MLA’ નહીં પણ ‘MP’ બને તેવી સંભાવના

      

      ગુજરાતના રાજકારણમાંથી ખૂબ જ ટૂંકસમયમાં નેશનલ લેવલે પહોંચેલા અમિત શાહ એક એવા નેતા તરીકે ઉભર્યા છે. તેમની રાજકીય કારકિર્દીના ઘડતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મોટો હાથ છે. થોડા સમય પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે અમિત શાહ હવે નેશનલ લેવલના લિડર છે અને તેઓ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેથી તેઓ 2017માં વિધાનસભાની ચૂંટણી લડશે નહીં. જો કે અમિત શાહે પણ ખુલાસો કર્યો છે કે તેઓ વિધાનસભાની ચૂંટણી લડવાની ઇચ્છા ધરાવતા નથી પરંતુ પાર્ટી કહે તેમ કરીશ તેવું તેઓએ બયાન કર્યું હતું. અમિત શાહનો ગોલ પાર્ટીને 2019ની લોકસભાની ચૂંટણી જીતાડવાનો છે. સંભવ છે કે તેઓ ગુજરાતમાંથી 2019ની લોકસભાની ચૂંટણી લડે અને કેન્દ્રીય કેબિનેટમાં બીજા નંબરનું સ્થાન હાંસલ કરે. તેમના માટે એક નહીં અનેક બેઠકો ખાલી થઇ શકે છે. હાલ તો અમદાવાદ અને ગાંધીનગરની બેઠક તેમના માટે હોટ ફેવરિટ છે.

      રાજકારણનો પહેલો પાઠ, નામ યાદ રાખો...

      કોઇને તમે નામથી બોલાવો તો આદરભાવ વધે છે. આત્મિયતા લાગે છે. મુલાકાતી કે મિત્રોના નામ યાદ રાખવાની કળા બહુ ઓછા રાજકારણીઓમાં હોય છે. ગુજરાતના નેતાઓની વાત કરીએ તો સુરતના પૂર્વ સાંસદ સ્વ. કાશીરામ રાણાને જે કોઇ મળ્યા છે તેમના નામ તેમણે યાદ રાખ્યા છે. કોંગ્રેસના શંકરસિંહ વાઘેલા પણ નામ યાદ રાખવામાં પાછા નથી પડ્યા. જાહેર ફંકશનમાં નામજોગ બોલાવે તેવા નેતા નરેન્દ્ર મોદી છે. તેમને બઘાં નામ યાદ હોય છે. ભાજપના બીજા એક નેતા અશોક ભટ્ટ હતા તેઓ બઘાંને નામથી બોલાવતા હતા. તેમની યાદશક્તિ ગજબની હતી, છ મહિના પછી પણ તેમને યાદ હોય કે આ વ્યક્તિ મને મળી ચૂકી છે... કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા અને કેન્દ્રીય મંત્રી મનીષ તિવારીની યાદશક્તિ પણ સારી છે. તેઓ લગભગ તમામ મિડીયા પર્સનને નામજોગ બોલાવે છે. ભાજપના સ્વ. હરેન પંડ્યા અને સ્વ. પ્રમોદ મહાજન પાસે પણ આ કળા હતી તેના કારણે તેઓ વધારે પોપ્યુલર બન્યા હતા. રાજકારણના પાઠ ભણવા હોય તો પહેલાં આ કળા શિખવી પડે, કે જેથી તમે મિત્રવર્તુળમાં પ્રિયપાત્ર બની રહો...

      પછી જુઓ ભાજપમાં મહિલા વોટ કેટલા પડે છે...

      આપણી 16મી સંસદમાં મહિલા સંસદસભ્યોની ટકાવારી 11 ટકા છે. 543નું સંખ્યાબળ ધરાવતી સંસદમાં આપણી પાસે 63 મહિલાઓ છે જે લોકસભાના ઇતિહાસમાં સૌથી વધુ છે. 2009માં 54 મહિલાઓ સંસદસભ્ય હતી, આમ છતાં મહિલા પ્રતિનિધિત્વ ખૂબ ઓછું છે. મહિલાઓ પુરૂષની બરોબરી કરી શકે..?.. આવો પ્રશ્ન કોઇ પૂછે તો સભ્ય સમાજ હા માં ઉત્તર આપે છે. પણ જો રાજકારણની વાત આવે તો... મૌન બની જાય છે... મહિલાઓને 50 ટકા બેઠકો આપવાની વાતો કરતા આપણા નેતાઓ મહિલાઓને સાચા અર્થમાં રાજકારણની ધૂરા સોંપી શકતા નથી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રયોગ કરે છે પણ ધારાસભા કે લોકસભામાં હરગીઝ નહીં. આપણો સભ્ય સમાજ મહિલાઓને આગળ આવવા દેતો નથી. ભલે બંધારણીય રીતે શક્ય ન હોય, પાર્ટી તો મહિલા ઉમેદવારને ટીકીટ આપી શકે છે. કોંગ્રેસ પાર્ટીમાં શક્ય નથી પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના પ્રેસિડેન્ટ અમિત શાહે 2017 અને 2019માં આ પ્રયોગ કરવો જોઇએ, પછી જુઓ ભાજપમાં મહિલા વોટ કેટલા પડે છે?!!...

      આપએ કેજરીવાલની મોનોપોલી છે...? !!

      આમ આદમી પાર્ટી એટલે કે AAP શબ્દ એ અરવિંદ કેજરીવાલની મોનોપોલી બની ગયો છે. આજે ચૂંટણી પ્રચારમાં ભાજપના નેતાઓ આપશબ્દ બોલી શકતા નથી. કોઇ બોલે તો તેને અટકાવી દેવામાં આવે છે. કોંગ્રેસ હાઇકમાન્ડનું પણ આવું જ ફરમાન છે. આપ યહાં આયે કિસ લીયે... આપને બુલાયા ઇસલિયે... આવા ગીતો પણ કેજરીવાલની પાર્ટી સિવાય કોઇ ગાઇ શકે નહીં. આમ આદમી એટલે જે લોકો સત્તામાં નથી તેવો અર્થ થાય છે. આપણે બઘાં અખબારના વાંચકો આમ આદમીમાં આવી જઇએ છીએ. જે બિઝનેસ કરે છે, જે મજૂરી કરે છે, જે નોકરી કરે છે તે આમ આદમી છે. ટેરરિસ્ટ ઉપર બનેલી અને પ્રખ્યાત થયેલી વેડન્સડે નામની હિન્દી ફિલ્મમાં નસીરૂદ્દીન શાહ સત્ય સામે લાવતી વખતે અનુપમ ખેરને કહે છે કે હું બીજો કોઇ નહીં, ‘આમ આદમી છું...

      કોંગ્રેસ જ મોદીનું કામ આસાન બનાવે છે...

      કોંગ્રેસને હરાવવા માટે ભાજપ કે મોદીની જરૂર નથી, કારણ કે કોંગ્રેસમાં જ એકબીજાના એટલા બધા વિરોધીઓ છે કે મોદીનું કામ આસાન કરી નાંખે છે.આ વાક્ય હવે ચવાઇ ગયું છે, કેમ કે 1995 પછી ગુજરાતમાં આવેલી તમામ ચૂંટણીના પરિણામો પછીની સમીક્ષામાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓને આ શબ્દો જ સાંભળવા મળ્યા છે. અમારા વિસ્તારમાં આ એક ઉમેદવાર છે જે ચૂંટણી જીતી શકે છે તેથી આ વખતે ટીકીટ તો તેને જ આપજો...એવી ઉદારતા કોંગ્રેસના એકપણ સિનિયર નેતામાં રહી નથી. બીજાના ટાંટીયા ખેંચીને ઉપર આવનારા નેતાઓની અછત નથી. બીજી પાર્ટીમાંથી કોંગ્રેસમાં આવેલા એક પૂર્વ ધારાસભ્યએ કહ્યું હતું કે અમારા વિધાનસભા મત વિસ્તારમાં મને એક નેતાએ કહ્યું હતું કે આપણા વિસ્તારમાં સિનિયર મોસ્ટ એક નેતા છે જેઓ ચૂંટણી ક્યારેય જીત્યા નથી, પણ તમારે તેમને સરન્ડર થઇને ચૂંટણી લડવી પડશે. આ નેતાની દિલ્હીમાં વગ છે.”... જો કે આ પૂર્વ ધારાસભ્ય પેલા નેતાને વશ ન થયા, પરિણામ એ આવ્યું કે લાખોનો ખર્ચ કરવા છતાં છેલ્લી બે ચૂંટણીમાં તેઓ વિજયી બની શક્યા નહીં...કારણ સાફ છે ; કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારને હરાવવા માટે પેલા નેતાએ ભાજપના ઉમેદવાર પાસેથી રૂપિયા ઉઘરાવી લીધા હતા...!!

      ચૂંટણી પહેલાં જોઇએ, કેટલા પાટલી બદલે છે...

      કોંગ્રેસનો જૂનો માલ ભાજપના ગોડાઉનમાં ઠલવાઇ રહ્યો છે તે જોતાં ભાજપના એક સિનિયર નેતાએ કહ્યું હતું કે અમારા પાર્ટીના સમર્થક કાર્યકરો અને આગેવાનો આ પ્રવાહથી ખૂબ નારાજ છે, કારણ કે આજ-કાલમાં પાર્ટીમાં જોડાયેલા નેતાઓને સીધા પાવરમાં લઇ લેવામાં આવે છે. જેની સામે ચૂંટણી લડ્યા હોઇએ તેનો પ્રચાર કરવા જવું પડશે. કોંગ્રેસમાં જ્યારે જનતાદળ-ગુજરાતનું વિલિનિકરણ થયું ત્યારે કોંગ્રેસની હાલત ભાજપ જેવી હતી. નવા લોકોને સમાવીને તેમના માટે ચૂંટણીનું કામ કરવું ખૂબ કપરૂં હતું. કોંગ્રેસના સિનિયર નેતાઓ અને કાર્યકરો નવા લોકોને શંકાની નજરે જોતાં હતા. આ તો કોઇ માતા-પિતાએ પોતાની પાસે પુત્ર હોવા છતાં કોઇના બાળકને દત્તક લીધો હોય તેવો ઘાટ ઘડાયો છે. જે ઉમેદવારની સામે ચૂંટણી લડ્યા હોઇએ તે ઉમેદવારને જીતાડવાનું કામ કરવું કેટલું કપરૂં હોય છે તે જાણવું હોય તો કોંગ્રેસના નેતાઓને પૂછવું પડે...2017ની વિધાનસભા ચૂંટણી આવી છે ત્યારે ભાજપે કોંગ્રેસના મજબૂત ઉમેદવારો પર નજર દોડાવી છે, જોઇએ કેટલા પાટલી બદલે છે..!!

      મિનરલ બોટલની ટેવથી ટેક્સ આવ્યા...

      નર્મદાનું જળ આપણને મફતમાં પીવા મળતું નથી. સરકાર તેના રૂપિયા વસૂલ કરે છે. સામાન્ય જનતા જ નહીં, ઉદ્યોગો અને ખેડૂતો પણ પાણીના દામ ચૂકવે છે. પાણી તો ઠીક આપણે તો કુદરતી હવાનો પણ ઇનડાયરેક્ટલી ટેક્સ ભરીએ છીએ. સરકાર હવે આપણને મફતમાં કંઇ આપવા માગતી નથી કારણ કે તે વેપારી બની ચૂકી છે. મહાઅમાત્ય ચાણક્યએ કહ્યું છે કે જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી’.. આપણે મતદારો ભિખારી બની ગયા છીએ. આ વાત એટલા માટે યાદ આવી કે સરકારે નર્મદા પાણીના દરો વધાર્યા છે. આ ભાવ સ્થિર રહેવાની કોઇ ગેરંટી નથી.મજાની વાત એવી છે કે આપણે બિસલરીની બોટલમાં 20 રૂપિયાનું એક લીટર પાણી જ્યારથી પીવાનું શરૂ કર્યું ત્યારથી સરકારે પાણીના ભાવ નક્કી કર્યા છે. ગાંધીનગરમાં નર્મદાનું પાણી આવે છે છતાં સચિવાલયમાં મિનરલ કલ્ચર છે. સરકાર એ બતાવવા માગે છે કે અમે પણ પાણીના દામ ચૂકવીએ છીએ, તો જનતાએ તો આપવા જ પડે ને...!!

      નેશનલ પાર્ટીઓની સંખ્યા ઘટીને છ થઇ છે...

      ભારતમાં 1951માં સૌ પહેલી લોકસભાની ચૂંટણી યોજવામાં આવી ત્યારે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય પાર્ટીઓની સંખ્યા માત્ર 14 હતી જેમાં કોંગ્રેસનો દબદબો હતો. અધર સ્ટેટ પાર્ટીઓની સંખ્યા પણ 38 હતી. કુલ મળીને દેશમાં 53 પાર્ટીઓ તેમના ઉમેદવારો ઉભા રાખતી હતી. આજે ભારતમાં મલ્ટી-પાર્ટી સિસ્ટમ કાર્યરત છે. આજે ભારતના ચૂંટણી પંચમાં રજીસ્ટર્ડ થયેલી પાર્ટીઓની સંખ્યા 1761 છે જેમાં આઠ નેશનલ પાર્ટી, 48 સ્ટેટપાર્ટી અને 1706 અનરેકગ્નાઇઝ્ડ પાર્ટીઓ છે. આઠ નેશનલ પાર્ટીમાં ઓલ ઇન્ડિયા ત્રુણમૂલ કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી, ભારતીય જનતા પાર્ટી, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા- માર્કસિસ્ટ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, જનતાદળ-યુનાઇટેડ અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી છે...

      સ્પીડબ્રેકરોની નગરી તમે જોઇ છે?!!...

      ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં બનાવવામાં આવેલા સ્પીડબ્રેકર્સ નિતી નિયમો અને ધારાધોરણો પ્રમાણે બનાવવામાં આવ્યા નથી. ઠેરઠેર જોવા મળતા સ્પીડબ્રેકર્સ અકસ્માતો રોકતા નથી પણ તેમાં વધારો કરે છે. નિયત હાઇટ કરતાં વધુ ઉંચાઇના બ્રેકરોએ હાઇટમાં નીચી ગાડીઓ માટે મુસિબત સર્જી છે છતાં રોડ સેફ્ટિના નિયમોનું ખુદ સરકારે જ પાલન કર્યું નથી. સ્પીડ બ્રેકરોની જગ્યાએ બેરિયર અત્યંત સફળ નિવડ્યાં છે. સચિવાલય જતા માર્ગો પર કે સર્કલો પર મૂકવામાં આવેલા બેરિયર્સના કારણે પાટનગરમાં અકસ્માતો ઘટ્યાં છે પરંતુ સ્પીડબ્રેકરોના કારણે વઘ્યાં છે. ન્યૂ ગાંધીનગરમાં તો એવું કહેવાય છે કે આ વિસ્તારમાં માર્ગ ઓછા છે અને સ્પીડબ્રેકર્સ વધારે છે. એક કિલોમીટ કે 500 મીટરની મર્યાદા પણ તેમાં ચૂકી જવામાં આવી છે. પાંચ ડગલાં ચાલીએ ત્યારે સ્પીડબ્રેકર સામે આવે છે.

      બાઉન્સર જોઇએ છે, તો અહીં જાવ...

      ગુજરાત સરકારમાં સલામતી રક્ષકોની જગ્યાએ બાઉન્સરો રાખવામાં આવે તો આપણને એટલા રક્ષકો જનતાની સલામતી માટે મળી શકે છે. આપણા દેશમાં બાઉન્સરોની અછત નથી. બસ, દિલ્હી જાવ અને બાઉન્સર તૈયાર. અસૌલા અને ફતેહપુર બેરી એ નવી દિલ્હીથી 20 કિલોમીટર દૂર દુનિયામાં સૌથી મજબૂત ગામ છે. આ ગામને બાઉન્સરની વસતીનું ગામ કહેવામાં આવે છે, કારણ કે પ્રત્યેક ઘરમાં એક બાઉન્સર જોવા મળે છે. ગામનું પ્રત્યેક બાળક પહેલવાન છે. દિલ્હીની નાઇટ ક્લબમાં આ ગામના બાઉન્સર જોવા મળે છે. આ ગામનો એકપણ બાળક એવો નહીં હોય કે જેણે જીમ જોઇન્ટ નહીં કર્યું હોય. મજાની બાબત એવી છે કે આ ગામનો પ્રત્યેક વ્યક્તિ કસરત કરે છે. કોઇપણ બાળક શરાબ પીતું નથી કે તમાકુનું સેવન નથી. ગામનો ગોલ બાઉન્સર છે. બાઉન્સર માટે દિવસમાં ચાર લિટર દૂધ અને બે કિલો દહીં અનિવાર્ય છે. પ્રત્યેક વ્યક્તિ તેના ડાયટનો ખાસ ખ્યાલ રાખે છે. ફિલ્મોમાં નહીં, હકીકતમાં આ જ છે દંગલ...

      ફેક જાહેરખબર :

      કોંગ્રેસને ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં વિધાનસભાના મજબૂત ઉમેદવાર જોઇએ છે, જીતી શકે તેવા ઉમેદવારો સંપર્ક કરે...!!

      સરકારી મહેમાન

      આલેખન

      ગૌતમ પુરોહિત

      gpurohit09@gmail.com

       

 (09:20 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS