Mukhy Samachar

News of Monday, 17th July, 2017

મુંબઈ એરપોર્ટથી લશ્કરનો કુખ્યાત ત્રાસવાદી ઝડપાયો

સલીમ ખાનની આકરી પૂછપરછનો દોર શરૂ : સલીમ મુઝફ્ફરાબાદમાં ત્રાસવાદી કેમ્પમાં ટ્રેનિંગ લઇ ચુક્યો છે : લુકઆઉટ નોટિસના આધારે કરાયેલ ધરપકડ

મુંબઈ એરપોર્ટથી લશ્કરનો કુખ્યાત ત્રાસવાદી ઝડપાયો

   મુંબઈ, તા. ૧૭ : ઉત્તર પ્રદેશ એટીએસ અને મહારાષ્ટ્ર પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે. આ બંનેના સંયુક્ત ઓપરેશનમાં લશ્કરે તોઇબાના કુખ્યાત આતંકવાદી સલીમ ખાનને પકડી પાડવામાં સફળતા મળી છે. મુંબઈ વિમાની મથકથી તેને પકડી લેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ પોલીસ સલીમને ૨૦૦૮થી શોધી રહી હતી. થોડાક દિવસ પહેલા ફૈઝાબાદથી ધરપકડ કરવામાં આવેલા આઈએસઆઈ એજન્ટ આફતાબની પુછપરછમાં સલીમના સંદર્ભમાં માહિતી મળી હતી. કુખ્યાત સલીમ મુઝફ્ફરાબાદ ત્રાસવાદી કેમ્પમાં હથિયારોની ટ્રેનિંગ પણ લઇ ચુક્યો છે.

   આઈએસઆઈ એજન્ટા આફતાબે પુછપરછ દરમિયાન કહ્યું હતું કે, સલીમ તેને વિદેશથી જરૂરી સૂચન કરતો હતો અને પૈસા પણ મોકલી રહ્યો હતો. ૨૦૦૮માં રામપુર સીઆરપીએફ કેમ્પમાં કરવામાં આવેલા હુમલા વેળા બે ત્રાસવાદીઓ કૌશર અને શરીફને પકડી પાડવામાં આવ્યા હતા. આ બંનેએ કહ્યું હતું કે, સલીમે તેમની સાથે મળીને ૨૦૦૭માં મુઝફ્ફરાબાદમાં ટ્રેનિંગ લીધી હતી. પોલીસ ટીમ સલીમને શોધી કાઢવા માટે લૂકઆઉટ નોટિસ જારી કરી હતી. જેના આધાર પર તેને મુંબઈ વિમાની મથકે રોકવામાં આવ્યો હતો. સલીમ ખાન મૂળભૂતરીતે ઉત્તર પ્રદેશના ફતેપુરમાં બંદીપુર ગામનો નિવાસી છે. એટીએસ આઈજી અસીમ અરુણે માહિતી આપતા કહ્યું છે કે, ધરપકડ કરવામાં આવ્યા બાદ સલીમની હવે ઉત્તર પ્રદેશ પોલીસ તથા મહારાષ્ટ્ર પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. ચોંકાવનારી વિગતો સપાટી પર આવે તેવી શક્યતા છે. કોઇ ખતરનાક કનેક્શન તેના ભારતના જુદા જુદા રાજ્યોમાં છે કે કેમ તેની પુછપરછ ચાલી રહી છે. તેના સાગરિતો અંગે પણ માહિતી મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે. તેની પાસેથી કોઇ વાંધાજનક દસ્તાવેજ મળ્યા છે કે કેમ તે અંગે માહિતી મળી શકી નથી પરંતુ પુછપરછ જારી છે.

 (07:31 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો