Mukhy Samachar

News of Monday, 17th July, 2017

નાદારી અંગેની પ્રક્રિયાને પડકારતી એસ્સારની અરજી કોર્ટે અંતે ફગાવી

એસ્સારને નાદાર જાહેર કરવાની પ્રક્રિયા ચાલુ રહેશે : એસ્સાર ૪૫ હજાર કરોડથી વધુના દેવામાં ડૂબેલી હોવાથી ગુજરાત હાઇકોર્ટે કોઇ પણ રાહત આપવાનો સાફ ઇનકાર કરી દીધો : એસ્સારને મોટો ફટકો

      અમદાવાદ, તા.૧૭ :        એસ્સાર સ્ટીલ લિમિટેડ કંપની સામે કરોડો રૃપિયાના બાકી લ્હેણાં-દેવાને લઇ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક સહિતની બેંકો દ્વારા નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ(એનસીએલટી)માં એસ્સારને નાદાર જાહેર કરવા હાથ ધરાયેલી પ્રક્રિયાને પડકારતી એસ્સાર કંપનીની રિટ અરજી આજે ગુજરાત હાઇકોર્ટે આજે એક મહત્વના ચુકાદા મારફતે ફગાવી દીધી છે. હાઇકોર્ટે આકરું વલણ અપનાવી એસ્સાર કંપની રૃ.૪૫ હજાર કરોડથી વધુના દેવામાં ડૂબેલી હોઇ તેને કોઇપણ પ્રકારની રાહત આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. હાઇકોર્ટના આ ચુકાદાને પગલે જુદી જુદી બેંકો દ્વારા એનસીએલટીમાં એસ્સાર સામે નાદાર જાહેર કરવા હાથ ધરાયેલી નાદારીની પ્રક્રિયા ચાલુ રહેશે. ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદાને પગલે એસબીઆઇ સહિતની બેંકોને બહુ મોટી રાહત મળી છે, તો બીજીબાજુ, હજારો કરોડના દેવામાં ડૂબેલી એસ્સાર કંપનીને બહુ મોટો વજ્રાઘાત પડયો છે. હાઇકોર્ટે સાફ કરી દીધુ હતું કે, પ્રસ્તુત કેસમાં આરબીઆઇએ કોઇપણ પ્રકારનો પક્ષપાત કે ભેદભાવ કર્યો હોય તેમ જણાતું નથી. રિઝર્વ બેંકનું પગલું કોઇપણ રીતે ગેરવાજબી પણ જણાતુ નથી. એસ્સાર સ્ટીલ લમિટેડ દ્વારા ઇનસોલ્વન્સી અને બેંકરપ્ટસી કોડ(આઇબીસી)-૨૦૧૬ની જોગવાઇ હેઠળ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(આરબીઆઇ)એ તા.૧૩-૬-૨૦૧૭ના એક મહત્વના આદેશ મારફતે એસ્સાર સહિતની ૧૨ કંપનીઓ સામે આઇબીસી હેઠળ પ્રોસીડીંગ્સ હાથ ધરવાની આપેલી મંજૂરીને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. એસ્સાર દ્વારા આરબીઆઇના આ નિર્ણયને, સ્ટાન્ડર્ડ ચાર્ડર્ડ બેંક દ્વારા તેમની વિરૃધ્ધ હાથ ધરાયેલી પ્રોસીડીંગ્સને તેમ જ નેશનલ કંપની લો ટ્રિબ્યુલન(એનસીએલટી)માં હાથ ધરાયેલી પ્રોસીડીંગ્સને અટકાવવા અને રદબાતલ ઠરાવવા દાદ માંગવામાં આવી હતી. એસ્સારની પિટિશનનો વિરોધ કરતાં આરબીઆઇ તરફથી જણાવાયું હતું કે, દેશની જીડીપીના પાંચ ટકા એટલે કે, રૃ.૭૫ હજાર કરોડ જેટલી રકમ પબ્લીક સેકટરની બેંકોમાં એનપીએ(નોન પરર્ફોમીંગ એસેટ) છે, જે આવી કંપનીઓ ચૂકવતી નથી. દેશની મોટી ૧૨ કંપનીઓ પાસેથી દેશની બેંકોનું કુલ ૨૫ ટકા જેટલું એનપીએ છે. દેશના અર્થતંત્રને સુદ્રઢ કરવા માટે પબ્લીક સેકટરની બેંકોનું એનપીએ ઘટે તે આવશ્યક છે અને તેના માટે જરૃરી પગલા લેવા અનિવાર્ય છે. દેશનું જીડીપી પાંચ ટકા એટલે કે, ૭૫ હજાર કરોડ જેટલી રકમ આ એનપીએમાં બેંકો ફસાઇ પડી છે. તેથી આ રકમ પરત મેળવવી અત્યંત આવશ્યક છે. એસ્સારનું દેવું ૨૦૧૬ની સ્થિતિએ રૃ.ત્રીસ હજાર કરોડનું હતું, તે ૨૦૧૭માં વધીને રૃ.૩૨,૮૦૦ કરોડનું થયું છે. એટલે કે, રૃ.૨૮૦૦કરોડના દેવાનો વધારો થયો છે. આ સંજોગોમાં કંપની પોતાની સ્થિતિ સુધરી હોવાનો જે દાવો કરે છે તે બિલકુલ ખોટો અને વાહિયાત છે.

       

 (07:28 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો