Mukhy Samachar

News of Monday, 17th July, 2017

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન પૂર્ણ : ૨૦મીએ મતગણતરી થશે

રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ પદની સ્પર્ધામાં સૌથી આગળ રહ્યા છે : રામનાથ કોવિંદ અને મીરાકુમારની વચ્ચે સીધી સ્પર્ધા : નરેન્દ્ર મોદી, અમિત શાહ, મનમોહનસિંહ, સોનિયા ગાંધી સહિતના તમામે મતદાનમાં ભાગ લીધો

   નવી દિલ્હી,તા. ૧૭ : દેશના ૧૪માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે સાનુકુળ વાતાવરણમાં મતદાન યોજાયું હતું. આ વખતે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદ અને કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષના ઉમેદવાર મીરાકુમાર વચ્ચે સીધી સ્પર્ધા છે. મતદાન સાંજે પાંચ વાગે પૂર્ણ થયા બાદ હવે મતગણતરી ૨૦મી જુલાઈના દિવસે દિલ્હીમાં થશે જ્યાં જુદા જુદા રાજ્યોના પાટનગરથી મતપેટીઓ લાવવામાં આવશે.સંસદના બંને ગૃહોમાં સાંસદોના મતદાન માટે વ્યવસ્થાકરવામાં આવી હતી જ્યારે રાજ્ય વિધાનસભાઓમાં ત્યાંના ચુંટાયેલા સભ્યોએ મતદાન કર્યું હતું. આંકડાઓની દ્રષ્ટિએ કોવિંદ હોટફેવરિટ દેખાઈ રહ્યા છે પરંતુ પરિણામ ૨૦મીના દિવસે જાહેર થશે અને દેશના ૧૪માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બનશે કે પછી મીરાકુમાર બનશે તે અંગેનો ફેેંસલો થશે. આજે સવારેથી જ મતદાનને લઇને અભૂતપૂર્વ ઉત્સાહ રહ્યો હતો. અગાઉ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે સવારે મતદાનની શરૂઆત થઇ હતી. સૌથી પહેલા મતદાન કરનારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ રહ્યા હતા. સવારે ભારે ઉત્સાહ વચ્ચે મતદાનની શરૂઆત કરાયા બાદ સાંજે પાંચ વાગ્યા સુધી  મતદાન ચાલ્યું હતું. સંસદના બન્ને ગૃહોમાં મતદાન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજ્ય વિધાનસભામાં પણ ચૂંટાયેલા ધારાસભ્યો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. ઉત્તરપ્રદશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ ઉત્તર વિધાનસભામાં મતદાન કરવા માટે પહોંચ્યા હતા. મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાં પણ મતદાન યોજાયું હતું. ૨૦૧૨માં છેલ્લી રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રણવ મુખર્જીએ પીએ સાંગ્માને હાર આપી હતી અને ૬૯ ટકાથી વધારે મત મેળવ્યા હતા. બેલેટ પેપરો સવારે મતદાન મથકો ઉપર પહોંચ્યા હતા. સાંસદોેને ઇલેક્ટોરલ કોલેજમાં તેમના સિરિયલ નંબરની માહિતી આપી દેવામાં આવી હતી. મતદાનના અંતે  બેલેટ બોક્સ સોમવાર સાંજથી સંસદીય ગૃહમાં લાવવાની શરૂઆત થઇ હતી. બેલેટ બોક્સને સ્ટ્રોંગ રુમમાં મુકવામાંઆવી રહ્યા છે. ૨૦મી જુલાઇના દિવસે બેલેટ બોક્સના સીલ ખોલવામાં આવશે જેમાં ચૂંટણી પેનલના નિરીક્ષકો અને બે ઉમેદવારોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. જીતેલા ઉમેદવારને રિટર્નિંગ ઓફિસર દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે.વિમાની મથકથી સીધીરીતે સંસદ સુધી બેલેટ પેપર પહોંચે તેની ખાતરી કરવા ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

   આજે દેશના ૧૪માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું.  રામનાથ કોવિંદ અને મીરાકુમાર બંને દલિત સમુદાયમાંથી આવે છે. બંને દ્વારા ચૂંટણીમાં જીત મેળવવા માટેના પોતપોતાની રીતે પ્રયાસો કરવામાં આવી ચુક્યા છે. રામનાથ કોવિંદ મુખ્યરીતે ભાજપ સાથે જોડાયેલા છે. તેમને કેટલાક પ્રાદેશિક પક્ષોને ટેકો મળી ચુક્યો છે. બીજી બાજુ કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો દ્વારા સંયુક્તરીતે મીરાકુમારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વિરોધ પક્ષો આને શાસક પક્ષની સામે વૈચારિક લડાઈ તરીકે ગણાવી રહ્યા છે. ચૂંટણીમાં મતગણતરીની પ્રક્રિયા ૨૦મી જુલાઈના દિવસે યોજાશે. એજ દિવસે પરિણામ પણ જાણી શકાશે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની અવધિ પૂર્ણ થાય તેના ચાર દિવસ પહેલા પરિણામ આવી જશે. નવા રાષ્ટ્રપતિ ૨૫મી જુલાઈના દિવસે જવાબદારી સંભાળી લેશે. અધિકારીઓનું કહેવું છે કે, સંસદીય ગૃહમાં મતદાન રૂમ નંબર ૬૨માં થયું હતું. આંકડાકીય ગણતરી પર ધ્યાન આપવામાં આવે તો બિહારના પૂર્વ રાજ્યપાલ કોવિંદ મીરાકુમારથી આગળ છે. જનતાદળ યુનાઈટેડ, બીજુ જનતાદળ દ્વારા પણ તેમને ટેકો આપવાનો નિર્ણય કરાયો છે. એક સમયે ભાજપની સાથે રહેલા આ બંને પક્ષો કોવિંદની તરફેણમાં મતદાન કરનાર છે. જનતા દળયુનાઇટેડ ૧.૯૧ ટકા ઇલેક્ટોરલ વોટ ધરાવે છે જ્યારે બીજેડી ૨.૯૯ ટકા ઇલેક્ટોરલ કોલેજ વોટ ધરાવે છે. તેલંગાણામાં ટીઆરએસ બે ટકા, અન્નાદ્રમુક ૫.૩૯ ટકા, વાયએસઆર કોંગ્રેસ ૧.૫૩ ટકા ઇલેક્ટોરલ કોલેજ વોટ ધરાવે છે. આજે સવારથી જ મતદાનને લઇને ભારે ઉત્સાહ સાંસદો અને ધારાસભ્યોમાં દેખાયો હતો. કેરળ, તમિળનાડુ, મહારાષ્ટ્ર, તેેલંગાણા, આંધ્ર સહિતના રાજ્યોમાં શરૂઆતમાં ધીમીગતિએ મતદાન થયું હતું.

 (07:34 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો