vividh-vibhag

News of Monday, 12th June, 2017

શાસક પક્ષને 95 અને વિપક્ષને 87 બેઠકો મળે તો ગુજરાતના શાસનની ‘મજા’ આવે

એવા પરિવારો છે કે જેઓ કહે છે- અમને પેટ્રોલ કે ડિઝલ નહીં હવા જોઇએ: પાન સેન્ટર- મુંબઇમાં બે કિલોમીટરે એક, ગુજરાતમાં 15 ડગલાં ચાલો એટલે : આ દેખે જરા કિસમે કિતના હૈ દમ- કઇ પાર્ટીના નેતા કઇ પાર્ટીમાં જોડાય છે

શાસક પક્ષને 95 અને વિપક્ષને 87 બેઠકો મળે તો ગુજરાતના શાસનની ‘મજા’ આવે

       ગુજરાતને નબળી સરકાર જોઇતી નથી તેવી રીતે નબળો વિરોધપક્ષ પણ જોઇતો નથી. શાસનના આટલા વર્ષોમાં કેન્દ્ર સરકારમાં આટલો બઘો નબળો વિપક્ષ જોવામાં આવ્યો નથી. મોદી મેઝિકથી લોકસભામાં વિપક્ષનું નામોનિશાન નથી. વિપક્ષી નેતા વિના સંસદ ચાલે છે. ગુજરાતની સ્થિતિ દિલ્હી જેવી ન થાય તે માટે કોંગ્રેસે જાહેર જનતાના હિતમાં થોડી વધારે મહેનત કરવી પડશે, કેમ કે શાસક પક્ષની જેમ વિપક્ષ જો સબળ હશે તો સરકારના ખોટા નિર્ણયોને આંતરી શકાશે. લોકશાહી સાચા અર્થમાં પ્રજાશાહી બનવી જોઇએ. કહેવાય છે કે કોઇ નેતા કે પાર્ટી પાવરફુલ હોતી નથી, લોકો તેને પાવરમાં લાવે છે પરંતુ પાવર આવી ગયા પછી એ જનતાનો કે જેમણે મતો આપ્યા છે તેનો તિરસ્કાર શરૂ થઇ જાય છે. ભાજપના જ એક સિનિયર ધારાસભ્યએ સોચનિય કોમેન્ટ કરી હતી. તેમણે કહ્યું હતું કે- ગુજરાતમાં ભલે અમારી પાર્ટી સત્તામાં આવે, વિપક્ષ પણ મજબૂત હોવો જોઇએ. તેઓ માને છે કે 182ની વિધાનસભામાં સત્તાધારી પક્ષને 92 બેઠકો જોઇએ, પરંતુ શાસક પક્ષને 95 અને વિપક્ષને 87 બેઠકો મળવી જોઇએ.

      MLA તોડવાના દાવા- શાહ વર્સિસ સિંહ...

      ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં એક બીજાના મજબૂત ધારાસભ્યો અને નેતાઓને તોડવાની પરંપરા ચાલુ રહે તેવી સંભાવના છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની નજર કોંગ્રેસના દોઢ ડઝન ધારાસભ્યો પર છે ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી દાવા સાથે કહે છે કે અમે તેનાથી વધુ ભાજપના ધારાસભ્યોને તોડવાના છીએ. આ વખતે શાહ સામે સિંહની ટક્કર છે. અહીં એક સવાલ એ થાય છે કે કોંગ્રેસમાં કોણ મુખ્યમંત્રી બનશે તે નક્કી નથી, શંકરસિંહ વાઘેલાનું ઠેકાણું પડ્યું નથી ત્યારે ભાજપના ક્યા ધારાસભ્ય પર કોંગ્રેસની નજર છે તે સમજાતું નથી. બીજી તરફ 1995 પછી સત્તામાં બેઠેલું ભાજપ 2001 પછી સ્થિર સરકાર આપી રહ્યું છે. દેશમાં પણ ભાજપ તરફી પવન ફેલાયેલો છે ત્યારે ભાજપ છોડીને કોંગ્રેસમાં કોણ જશે તે એક મોટો પ્રશ્નાર્થ છે. ગુજરાત કોંગ્રેસમાં તો હારવા માટે ચૂંટણીમાં ઉભા રહેવા માટે દાવેદારોની કોઇ કમી વર્તાય તેવી નથી...!!

      50 લાખ પરિવારો સાયકલ પણ વાપરે છે...

      ગુજરાતમાં સાયકલનો ક્રેઝ વધતો જાય છે. આ ક્રેઝ વધવાનું મુખ્ય કારણ લોકોની આરોગ્ય પ્રત્યેની જાગૃતિ અને વધતા જતા ઇંઘણના ભાવો કહી શકાય છે. ટૂંકા અંતરની સફરમાં મધ્યમ પરિવારના સભ્યો સાયકલ ચલાવતા થયા છે. પરિણામે 20 વર્ષ પહેલાં 600 થી 1000 મળતી સાયકલના ભાવ આજે 5000 રૂપિયા સુધી પહોંચી ગયા છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સાયકલ ધરાવતા પરિવારોની સંખ્યા 50 લાખને ક્રોસ કરી રહી છે. મહત્વની બાબત એવી છે કે ગામડાં કરતાં શહેરોમાં સાયકલ રાખવાનું પ્રમાણ વધારે છે. રાજ્યના શહેરી વિસ્તારમાં સાયકલ ચલાવતા પરિવારોની સંખ્યા 25 લાખ જેટલી થવા જાય છે. એકલા ગાંધીનગરમાં 1.25 લાખ પરિવારો સાયકલ ધરાવે છે જ્યારે અમદાવાદ કોમર્શિયલ સિટી છે તેથી મજૂર વર્ગ વધારે હોવાથી સાયકલની સંખ્યા સાત લાખથી વધારે છે. ગુજરાતમાં કુલ 1.75 કરોડ પરિવારો વસી રહ્યાં છે.

      125 કરોડની વસતીમાં 78 કરોડ સ્માર્ટફોન...

      ભારતમાં સ્માર્ટફોનની સંખ્યા હાલ 50 કરોડ છે પરંતુ ડેટાની વધી રહેલી માંગને જોતાં નેટવર્કિંગ જાયન્ટ સિસ્કો માને છે કે દેશમાં સ્માર્ટફોનની સંખ્યા આગામી ચાર વર્ષમાં 17 ટકાના વૃદ્ધિદરે વધીને 78 કરોડ પહોંચી જશે. ભારતની વસતી 152 કરોડ છે તે પૈકી હાલ 108 કરોડ મોબાઇલ યુઝર્સ છે. અત્યારે સ્માર્ટફોન યુઝર્સને પ્રતિ માસ એક જીબી ડેટા જોઇએ છે જે 2021 સુધીમાં બે જીબી કરતાં પણ વધી જાય તેવી સંભાવના છે. છેલ્લા વિઝ્યુઅલ નેટવર્કિંગ ઇન્ડેક્સ (વીએનઆઇ) મુજબ 2021 સુધીમાં કુલ બે અબજ નેટવર્ક ડિવાઇસીસ-લેપટોપ, પીસી, ટેબ્લેટ્સ, હેન્ડસેટ્સ વગેરેના વેચાણમાં સ્માર્ટફોનનો હિસ્સો 38 ટકા હશે. જે 2016માં 26 ટકા એટલે કે 35.92 કરોડ એકમ છે. જ્યારે 2021 સુધીમાં સ્માર્ટફોન ન હોય તેવા ફોનની સંખ્યા 2016ના 49 ટકા એટલે કે 68.2 કરોડ ફોનથી ઘટીને 2021 સુધીમાં 23.5 ટકા એટલે કે 48.16 કરોડ ફોન થઈ જશે. 2021 સુધીમાં ઈન્ટરનેટ યુર્ઝરની સંખ્યાની 3730 લાખ યુર્ઝરથી વધીને 8290 લાખ યુર્ઝર થશે એવું તાજેતરના રિપોર્ટ ઉપરથી જાણવા મળ્યુ છે. એક અંદાજ મુજબ દેશમાં 59 ટકા જેટલા લોકો ઈન્ટરનેટ યુઝ કરે છે.

      કેન્દ્રએ જળ વિદ્યુત પર ફરી નજર દોડાવી...

      પહેલાં કોલસા આધારિત વીજળીને પ્રોત્સાહન આપવામાં આવતું હતું પછી જળ આધારિત અને ગેસ બેઝ પ્રોજેક્ટોને માન્યતા આપવામાં આવી હતી. સરકારે તેનું વિદ્યુત મિશન બદલીને બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત તરફ નજર દોડાવી અને સોલારનો જન્મ થયો. સોલારની અપૂરતી વીજળીને પૂર્ણ કરવા માટે મૃતપ્રાય બનેલી જળ વિદ્યુતને ફરી અગ્રતાક્રમ આપવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર જળ વિદ્યુત ક્ષેત્રને સંકટમાંથી બહાર લાવવા 16,000 કરોડનું પેકેજ લઇને આવી રહી છે. જળ વિદ્યુતમાં 11639 મેગાવોટના પ્રોજેક્ટ માટે વ્યાજદરમાં ચાર ટકાની છૂટ અને જળ વિદ્યુત વિકાસ ફંડની જોગવાઇ કરવામાં આવનાર છે. જળ વિદ્યુતના પ્રોજેક્ટોને બચાવવા માટે સરકાર આ સહાય લઇને આવી રહી છે જેમાં સરકારી અને ખાનગી પ્રોજેક્ટ્સને મદદ આપવાનો પ્લાન છે.

      ઉદ્યોગોમાં માનવતા મરી પરવારી નથી...

      ગુજરાતમાં ઉદ્યોગ સ્થાપ્યા પછી ઉદ્યોગજૂથો સ્થાનિક ડેવલપમેન્ટ માટે વિચારતા નથી તેવા મહેણાં હવે મારી શકાય તેમ નથી કારણ કે ગુજરાતના ઉદ્યોગો તેમના પ્લાન્ટની આસપાસના વિસ્તારમાં સેવાભાવી કાર્યો કરી રહ્યાં છે. કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલીટીઝ- સીએસઆરના આંકડા પ્રમાણે પ્રતિવર્ષ 15000થી વધુ ઉદ્યોગજૂથો 900 કરોડનું કોન્ટ્રીબ્યુશન કરે છે. ગુજરાત સીએસઆર ઓથોરિટીના ચેરમેન મહેશ્વર શાહુના જણાવ્યા પ્રમાણે રાજ્ય સરકારે 13000 કંપનીઓનો ડેટાબેઝ બનાવ્યો છે કે જેઓ સીએસઆરનું પાલન કરે છે. ભારત સરકારના કંપની લો ના કાયદા પ્રમાણે પ્રત્યેક ઉદ્યોગજૂથે તેના નેટ એન્યુઅલ પ્રોફિટના બે ટકા સીએસઆરમાં ફરજીયાત આપવાના રહે છે. આ ફંડ માટે સરકારે 11 જેટલા સબ્ઝેક્ટ્સ ફાઇલન કર્યા છે. વાત પણ સાચી છે કે- સરકાર ઉદ્યોગજૂથને જમીન સહિત ટેક્સના તમામ પ્રલોભનો આપે છે ત્યારે ઉદ્યોગજૂથની પણ કેટલીક સામાજીક ફરજો બને છે...

       

      પડોશી રાજ્યોમાં દારૂબંધી લાદો, તો પરિણામ...

      ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી ત્યારે જ શક્ય બને કે જ્યારે ગુજરાતના પડોશી રાજ્યો ઉપર દારૂબંધીનો પ્રતિબંધ લાદવામાં આવે એવું એક બયાન હોમ ડિપાર્ટમેન્ટના સિનિયર ઓફિસરે કર્યું છે. તેમના કહેવા પ્રમાણે મહાત્મા ગાંધી એ માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશના હતા, તો શા માટે ભારત સરકાર સંપૂર્ણ દેશમાં દારૂબંધી લાગુ કરી શકતી નથી. ગુજરાતમાં દારૂ બનતો નથી પણ પાડોશી રાજ્યોમાંથી પ્રવેશે છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા અને મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રતિદિન ઢગલો દારૂ ખડકાય છે. આ રાજ્યોમાં પ્રતિબંધ હોય તો ગુજરાતને પછી કોઇની ફિકર નથી. ભારત સરકારે દરમ્યાનગીરી કરીને આ રાજ્યોમાં દારૂબંધી લાગુ કરવી જોઇએ. જો તેમ નહીં થાય તો છૂપી રીતે ગુજરાતમાં રોજેરોજ દારૂ ઠલવાશે અને એટલો જ ચોરી-છૂપીથી પિવાશે...

      રૂપિયા કમાવ અને સરકારમાં ટેક્સ ભરો...

      ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ- જીએસટી-નો અમલ થયા પછી પણ ટેક્સના ભારણમાં ઘટાડો થવાની શક્યતા નહીંવત જણાય છે, કારણ કે જે ચીજવસ્તુઓ જીએસટીમાં આવતી નથી, જે સેવાઓ જીએસટી હેઠળ નથી તેમાં સાત પ્રકારના ટેક્સ ચાલુ રહી શકે છે. જીએસટી અમલમાં આવ્યા પછી જે સેસ ચાલુ રહેસે તેમાં આયાત માલ પર શિક્ષણ સેસ, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ સેસ, ક્રુડ ઓઈલ પર સેસ, ડીઝલ અને મોટર સ્પ્રિટ પર રોડ સેસ, તમાકુ અને તમાકુ ઉત્પાદનો તથા ક્રુડ ઓઈલ પર એનસીસીડીનો સમાવશે થાય છે. આને કહેવાય ટેક્સ પર ટેક્સ.. સેસ ના નામે લોકોના ખિસ્સા ખાલી કરીને સરકાર શું મેળવવા માગે છે તે સમજાતું નથી. રૂપિયા કમાવ અને રૂપિયા વાપરો, તમારે સરકારમાં કંઇ આપવાનું નથી તેવું તો માત્ર દુબાઇના શાસકો જ કરી શકે છે, હિન્દુસ્તાનના શાસકો પાસેથી એવી અપેક્ષા પણ થઇ શકે તેમ નથી.

      મુંબઇ-દિલ્હીમાં પાનનો ગલ્લો શોધવો પડે...

      જાહેરમાં ધુમ્રપાન એ ગુનો છે. ગુટખા ખાવા પર પાબંધી છે તેમ છતાં ગુજરાતમાં આ બન્ને ચીજોનું ચલણ જરા પણ ઓછું થયું નથી. જ્યાંથી કાયદા બને છે તે સચિવાલયમાં તો છૂટથી આ બઘી ચીજવસ્તુઓ મળે છે. ગુજરાતમાં પાન-બીડીના જેટલા સેન્ટરો હશે તેટલા બીજા કોઇ રાજ્યમાં કદાચ નહીં હોય... સચિવાલયની ફરતે જ નાના-મોટા મળીને 150 જેટલા વ્યસન સેન્ટરો મોજૂદ છે. મુંબઇના હાર્ટ વિસ્તારમાં તમે ફરતા હોવ તો તમને બે-ત્રણ કિલોમીટર સુધી પાનનો એકપણ ગલ્લો જોવા મળતો નથી. નવી દિલ્હીમાં પણ પાનનો ગલ્લો આસાનીથી મળી શકતો નથી જેની સામે અમદાવાદ, રાજકોટ, સુરત કે વડોદરામાં 15 ડગલા ચાલો ત્યારે પાન સેન્ટર સામે આવે છે.

      ટીચર કરતાં સ્ટુડન્ટ પાવરફુલ બની ગયા...

      ભારતમાં બિઝનેસ કરવો હોય અને ઝડપથી પ્રોજેક્‍ટ પાસ કરવો હોય તો ટોપ ટેન રાજયોમાં ભાજપ શાસિત રાજયોની સંખ્‍યા ૮ થવા જાય છે. ભારતમાં બિઝનેસમેન માટે યોગ્‍ય રાજયની પસંદગી કરવી હોય તો સૌથી ટોચ પર આંધ્રપ્રદેશ આવે છે. બીજાક્રમે નોન ભાજપ શાસિત રાજયમાં તેલંગાણા આવે છે. આઠ વાયબ્રન્‍ટ ઇન્‍વેસ્‍ટર્સ સમિટ કર્યા પછી પણ આ યાદીમાં ગુજરાતનો ક્રમ ત્રીજો છે. હંમેશા ગુજરાત નંબર વનનો દાવો કરતી સરકાર માટે આ શરમજનક બાબત છે. ભારતના અન્‍ય રાજયોમાં છત્તીસગઢ, મધ્‍યપ્રદેશ, હરિયાણા, ઝારખંડ, રાજસ્‍થાન, ઉત્તરાખંડ અને મહારાષ્ટ્ર બિઝનેસ કરવા યોગ્‍ય રાજયો છે. ગુજરાતની આ સ્‍થિતિ માટે એક સિનિયર આઇએએસ અધિકારીએ એવો આરોપ મૂક્‍યો હતો કે ગુજરાતમાં સિંગલ વિન્‍ડો સિસ્‍ટમ અને પ્રોજેક્‍ટને ઝડપથી મંજૂરી આપવામાં થતો વિલંબ એ મુખ્‍ય કારણ છે.

      સરકારી મહેમાન

      આલેખન

      ગૌતમ પુરોહિત

      gpurohit09@gmail.com

       

 (09:48 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS