Mukhy Samachar

News of Friday, 17th February, 2017

ઇન્કમટેક્ષ મહેશ શાહ સામે કોઇ પગલા નહી લ્યેઃ નામ પણ જાહેર નહિ કરે

રૂ.૧૩૮૬૦ કરોડની આવક જાહેર કરનાર મહેશ શાહના પુર્વ સીએ શેઠનાનો સનસનીખેજ ખુલાસોઃ સમગ્ર મામલા પાછળ અત્યંત શકિતશાળી લોકો છેઃ ઇન્કમટેક્ષ વિભાગ પણ આઇપીસી કે આઇટી એકટ હેઠળ મહેશ સામે કોઇ કાર્યવાહી નહી કરે

ઇન્કમટેક્ષ મહેશ શાહ સામે કોઇ પગલા નહી લ્યેઃ નામ પણ જાહેર નહિ કરે

   નવી દિલ્હી તા.૧૭ : ૩૦મી સપ્ટેમ્બર ર૦૧૬ના રોજ ઇન્કમ ડિસ્કલોઝર સ્કીમ હેઠળ રૂ.૧૩૮૬૦ કરોડની આવક જાહેર કરનાર અમદાવાદના પ્રોપર્ટી ડિલર મહેશ શાહના પુર્વ સીએ તેહમુલ શેઠનાએ જણાવ્યુ છે કે મહેશ શાહે તપાસનીશ અધિકારીઓ સમક્ષ વટાણા વેરી દીધેલા છે અર્થાત કોની રકમ છે તેનો ખુલાસો કરી દીધો છે પરંતુ ઇન્કમટેક્ષ વિભાગ કદી આ લોકોના નામ જાહેર નહી કરે કારણ કે પાવરફુલ લોકોની આની અંદર સંડોવણી છે.

   અમદાવાદ મીરરના એક અહેવાલ અનુસાર શેઠનાએ જણાવ્યુ છે કે, ઇન્કમટેક્ષ વિભાગે મહેશ શાહની ઉંડી પુછપરછ કરેલી છે અને મહેશ શાહે તેઓની સમક્ષ બધા જ નામોનો ખુલાસો કર્યો હોવો જોઇએ પરંતુ ઇન્કમટેક્ષ વિભાગ કદી નામોનો ખુલાસો નહી કરે. મની ટ્રાયલમાં અત્યંત શકિતશાળી લોકોની સંડોવણી છે એટલુ જ નહી આઇટી વિભાગ પણ મહેશ શાહ સામે કોઇ પગલા નહિ લ્યે. માત્ર મીડીયાના પ્રેશરને કારણે જ ઇન્કમટેક્ષ વિભાગે થોડી ઘણી વાત જણાવી છે.

   મહેશ શાહની ૩જી નવેમ્બરે અને પમી ડિસેમ્બરે ધરપકડ થયા બાદ આઇટી વિભાગે તેમની પુછપરછ કરી હતી. આઇટી વિભાગ એ બાબતે મૌન છે કે મહેશ શાહે કોઇ નામ જાહેર કર્યા છે કે નહી ? તાજેતરમાં જ એવા અહેવાલો આવ્યા હતા કે મહેશ શાહ હવે આઝાદ પંછી છે. આઇટી વિભાગના ટોચના વર્તુળોએ જણાવ્યુ છે કે, અમે તેમની વિરૂધ્ધ કોઇ પગલા લેવાના નથી. ઇન્ડિયન પીનલ કોડ કે આઇટી એકટ હેઠળ તેમની સામે કોઇ જ કાર્યવાહી નહી થાય.

   સીએ શેઠનાએ કહ્યુ છે કે, મહેશ શાહ લોકો સાથે ડીલ કરતા હતા તેઓના નાણાને પોતાના નાણા તરીકે ખપાવવા તેઓ સંમત થયા હતા. તેઓએ પુરેપુરૂ હોમવર્ક કર્યુ હતુ અને તેઓ અત્યંત બુદ્ધિપુર્વક વર્તયા હતા અને અત્યંત ચાલાકી પણ વાપરી હતી. તેમણે કહ્યુ હતુ કે અમારી સામેનો આરોપોમાં કોઇ વજુદ નથી. મહેશ શાહે અમને ફી કે ખર્ચના પૈસા પણ આપ્યા નથી. આઇટીની રેડ પછી અમારો તેમની સાથે સંપર્ક તુટી ગયો છે. સીએ તરીકે મે જવાબદારીપુર્વક કામકાજ કર્યુ છે. હું જ મહેશ શાહને પહેલા આઇટી ગુજરાતના ચીફ કમિશ્નર બી.ડી.ગુપ્તા પાસે લઇ ગયો હતો અને તેમની સાથે અડધો કલાક ગાળ્યો હતો. તેમણે મહેશ શાહને પ્રશ્નો પુછયા હતા અને તેમની સિકયુરીટી અને સિક્રેસી (ગુપ્તતા) અંગે પણ વાતચીત કરી હતી.

 (11:33 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો