Mukhy Samachar

News of Monday, 17th July, 2017

સંસદ સત્રનો પ્રારંભઃ GST - નોટબંધી - કાશ્મીર - ગૌરક્ષા - ચીન ગાજશે

શાસક - વિપક્ષે એકબીજાને ભીડવવા બાંયો ચડાવીઃ સત્ર હંગામેદાર રહેશેઃ સત્ર ૧૧ ઓગસ્ટ સુધી ચાલશેઃ આજની બેઠક મૃતકોના માનમાં મોકુફઃ કાલથી ધબધબાટીઃ સરકાર ૨ ડઝન જેટલા ખરડા રજુ કરશે

સંસદ સત્રનો પ્રારંભઃ GST - નોટબંધી - કાશ્મીર - ગૌરક્ષા - ચીન ગાજશે

      નવી દિલ્હી તા. ૧૭ : આજથી સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. આજે મૃતકોના માનમાં કાર્યવાહી મોકુફ રાખવામાં આવી છે. આવતીકાલથી સત્રમાં કાર્યવાહી હાથ ધરાશે. આ સત્ર ૧૧ ઓગસ્ટ સુધી ચાલશે જે દરમિયાન કાશ્મીર, ચીન, ગૌહત્યા, ખેડૂતો, જીએસટી, નોટબંધીના મુદ્દાઓ ગર્જે તેવી શકયતા છે.

      ગૌરક્ષાને નામે કાયદાનો ભંગ, ખેડૂતો દ્વારા આંદોલન, કાશ્મીરમાં અશાંતિ, કથિત ભ્રષ્ટાચારને મામલે વિપક્ષના અમુક નેતાઓ વિરુદ્ઘ કાયદા એજન્સીઓ દ્વારા કાર્યવાહી અને ચીન સાથેની મડાગાંઠ સહિતના મુદ્દે સંસદના ચોમાસું સત્ર દરમિયાન સરકારને ભીંસમાં લેવાની વિપક્ષે યોજના બનાવી છે.

      લોકસભા અને રાજયસભા એમ બંનેના હાલના સભ્યનાં થયેલા મૃત્યુને કારણે બંને ગૃહની આજની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવશે અને મંગળવારથી ગૃહની કાર્યવાહી ગંભીરતાપૂર્વક આગળ વધારવામાં આવશે. સંસદનું ચોમાસુ સત્ર ૧૧ ઓગસ્ટ સુધી ચાલશે.

      રાજયસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે રવિવારે સ્પષ્ટ કર્યું હતું કે કાશ્મીર તેમ જ ચીન સાથેની મડાગાંઠને મુદ્દે વિપક્ષ સરકારને ભીંસમાં લેશે.

      કાશ્મીર મુદ્દે સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે કાશ્મીર મુદ્દે સરકારે વાટાઘાટના તમામ રસ્તા બંધ કરી દીધા હોવાને કારણે કાશ્મીર ખીણપ્રદેશમાં રાજકીય ગૂંગળામણની સ્થિતિ નિર્માણ પામી છે.

      કાશ્મીર મુદ્દે ચીન સાથે મતભેદ નવો મુદ્દો બની ગયો હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે ભુતાન ત્રિભેટા નજીક ડોકલામ વિસ્તારમાં સર્જાયેલી મડાગાંઠને મુદ્દે વિપક્ષ સંસદમાં ચર્ચાની માગણી કરશે.

      ગૌરક્ષાને નામે મુસ્લિમો અને દલિતોને નિશાન બનાવી રહેલા બની બેઠેલા ગૌરક્ષકો દ્વારા કરવામાં આવતી હિંસાના કેસને મામલે ડાબેરી પક્ષ અને કોંગ્રેસ સહિતના વિપક્ષો ગંભીર છે, એમ તેમણે કહ્યું હતું.

      સંસદમાં વિપક્ષ દ્વારા કરવામાં આવનારા સંભવિત પ્રહારને મામલે સુરક્ષિત વલણ અપનાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સ્પષ્ટ કર્યું હતું કે ગૌરક્ષાને નામે કાયદો હાથમાં લેતા લોકો વિરુદ્ઘ રાજયોએ કડક હાથે કાર્યવાહી કરવી અને આ પ્રકારની દ્યટનાઓ રાજકીય કે કોમી સ્વરૂપ ધારણ ન કરે તેનું ધ્યાન રાખવું. સરકારને ભીંસમાં લેવા વિપક્ષ નોકરીની અછતનો મુદ્દો પણ હાથ પર લે તેવી શકયતા છે.

      લોકસભાની ચૂંટણી દરમિયાન નોકરીની તકો ઊભી કરવાના આપેલા વચનનું પાલન કરવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાનું જણાવતાં જેડી (યુ)ના નેતા શરદ યાદવે કહ્યું હતું કે વિપક્ષ સંસદમાં આ મુદ્દો પણ ઉપાડી લેશે.

      વિરોધ પક્ષના એક પીઢ નેતાએ એવું જણાવ્યું હતું કે, અમે સરકારને કેટલાક મહત્વના મુદ્દા પર ઘેરવાનો અને તેની પાસેથી જવાબો માગવાનો પ્રયાસ કરીશું. સીપીઆઇના નેતા ડી રાજાએ જણાવ્યું હતું કે, દેશમાં ગૌહત્યાના મામલે ચોક્કસ વર્ગના લોકો સાથે કરવામાં જુલમ બાબતે સરકાર પાસેથી જવાબો માગીશું.

      આવા બનાવોથી ભારતના ખ્યાલ અને દેશની સામાજીક સુલેહ સામે જોખમ ઉભું થાય છે. બીજી બાજુ, સરકાર કેટલાક મહત્વના ખરડા પસાર કરાવવામાં વિપક્ષનો સાથ-સહકાર માગવાનો પ્રયાસ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર આ સત્રમાં બે ડઝન જેટલા ખરડા રજૂ કરવા જઇ રહી છે અને તેના માટે ૨૦ સીટીંગ જરૂર પડશે.(૨૧.૫)

       

 (10:15 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો