Samachar Gujarat

News of Monday, 17th July, 2017

વરસાદની સાથે સાથે........

ગોંડલની વાસાવડી નદીમાં પુરની સ્થિતિ

   ગોંડલની વાસાવડી નદીમાં પૂર

      ગોંડલમાં આજે ચારથી પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકતાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા. રોડ-રસ્તાઓ, ખેતરો અને કોઝ-વે પાણીમાં ડૂબ્યા હતા. ગોંડલની વાસાવડી નદીમાં વરસાદી પાણીની આવક વધતાં જાણે પૂરની સ્થિતિ સર્જાઇ હતી. વાસાવડી નદીમાં પૂરની સ્થિતિને લઇ તંત્ર દ્વારા નદી કાંઠાના અસરગ્રસ્ત પરિવારોને સલામત સ્થળે ખસેડાયા હતા. તો, અધિકારીઓને પૂરની સ્થિતિને લઇ એલર્ટ કરી દેવાયા હતા.

    અમરેલીના ઉંડવડ ગામે ૧૦થી વધુ લોકોને બચાવાયા

   અમરેલી જિલ્લામાં આજે ભારે વરસાદને કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ખાસ કરીને અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી જોર વધારે જોવા મળ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં ભારેથી અતિભારે ધોધમાર વરસાદ ખાબકયો હતો. જેના કારણે, ઉંડવડ ગામમાં તો બેટ જેવી પરિસ્થિતિ સર્જાઇ ગઇ હતી. ઉંડા પાણીમાં ફસાયેલા ૧૦થી વધુ લોકોને તંત્રએ બચાવી લીધા હતા અને સહીસલામત સ્થળે ખસેડયા હતા.

   દેરડીકુંભાજી ગામના ખેતરોમાં પાણી ફરી વળ્યા

   દેરડીકુંભાજી ખાતે ચાર ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાતા આ વિસ્તારના નદી-નાળા બે કાંઠે થયા હતા. ગામના કેટલાય ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. જો કે, આ પંથકના ખેડૂતોએ વરસાદને પગલે ખુશીની લાગણી વ્યકત કરી હતી.

   રાજકોટમાં ધીમી ધારે વરસાદ ચાલુ

   રાજકોટમાં આજે મેઘરાજાએ ધીમી ધારનો વરસાદ વરસાવ્યો હતો. છેલ્લા બે-ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદથી સમગ્ર રાજકોટ અને તેની આસપાસના વિસ્તારોને ઘમરોળ્યા બાદ મેઘરાજાએ સહેજ પોરો ખાધો હતો અને રાજકોટ પંથકમાં ધીમી ધારે વરસાદ ચાલુ રાખ્યો હતો.

   દીવના ઘોઘલા ગામેથી માછીમારનો મૃતદેહ મળ્યો

      દીવના દરિયાઇ પટ્ટા વિસ્તારમાં ઘોઘલા ગામેથી એક માછીમારનો મૃતદેહ મળ્યો હતો. વરસાદી મેઘતાંડવ અને તોફાની દરિયામાં ગઇકાલે પણ કેટલાક માછીમારો દીવના વિસ્તારમાં ફસાયા હતા. જો કે, આજે ઘોઘલા ગામેથી માછીમારનો મૃતદેહ મળતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. છેલ્લા ત્રણ દિવસમાં આ બીજા માછીમારનું મોત નોંધાયું હતું.

   હજુ ૨૪ કલાક ભારે વરસાદની આગાહી

      રાજયમાં હજુ પણ ૨૪ કલાક સુધી કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.  જેમાં કચ્છ-સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાવાની શકયતા છે. બીજીબાજુ, બંગાળની ખાડીમાં અપરએર સરકયુલેશન સીસ્ટમ સક્રિય બનતાં તા.૨૧થી ૨૩ જૂલાઇ દરમ્યાન પણ રાજયમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 (08:21 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS