Mukhy Samachar

News of Friday, 17th February, 2017

મસૂદ અઝહર પર પ્રતિબંધ મુદ્દે વધુ પુરાવાઓની જરૃર છે : ચીન

ખતરનાક ત્રાસવાદી મસૂદ અઝહર મુદ્દે ચીનનું જિદ્દી વલણ : ભારત તેમજ ચીનની વચ્ચે ૨૨મી ફેબ્રુઆરીના દિવસે યોજાનારી વ્યૂહાત્મક મહત્વપૂર્ણ મંત્રણા પહેલા ચીને પોતાની સ્થિતિને સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો

   બેજિંગ, તા.૧૭ : ભારત સાથે તેની અતિ મહત્વપૂર્ણ વ્યૂહાત્મક મંત્રણા પહેલા ચીને કુખ્યાત ત્રાસવાદી અને જૈશે મોહંમદના લીડર મસૂદ અઝહરના મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ચીને આજે કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદ અઝહર ઉપર  પ્રતિબંધ મુકવાના ભારતના પ્રયાસોને ટેકો આપવા માટે તેને વધુ મજબૂત પુરવા આપવાની જરૃર છે. અત્રે નોંધનિય છે કે વિદેશ સચિવ એસ.જયશંકર અને ચીનના કારોબારી નાયબ વિદેશ મંત્રી ઝાંગ યેસુઈ દ્વારા ૨૨મી ફેબ્રુઆરીના દિવસે બેજિંગમાં વ્યૂહાત્મક મંત્રણાના નવા રાઉન્ડની બેઠક યોજનાર છે. બંને દેશો વચ્ચે યોજાનારી આ વ્યૂહાત્મક બેઠક પહેલા ચીને મસૂદ અઝહરના મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ચીને કહ્યું છે કે સંયુક્ત રાષ્ટ્રના મસૂદ ઉપર પ્રતિબંધ મુકવાના ભારતના પ્રયાસોને ટેકો આપવા વધુ મજબૂત પુરાવા ભારતને આપવા પડશે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ માહિતી આપતા કહ્યું છે કે બંને દેશો આંતરરાષ્ટ્રીય સ્થિતિ, પારસ્પરીક હિતોના જુદા જુદા વિષયો, ક્ષેત્રીય મામલાઓ પર ચર્ચા કરશે. ભારત અને ચીન વચ્ચે સંબંધોને મજબૂત કરવાના મુદ્દા ઉપર આ ચર્ચા થશે. દ્વિપક્ષીય સંબંધોમાં કેટલાક મુદ્દા પર રહેલી ખેંચતાણ અંગે વાત કરતા ચીનનું કહેવું છે કે મસૂદ અઝહર જેવા મુદ્દા ઉપર ભારતને ટેકો આપતા પહેલા તેને વધારે નક્ક પુરાવાની જરૃર છે. સાથે સાથે ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં ભારતની એન્ટ્રી પણ નથી. ચીનમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું કહેવું છે કે બંને દેશો અન્ય તમામ મુદ્દાઓ ઉપર એક સમાન અભિપ્રાય ધરાવે છે. તમામ પ્રકારની વાતચીત અને આપ-લે રચનાત્મક માહોલમાં થશે. મતભેદોને ઘટાડવાના તમામ પ્રયાસ આ બેઠકમાં કરવામાં આવશે. સહકાર મેળવવાના મુદ્દે સર્વસંમતિ સાધવાના પ્રયાસ પણ થશે. અઝહરના મુદ્દા ઉપર ચીને હંમેશા અમેરિકા અને ભારતની હિલચાલને રોકી દીધી છે. ત્રાસવાદીઓની યાદીમાં જૈશે મોહંમદના લીડરને મુકવાને લઈને ચીને હંમેશા વીટોનો ઉપયોગ કર્યો છે. ચીનનું કહેવું છે કે જો મસૂદ અઝહરની સામે વધુ નક્કર પુરાવા ભારત આપશે તો આ હિલચાલને ટેકો આપશે. ભારતે ચીનની હિલચાલ સામે શરૃઆતથી જ વાંધો ઉઠાવ્યો છે. બીજી બાજુ ભારત તરફથી હજુ સુધી આ સંદર્ભમાં કોઈ પ્રતિક્રિયા કરવામાં આવી નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝેંગ સુવાંગ તરફથી જણાવવામાં આવ્યું છે કે આ મુદ્દો દ્વિપક્ષીય નથી બલ્કે બહુપક્ષીય છે. બંને દેશો વચ્ચે ૨૨મી ફેબ્રુઆરીના દિવસે મળનારી બેઠક મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આ બેઠકમાં બંને પક્ષ તમામ મુદ્દાઓને આવરી લેશે. સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી જાહેર કરવાની ભારતની હિલચાલ ઉપર ચીને હંમેશા વાંધો ઉઠાવ્યો છે. ચીનના પ્રવક્તાનું કહેવું છે કે ચીન ન્યાય, નિષ્પક્ષતા અને પ્રોફેશનના સિદ્ધાંત ઉપર કામ કરે છે. તેના માટે જરૃરી ચર્ચામાં હિસ્સેદારીની તરફેણ કરે છે. છેલ્લા ચાર વર્ષ ભારત દ્વારા કરવામાં આવેલી અરજીને લઈને તે પોતાનું વલણ બદલશે નહીં. અમારો માપદંડ એ છે કે નક્કર પુરાવા હોવા જોઈએ. જો નક્કર પુરાવા છે તો મંજુરી મળી શકે છે. પુરાવા નહીં હોવાની સ્થિતિ સહમતી થઈ શકશે નહીં. ચીને આવું જિદ્દી વલણ અગાઉ પણ  અનેક વખત અપનાવ્યું છે. જેથી ભારત સામે તકલીફ છે.

 (07:25 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો