Mukhy Samachar

News of Friday, 17th February, 2017

સરકારનો વચનભંગઃ IT નોટીસો મળતા વેપારીઓ લાલઘુમ

નોટબંધી બાદ કરંટ ખાતામાં પ લાખ કે તેથી વધુ રકમ જમા કરાવનાર વેપારીઓને આયકર વિભાગની નોટીસ મળતા ભારે ઉહાપોહઃ મોદીએ ૧ર લાખની લીમીટ નક્કી કરી હતી તો પછી શા માટે નોટીસો ?: વેપારીઓ જેટલીને મળવાની તૈયારીમાં: મોદીએ આપેલુ વચન યાદ દેવડાવશેઃ વેપારીઓને હેરાનગતિ નહિ કરવાની ખાત્રીનું શું થયુ ? ઉઠાવશે સવાલ

   નવી દિલ્હી તા.૧૭ : સેવિંગ ખાતેદારોની સાથે-સાથે હવે કરંટ (ચાલુ) ખાતુ રાખનારા વેપારીઓ પરેશાન છે. આનુ કારણ એ છે કે જે વેપારીઓએ નોટબંધી દરમિયાન પોતાના કરંટ ખાતામાં પ લાખ રૂપિયાથી વધુની રકમ જમા કરાવી હોય કે તેથી વધુની લેવડ-દેવડ કરેલી હોય તેમને ઇન્કમટેક્ષ વિભાગ તરફથી મેસેજ અને નોટીસ મોકલવામાં આવી રહી છે. વેપારીઓને આ જમા રકમનો હિસાબ કિતાબ આપવામાં જણાવવામાં આવી રહ્યુ છે. ઇન્કમટેક્ષ વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં ૧ લાખ વેપારીઓને નોટીસ મોકલવામાં આવી છે. ઇન્કમટેક્ષની નોટીસ આવવાને કારણે વેપારીઓ હેરાન-પરેશાન થઇ ગયા છે.

   વેપારીઓનુ કહેવુ છે કે, નોટબંધી દરમિયાન પીએમ મોદીએ કહ્યુ હતુ કે, કરંટ એકાઉન્ટમાં જેમણે ૧ર લાખ રૂપિયાથી વધુની રકમ જમા કરાવી હોય તેમના જ ખાતાની તપાસ કરવામાં આવશે પરંતુ ઇન્કમટેક્ષ વિભાગ હવે એવા વેપારીઓને પણ મેસેજ અને નોટીસ મોકલી રહી છે જેમણે નોટબંધી દરમિયાન પોતાના કરંટ એકાઉન્ટમાં પ લાખ રૂપિયા કે તેના પહેલા જમા કરાવી હોય અને એટલી રકમની લેવડ-દેવડ કરી હોય. આવા વેપારીઓને પહેલા ઇન્કમટેક્ષ તરફથી મેસેજ આવ્યા જેને કારણે તેઓ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. તેઓએ ઇન્કમટેક્ષ વિભાગનો સંપર્ક પણ કર્યો તે પછી તેઓને નોટીસ મળવાનુ શરૂ થયુ. પરેશાન વેપારીઓ હવે નાણામંત્રી જેટલીને મળવા માંગે છે કે જેથી સરકારને તેના એ વચનની યાદ અપાવી શકાય કે જે નોટબંધી દરમિયાન વેપારીઓને આપવામાં આવી હતી. સરકારે કહ્યુ હતુ કે, વેપારીઓને બીનજરૂરી રીતે પરેશાન કરવામાં નહી આવે.

   સીબીડીટી અને ઇન્કમટેક્ષના અધિકારીઓનું કહેવુ છે કે, અમને જે નિર્દેશ મળે છે તેનુ અમે પાલન કરીએ છીએ. અધિકારીઓ પાસે એ બાબતનો જવાબ નથી કે જયારે કરંટ એકાઉન્ટમાં જમા રકમની સીમા નક્કી કરી દેવામાં આવી હોય તો પછી તેનાથી ઓછી જમા રકમ અને લેવડ-દેવડ પર ઇન્કમટેક્ષ નોટીસ કઇ રીતે મોકલે છે ? ઇન્કમટેક્ષ વિભાગનું કહેવુ છે કે જે ખાતાની તપાસમાં ગેરરીતિ સામે આવી રહી છે અને જે એકાઉન્ટમાં નોટબંધી દરમિયાન જમા રકમ અને આઇટી રીટર્નમાં આપવામાં આવેલ વિગત સાથે મેળ નથી ખાતી તેઓને પહેલા મેસેજ આપવામાં આવી રહ્યા છે અને પછી નોટીસ.

   નાણા મંત્રાલયનું કહેવુ છે કે જો કોઇને ઇન્કમટેક્ષની નોટીસ આવે તો તેઓ ઓનલાઇન જવાબ આપી શકે છે. સેવીંગ એકાઉન્ટના જેટલા લોકોને જમા રકમને લઇને હિસાબ-કિતાબ આપવા મેસેજ કે નોટીસ મોકલવામાં આવી હોય તેમાંથી લગભગ પ૦ ટકાએ પોતાનો જવાબ ઓનલાઇન આપી દીધો છે.(૩-ર)

 (09:46 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો