Mukhy Samachar

News of Friday, 17th February, 2017

માત્ર ચૂંટણી વેળા જ મોદીને ખેડૂતો યાદ આવે છે : રાહુલ

ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં રાહુલ દ્વારા આક્રમક ચૂંટણી પ્રચાર : ખેડૂતોની લોન માફી, વીજ બિલ માફી અને પેદાશો માટે ખેડૂતોને સારા પૈસા મળે તે જ અમારી ઈચ્છા છે : રાયબરેલીમાં રાહુલની રેલીમાં લોકો ઉમટ્યા

માત્ર ચૂંટણી વેળા જ મોદીને ખેડૂતો યાદ આવે છે : રાહુલ

   રાયબરેલી, તા.૧૭ : કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે રાયબરેલીમાં ચૂંટણી રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા. યુપીમાં ભાજપ સરકાર બનવા પર ખેડૂતોની લોન માફ કરવામાં આવશે તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વચન ઉપર પ્રતિક્રિયા આપતા રાહુલે કહ્યું હતું કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે મોદીને ખેડૂતો યાદ આવે છે. તેમણે કહ્યું હતું કે યુપીએ દ્વારા પણ ખેડૂતોની લોન માફ કરવામાં આવી હતી. તે વખતે ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસની સરકાર ન હતી. રાહુલ ગાંધીની આ રેલી દરમ્યાન તેમની બહેન પ્રિયંકા ગાંધી વાઢેરા પણ મંચ ઉપર હાજર હતા. આ વખતે વિધાનસભા ચૂંટણી દરમ્યાન પ્રથમ વખત પ્રિયંકા મંચ ઉપર નજરે પડી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમને માત્ર ત્રણ ચીજો જોઈએ છે. જે પૈકી એક ખેડૂતોની લોન માફ કરવામાં આવે, વીજળી બિલ માફ કરવામાં આવે અને જે પાક પેદા થાય છે તેના માટે ખેડૂતોને પુરતી અને સારી કિંમત મળે. રાહુલે કહ્યું હતું કે તેઓ મોદીની ઓફિસમાં ગયા હતા. મોદીને કહ્યું હતું કે ઉત્તરપ્રદેશના બે કરોડ ખેડૂતોની લોન માફ કરી દેવામાં આવે. રાહુલે કહ્યું હતું કે મોદી સમક્ષ એવી અપીલ પણ કરવામાં આવી હતી કે ખેડૂતની ઈચ્છા લોનમાફીની છે. તે વખતે મોદીએ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. એક શબ્દનો પણ ઉપયોગ કર્યો ન હતો. હવે જ્યારે ચૂંટણી આવી છે ત્યારે ખેડૂતો યાદ આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે મોદી વચનો આપે છે પરંતુ પાળતા નથી. પોતાની વાત કહેવા માટે રાહુલે બે લોકપ્રિય ફિલ્મોનો ઉપયોગ કર્યો હતો. કોંગ્રેસના નાયબ અધ્યક્ષે કહ્યું હતું કે અમને દિલવાલે દુલ્હનિયાના શાહરૃખખાનને દર્શાવવામાં આવ્યો હતો પરંતુ અમને સોલેના ગબ્બરસિંહ મળી ગયા છે. કોંગ્રેસના નાયબ અધ્યક્ષે મોદીના એવા નિવેદન ઉપર પણ પ્રતિક્રિયા આપી હતી જેમાં તેમણે કહ્યું હતું કે તેમને યુપી દ્વારા દત્તક લેવામાં આવ્યા છે. રાહુલે કહ્યું હતું કે સંબંધો બોલવાથી નહીં પરંતુ નિભાવવાથી બને છે. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાને માં ગંગા માટે પણ ઘણા વચનો આપ્યા છે પરંતુ માત્ર વચન જ રહ્યા છે, પાળવામાં આવ્યા નથી. વડાપ્રધાને તો અચ્છે દિનના વચનો પણ આપ્યા હતા પરંતુ અચ્છે દિન દેખાતા નથી.

    

 (07:24 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો