Samachar Gujarat

News of Monday, 17th July, 2017

બાપુ જન્મદિવસે ''નિવૃત્તિ''નો કરશે ધડાકો !!

રાહુલ ગાંધીએ શંકરસિંહજી મળ્યા ત્યારે ૧૭ મી સુધી ''ખોભરી'' જવા અને બાદમાં પ્રશ્ન હાથ પર લેશુ તેમ કહેલું પરંતુ.... : અમરનાથ યાત્રીના મોત અને પુરપ્રકોપની : પરિસ્થિતિના કારણે જન્મદિવસ નહીં ઉજવે ર૧ મીએ કોંગ્રેસને રામ-રામ કરવાના મળતા નિર્દેશોઃમહેન્દ્રસિંહ અલગ નિર્ણય લઇ શકે છે : રાજય સભા પહેલા અડધો ડઝન ધારાસભ્યો પણ કરી શકે છે બાય-બાય કોંગ્રેસ !! : રાજયસભા પછી વધુ ૧૦ થી ૧પ ધારાસભ્યો પણ 'અલવીદા'ના મૂડમાં!

બાપુ જન્મદિવસે ''નિવૃત્તિ''નો કરશે ધડાકો !!

   રાજકોટ, તા. ૧૭ :. વિપક્ષી નેતા શંકરસિંહજી વાઘેલાની માંગણી આમ તો મહત્તમ ધારાસભ્યો અને આગેવાનોની માંગણી છે પરંતુ હાલ હાઈકમાન્ડ એ માંગણીઓ સંપૂર્ણ સ્વીકારી શકે તેવી 'પોઝીશન'માં નથી પરિણામે બાપુ ૨૧મીએ પોતાના જન્મદિવસે કોંગ્રેસને રામ રામ અને રાજકીય નિવૃતિનો નિર્ણય લેશે તેમ ચોક્કસ કોંગ્રેસી વર્તુળોમાં સ્પષ્ટ ચર્ચાઈ રહ્યુ છે.

   બાપુ તેમનો જન્મદિવસ મનાવવાના નથી અને વસંતવગડા ખાતે ભોજન સમારંભ કે કોઈ ઉજવણીનું આયોજન કરવાના નથી પરંતુ શંકરસિંહજી રાજકીય બાબતોના કારણે ભારે નારાજગી અનુભવી રહ્યા છે અને નિવૃતિનું લગભગ નક્કી કરી નાખ્યુ છે.

   અમરનાથ યાત્રીઓના મૃત્યુ અને ગુજરાતમાં પુર-પ્રકોપની સ્થિતિના કારણે બાપુએ આ વખતે જન્મદિવસે કોઈ ભપકો કે ઉજવણી ન કરવાનો નિર્ણય કર્યાનું ચર્ચાય છે.

   બાપુના અંગત સમર્થકોમા ચર્ચાતી વિગતો મુજબ શંકરસિંહજી વાઘેલા છેલ્લા જ્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ  રાહુલ ગાંધીને મળ્યા ત્યારે ચર્ચા દરમ્યાન રાહુલ ગાંધીએ ૧૭મી જુલાઈ એટલે કે રાષ્ટ્રપતિની ચૂંટણી સુધી રાહ જોવાનું કેટલુ અને ૧૭મી પછી ગુજરાતનો પ્રશ્ન હાથ પર લેશે તેમ જણાવ્યાનું મનાય છે.

   જો કે આજ સુધી આ અંગે કોઈ ચહલપહલ જોવા મળી નથી અને હવે બાપુ અને કોંગ્રેસ બન્ને આ 'સંતાકુકડી' અને 'ખો'ની રમતથી થાકયાનું મનાય છે, પરિણામે બાપુ થાકી-કંટાળીને પોતાના જન્મ દિવસ ૨૧મી જુલાઈએ નિવૃતિનો નિર્ણય જાહેર કરી શકે છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે, બાપુએ અગાઉ પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કહ્યુ છે કે, તેઓ ભાજપમાં કોેઈ કાળે નહી જોડાય એ વખતે પણ એ આગમનો વર્તારો બાપુએ આપ્યો હતો અને હવે રાજકીય નિવૃતિ જાહેર કરશે પરંતુ પોતે ભાજપમાં નહીં જોડાય.બાપુ ૨૧મીએ નિવૃતિનો નિર્ણય કરી શકે છે તે બિનસત્તાવાર અહેવાલ છે પરંતુ આ અહેવાલ સાચા પડી શકે છે. જો કોંગ્રેસ ભરતસિંહ સોલંકીને પ્રદેશ પ્રમુખ પદેથી હટાવવાનો નિર્ણય કરે તો વાત જુદી છે પરંતુ મહદઅંશે રાજકીય નિવૃતિનો નિર્ણય લેવા બાપુ કટીબદ્ધ હોવાનું અનુમાન તેમના નજીકના વર્તુળો દ્રઢતાપૂર્વક માને છે. આ ઉપરાંત કોંગ્રેસમાં ભંગાણ નિશ્ચિત હોવાનું અને રાજ્યસભા ચૂંટણી પહેલા છએક ધારાસભ્યો કોંગ્રેસને રામ રામ કરી શકે છે અને રાજ્યસભા બાદ વધુ ૧૦ થી ૧૫ ધારાસભ્યો કોંગ્રેસને અલવિદા કરી શકે છે તેવા પણ સ્પષ્ટ વાવડ મળી રહ્યા છે.એમ મનાય છે કે, મહેન્દ્રસિંહ વાઘેલા, સી.કે. રાઉલજી, રામનગર પરમાર, રાઘવજીભાઈ પટેલ, હકુભા જાડેજા સહિતના ધારાસભ્યોએ કોંગ્રેસને રામ રામ કરવાનું મન મનાવી લીધુ છે પરંતુ કોઈ અગમ્ય કારણોસર ૧૦ થી ૧૫ ધારાસભ્યો રાજ્યસભા પછી કોંગ્રેસ છોડી ભાજપનો પાલવ પકડશે તેમ પણ દ્રઢતાપૂર્વક ચર્ચાય છે.આજની તારીખે ઉભા થયેલા નવા સમીકરણોથી નવી રાજકીય હલચલ આવતીકાલથી શરૂ થઈ જાય તેવી પણ ચર્ચા છે ત્યારે આગામી રાજ્યસભામાં ગુજરાતની ત્રીજી બેઠક માટેનો જંગ ભારે રસાકસીભર્યો બની શકે છે.

 (03:49 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS