Mukhy Samachar

News of Monday, 17th July, 2017

રાહુલ કોંગ્રેસનું સુકાન સંભાળે તે પુર્વે બનશે નવી ટીમ

એક પ્રભારી એક પ્રદેશની ફોર્મ્યુલા પર સંગઠન તૈયાર થઇ રહ્યુ છેઃ અનેકને નવી જવાબદારી તો અનેકનું કદ ઘટશે

રાહુલ કોંગ્રેસનું સુકાન સંભાળે તે પુર્વે બનશે નવી ટીમ

   નવી દિલ્હી તા.૧૭ : સંગઠન ચૂંટણી થકી કોંગ્રેસની કમાન સંભાળતા પહેલા પક્ષના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની ટીમની રચનાની શરૂઆત કરી છે. રાહુલે નવી ટીમમાં અનેક સભ્યોને સંગઠનમાં મહત્વની જવાબદારી સોંપી છે જયારે અનેક વરિષ્ઠ નેતાઓનુ કદ ખુદ ઘટી ગયુ છે.

   રાહુલ ગાંધીએ ગયા મહિને એઆઇસીસીમાં અનેક ફેરફારો કર્યા હતા. એક પ્રભારીને એક રાજયનો પ્રભાર એ ફોર્મ્યુલા તેમને લાગુ કરી છે. આનાથી અનેક રાજયોનો પ્રભાર સંભાળી રહેલા પક્ષના કેટલાક મહામંત્રીઓને રાહત મળી છે પરંતુ તેઓનો પ્રભાવ ઘટયો છે. કેટલાક મહામંત્રીઓ પાસે હજુ પણ એકથી વધુ રાજયોનો પ્રભાર છે. પક્ષના એક નેતાએ કહ્યુ છે કે સંગઠન ચૂંટણીની પ્રક્રિયા પુરી થાય ત્યાં સુધીમાં એક પ્રભારી એક પ્રદેશની ફોર્મ્યુલા સંપુર્ણ રીતે લાગુ થઇ જશે. મતલબ સ્પષ્ટ છે કે અધ્યક્ષ બનતા પહેલા રાહુલ ગાંધીની ટીમ તૈયાર થઇ જશે.

   પક્ષના નેતાએ કહ્યુ છે કે રાહુલ અનુભવ અને યુવાનોનું સમતોલપણું ઇચ્છે છે તેથી જ તેમણે વરિષ્ઠ નેતા અશોક ગેહલોટને ગુજરાતના પ્રભારી બનાવ્યા છે. તેમણે આરપીએન સિંહ, કે.સી.વેણુગોપાલ અને એ.ચલ્લાકુમારને નવી ટીમમાં સંગઠનની જવાબદારી સોંપી છે. આ સિવાય રાહુલ ગાંધી દરેક પ્રભારી સાથે ઓછામાં ઓછા બે મંત્રીઓની નિયુકિત પણ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં થયેલી ફેરબદલમાં પક્ષ ઉપાધ્યક્ષ ર૦થી વધુ યુવા નેતાઓને સચિવ નિયુકત કરી ચુકયા છે.

   રાહુલની એક પ્રભારી એક પ્રદેશ ફોર્મ્યુલાથી અનેક વરિષ્ઠ નેતાઓનુ કદ ઘટી જશે. જેમાં સી.પી.જોશી, મોહન પ્રકાશ, દિગ્વિજયસિંહ, મુકુલ વાસનીક, અંબિકા સોનીનો સમાવેશ થાય છે. તેઓ પાસે એકથી વધુ રાજયોનો હવાલો છે. નવી ટીમમાં પરેશ ધાનાણીને મહત્વની ભુમિકા મળશે. ચૂંટણી સાથે સંકળાયેલા મધુસુદન મીસ્ત્રીએ કહ્યુ છે કે, સંગઠનની ચૂંટણી પ્રક્રિયા ૧પ ઓકટોબર સુધીમાં પુરી કરી લેવાશે.(૩-૨)

   ગુજરાતમાં કોંગ્રેસને જીતાડવા સેવાદળ મેદાનમાં

   અમદાવાદ : ગુજરાતમાં પોતાનુ નસીબ ચમકાવવા માટે કોંગ્રેસે સેવાદળની મહત્વની સેવાઓ લેવાનું નક્કી કર્યુ છેઃ સેવાદળના કાર્યકરો  જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ કોંગ્રેસના વિચારો લોકો સમક્ષ રજુ કરશેઃ ગઇકાલે અહી સેવાદળની પ્રદેશ કારોબારી મળી હતીઃ જેમાં સેવાદળે પોતાના માતૃપક્ષ પાસે ૧પ બેઠકો માંગી હતીઃ સેવાદળે નવુ સુત્ર જારી કર્યુ છે એક રાત એક ગામ, જેમાં કાર્યકરો ગુજરાતના દરેક ગામમાં એક રાત વિતાવી કોંગ્રેસનો સંદેશો લોકો સુધી પહોંચાડશેઃ આ માટે કાર્યકરોને તાલીમ પણ અપાશેઃ આ બેઠકમાં સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ મહેન્દ્ર જોશી પણ હાજર રહ્યા હતાઃ તેમણે કહ્યુ હતુ કે અમે કોંગ્રેસ માટે પડકારરૂપ બેઠકો ઉપર વધુ ધ્યાન આપશુઃ ગુજરાત કોંગ્રેસ સેવાદળના પ્રમુખ મંગલસિંહ સોલંકીએ કહ્યુ હતુ કે, ગુજરાતની ચૂંટણીમાં નવસર્જન ગુજરાતનું લક્ષ્યાંક અમે સાધીને જ ઝંપશુઃ દરેક વિધાન સભા બેઠક માટે અમે બે વ્યકિતની ઇન્ચાર્જ તરીકે નિમણુંક કરશુઃ બુથ મેનેજમેન્ટ પણ મજબુત બનાવાશેઃ કોંગ્રેસ અને સેવાદળમાં નવા સભ્યોને લેવાશે.

 (10:13 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો